વીમા કંપનીને ₹ ૧૧ લાખનું વળતર આપવાનો આદેશ
મુંબઈ: બોમ્બે હાઈ કોર્ટે બુધવારે કહ્યું હતું કે પૂરા સમય પછી જન્મેલું શિશુ (પૂરા સમયનું) અને સમય પહેલાં જન્મેલા શિશુ (સમય પૂર્વેનું) એમ બંનેને નવજાત કહેવાય. આ સાથે જ કોર્ટે વીમા કંપનીને નિર્દેશ આપ્યો હતો કે તે મુંબઈની એક મહિલાને સમયથી પહેલાં પોતાના જોડિયાં બાળકોની સારવાર પર ખર્ચ કરેલા રૂ. ૧૧ લાખ આપે. ન્યાયાધીશ ગૌતમ પટેલ અને ન્યાયાધીશ નીલા ગોખલેની ખંડપીઠે ન્યુ ઈન્ડિયા એસ્યોરન્સ કંપનીને એ નિર્દેશ આપ્યો હતો કે તેઓ મહિલાના વીમાના દાવાને ચૂકવવાથી બચવા માટે પોતાની વીમા પોલિસીની જોગવાઈઓનો ખોટી વ્યાખ્યા કરવાનો પ્રયાસ કરવા માટે તેને પાંચ લાખ રૂપિયાની વધારાની રકમ આપે.
ખંડપીઠે કહ્યું હતું કે વીમા કંપનીનું વલણ અનુચિત, અન્યાયપૂર્ણ અને વીમા પોલિસીની મૌલિક સદ્ભાવના અને નૈતિકતાથી વિપરીત હતું. ખંડપીઠે કહ્યું હતું કે આ દલીલો પાયાવિહોણી અને ભ્રામક છે. આને સ્વીકાર નથી કરી શકાતી.
વ્યવસાયે વકીલ મહિલાએ વર્ષ ૨૦૨૧માં એ સમયે બોમ્બે હાઈ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હતાં, જ્યારે વીમા કંપનીએ તેમના દાવાને અસ્વીકાર કર્યો હતો. ત્યારે વીમા કંપનીએ કહ્યું હતું કે પોલિસીના વર્તુળમાં માત્ર એ જ નવજાત શિશુ આવે છે, જે પૂરા સમયમાં જન્મ્યું હોય, સમય પહેલાં જન્મેલા શિશુને આનો લાભ નથી મળતો. બોમ્બે હાઈ કોર્ટે પોતાની વ્યવસ્થામાં કહ્યું હતું કે નવજાત શિશુનો મતલબ પૂરા સમય પછી જન્મેલા શિશુ અને સમય પૂર્વે જન્મેલા શિશુ બંનેનો થાય છે.