ડૉલર સામે રૂપિયામાં ઘટ્યા મથાળેથી ૧૧ પૈસાનું બાઉન્સબૅક

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૩૦૯ કરોડની ચોખ્ખી લેવાલીના અહેવાલ ઉપરાંત વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં પણ પીછેહઠ જોવા મળતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ગઈકાલની ૭૯.૯૯ની ઐતિહાસિક નીચી સપાટીએથી ૧૧ પૈસાના બાઉન્સબૅક સાથે ૭૯.૮૮ની સપાટીએ બંધ રહ્યો હતો.
સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૭૯.૯૯ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૭૯.૯૫ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૯.૯૬ અને ઉપરમાં ૭૯.૮૨ સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધથી ૧૧ પૈસાના સુધારા સાથે ૭૯.૮૮ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયો ૭૯.૯૯ની ઐતિહાસિક નીચી સપાટીએ બંધ રહ્યો હતો. એકંદરે આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી ૦.૧૦ ટકા ઘટીને ૧૦૮.૪૩ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી અનુક્રમે ૩૪૪.૬૩ પૉઈન્ટ અને ૧૧૦.૫૫ પૉઈન્ટ વધીને બંધ રહ્યા હોવાથી અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલી રહેતાં રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો, પરંતુ આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૬૭ ટકા વધીને બેરલદીઠ ૯૯.૭૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.