ડૉલર સામે રૂપિયામાં ૩૯ પૈસાનું બાઉન્સબૅક

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક સ્તરે ક્રૂડતેલના ભાવમાં ગઈકાલે ૧૦ ટકા જેટલો કડાકો બોલાઈ ગયાના અહેવાલ ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો રૂ. ૧૨૯૫.૮૪ કરોડનો ચોખ્ખો આંતરપ્રવાહ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધથી ૩૯ પૈસાના બાઉન્સબૅક સાથે ૭૮.૯૪ની સપાટીએ બંધ રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૭૯.૩૩ના બંધ સામે સુધારાના ટોને ૭૯.૨૯ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૯.૩૭ અને ઉપરમાં ૭૮.૯૪ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૩૯ પૈસાના બાઉન્સબૅક સાથે ૭૮.૯૪ની સત્રની ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો.
ગઈકાલે ક્રૂડતેલના ભાવમાં જોવા મળેલો તીવ્ર ઘટાડો તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારો અને ગઈકાલે વિદેશી ફંડોનો આંતરપ્રવાહ રહેતાં આજે રૂપિયામાં સુધારો જોવા મળ્યો હોવાનું બીએનપી પારિબાસના વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હતો. પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૬૧૬.૬૨ પૉઈન્ટનો અને ૧૭૮.૯૫ પૉઈન્ટનો સુધારો આવ્યો હતો. તેમ જ વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ગઈકાલે ૧૦ ટકા તૂટ્યા બાદ આજે ઘટ્યા મથાળેથી ૧.૨૬ ટકાના સુધારા સાથે ભાવ બેરલદીઠ ૧૦૪.૦૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, આજે ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી ૦.૧૮ ટકા વધીને ૧૦૬.૭૨ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.