સોનામાં ₹ ૮૪૪નું અને ચાંદીમાં ₹ ૧૧૦૨નું બાઉન્સબૅક

બિઝનેસ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગઈકાલે ડૉલર ઈન્ડેક્સ નબળો પડતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં ૧.૩ ટકા જેટલો ઉછાળો આવ્યા બાદ આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં સુધારો આવ્યો હોવા છતાં અમેરિકી ફેડરલ રિઝર્વની આગામી સપ્તાહની બેઠક પૂર્વે રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવતા આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈને ટકેલા રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવમાં વધ્યા મથાળેથી ઘટાડો આવ્યો હતો. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે વૈશ્ર્વિક ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલ અને ડૉલર સામે રૂપિયામાં નરમાઈ રહેતાં હાજરમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૪૧થી ૮૪૪ના બાઉન્સબૅક સાથે ફરી રૂ. ૫૦,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા. તે જ પ્રમાણે ચાંદીમાં પણ ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૧૦૨ વધીને રૂ. ૫૫,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા. આજે સ્થાનિકમાં ખાસ કરીને સોનામાં વૈશ્ર્વિક ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલે સોનામાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની લેવાલી ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની ખપપૂરતી માગને ટેકે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૪૧ વધીને રૂ. ૫૦,૬૧૩ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૮૪૪ વધીને રૂ. ૫૦,૮૧૬ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં પણ સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૧૦૨ વધીને રૂ. ૫૫,૦૦૯ના મથાળે રહ્યા હતા. ગત બુધવારે ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવ ઘટીને એક વર્ષ કરતાં વધુ સમયગાળાની નીચી ઔંસદીઠ ૧૬૮૦.૨૫ ડૉલરની સપાટી સુધી ગબડી ગયા બાદ ગઈકાલે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ રહેતાં સોનાના ભાવમાં ૧.૩ ટકા જેટલો ઉછાળો આવ્યો હતો અને ભાવ ફરી ૧૭૦૦ ડૉલરની સપાટી પાર કરી ગયા હતા. જોકે, આજે ડૉલર ઈન્ડેક્સમાં સુધારો અને અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ઔંસદીઠ ભાવ સાંકડી વધઘટે અથડાઈને ૧૭૧૭.૭૯ ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૨ ટકા વધીને ૧૭૧૬.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૬ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૧૮.૭૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.