ડૉલર સામે રૂપિયામાં ૨૬ પૈસાનું બાઉન્સબૅક

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદાના ભાવ બેરલદીઠ ૯૦ ડૉલરની નીચે જવાની સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને ગઈકાલે બજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં લેવાલી રહી હોવાના નિર્દેશો સાથે આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૨૬ પૈસાના બાઉન્સબૅક સાથે ૭૯.૬૯ની સપાટીએ બંધ રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૭૯.૯૫ના બંધ સામે સુધારાના ટોને ૭૯.૭૨ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૯.૮૩ અને ઉપરમાં ૭૯.૬૫ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૨૬ પૈસાના બાઉન્સબૅક સામે ૭૯.૬૯ના મથાળે બંધ રહ્યો હતો.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી ૦.૧૧ ટકા ઘટીને ૧૦૯.૭૨ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ૦.૬૦ ટકા ઘટીને બેરલદીઠ ૮૭.૪૭ આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયામાં સુધારો જોવા મળ્યો હતો. આ ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટીમાં અનુક્રમે ૬૫૯.૩૧ પૉઈન્ટ અને ૧૭૪.૩૫ પૉઈન્ટનો સુધારો જોવા મળવા ઉપરાંત ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૭૫૮.૩૭ કરોડની ચોખ્ખી લેવાલી રહેતાં રૂપિયાની તેજીને ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.