નિખત ઝરીન આજે ઇતિહાસ રચશે!
શું વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન ભારતીય મહિલા બોક્સર નિખત ઝરીન પોતાનું ટાઈટલ બચાવી શકશે? આ પ્રશ્ન આજે દરેકના મનમાં રમી રહ્યો છે. ખુદ નિખત પણ આ અંગે વિચારી રહી છે. નિખત તેના ટાઈટલને બચાવવાથી માત્ર એક જીત દૂર છે. નિખત નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ચાલી રહેલી મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી ગઈ છે, આજે તે 2 વખતની એશિયન ચેમ્પિયન વિયેતનામની ન્ગુયેન થી તામ સામે ટકરાશે. શાનદાર લયમાં દેખાતી નિખાતનું કહેવું છે કે તે ફરીવાર તેની માતાના ગળામાં ગોલ્ડ મેડલ પહેરાવવા માંગે છે.
26 વર્ષની નિખત ઝરીન 50 કિલો વજન વર્ગમાં પોતાનું નસીબ અજમાવી રહી છે. નિખત ઝરીને વર્તમાન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સતત 5 મેચ જીતી છે. તે પ્રથમ વખત ટૂર્નામેન્ટમાં 6 બાઉટ્સ લડી રહી છે. નિખત ફાઈનલ જીતવા માટે ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવે છે. નિખતે કહ્યું હતું કે, ‘હું ફાઈનલ વિશે વધુ વિચારી રહ્યો નથી. મારું ધ્યાન મારી મૂળભૂત બાબતો પર છે. હું મારી માતાની સામે ગોલ્ડ જીતીને આ મેડલ તેમના ગળામાં મૂકવા માંગુ છું. તે પહેલીવાર સ્ટેડિયમમાં મેચ જોવા આવી છે.

નિખત ઝરીને ક્વાર્ટર ફાઈનલનો કિસ્સો શેર કરતા જણાવ્યું હતું કે, આ મેચ જોવા માટે મારી માતા પણ સ્ટેડિયમમાં ઉભા રહીને તાળીઓના ગડગડાટથી મને ચીયર કરી રહી હતી. જ્યારે આ મુકાબલો સમાપ્ત થયો, ત્યારે થોડા સમય માટે એવું લાગ્યું કે આ ચેમ્પિયનશિપમાં મારી સફર પૂરી થઈ ગઈ છે. એક ક્ષણ માટે હું પણ હતાશ થઈ ગઈ હતી. ‘રિંગમાં એક જ સમયે સાથે સાથે બે મેચ ચાલી રહી હતી. જ્યારે મેચ ચાલી રહી હતી ત્યારે બીજી રિંગના બોક્સરે પણ લાલ રંગની જર્સી પહેરી હતી. મારી વિરોધી પણ આ જ રંગની જર્સીમાં હતી. જ્યારે વિજેતાની ઘોષણા કરવામાં આવી અને લાલ જર્સી મંગાવવામાં આવી, ત્યારે તેણે જીતી ગયાનું વિચારીને રિંગમાં કૂદવાનું શરૂ કર્યું. આવી સ્થિતિમાં મારી માતાએ વિચાર્યું કે હું હારી ગઇ છું, હું પણ આશ્ચર્યચકિત થઈ ગઇ હતી, પરંતુ પછી જ્યારે મને ખબર પડી કે આ પરિણામ બીજી રિંગનું છે, ત્યારે મારા જીવમાં જીવ આવ્યો હતો.

નોંધનીય છે કે યજમાન ભારતીય ટીમની બોક્સરે ત્રીજી વખત ભારતમાં યોજાઈ રહેલી વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધીમાં 2 ગોલ્ડ મેડલ જીત્યા છે. નીતુ ગંગાસ અને સ્વીટી બૂરાએ ભારત માટે બે ગોલ્ડ મેડલ જીત્યા છે. રવિવારે એટલે કે છેલ્લા દિવસે, નિખતની સાથે 2 ભારતીય બોક્સર ફાઇનલમાં પ્રવેશ કરશે. ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા લોવલિના બોર્ગોહેન પણ આજે તેનો અંતિમ મુકાબલો રમશે.