નવી દિલ્હી: ભારતની સ્ટાર મહિલા બોક્સર નિકહત ઝરીને વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. તેણે સતત બીજા વર્ષે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. નિકહતે વિયેતનામની ન્યૂગેન થી તામને ૫-૦થી હરાવી હતી. નિકહતે ગયા વર્ષે મે મહિનામાં આ ટુર્નામેન્ટમાં પણ ગોલ્ડ જીત્યો હતો.
ફાઇનલ મેચમાં નિકહત શરૂઆતથી જ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પ્રથમ રાઉન્ડમાં લીડ મેળવી હતી. આ પછી તેણે બીજા રાઉન્ડમાં પણ તેની લીડ ચાલુ રાખી અને ત્રીજા રાઉન્ડમાં વિયેતનામની બોક્સરને શાનદાર પંચ માર્યો હતો. આ પછી રેફરીએ વિયેતનામી બોક્સરની સ્થિતિ વિશે પૂછવા માટે મેચ અટકાવી દીધી. નિકહતની જીત અહીંથી નક્કી થઈ ગઈ હતી. અંતે તેણે ૫-૦ના માર્જિનથી મેચ જીતી લીધી હતી.
મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતને ત્રણ ગોલ્ડ મેડલ મળ્યા છે. સૌથી પહેલા નીતુ ઘંઘાસે ૪૫-૪૮ કિગ્રા વજન કેટેગરીમાં દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પછી સ્વીટી બૂરાએ ૭૫-૮૧ કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે નિકહત ઝરીને ૪૮-૫૦ કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. નિકહત બાદ લવલિના બોર્ગોહેન પણ ફાઈનલ જીતીને દેશને આ સ્પર્ધામાં ચોથો ગોલ્ડ અપાવી શકે છે.