બોટાદ લઠ્ઠા કાંડ: ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અને પોલીસ વડાએ ‘કેમિકલના દુર ઉપયોગ’ની ઘટના ગણવી, દારૂનો ઉલ્લેખ ટાળ્યો

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Botad: બોટાદ જીલ્લમાં થયેલા લઠ્ઠા કાંડમાં મૃત્યુ આંક વધી રહ્યો છે. વધુએ બે લોકોના મૃત્યુ થતા મૃત્યુઆંક 30 પર પહોંચ્યો છે જયારે કુલ 51 લોકો ભાવનગર તથા અમદાવાદ સીવીલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 6 મૃત્યુ થયા છે અને બોટાદ જીલ્લામાં ૨૨ મૃત્યુ નોંધાયા છે. અન્ય 2 મૃતકો વિષે હાલ માહિતી મળી નથી. ત્યારે બીજી તરફ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ આ ઘટનાને ‘કેમિકલના દુર ઉપયોગ’ની ઘટના ગણાવી ‘દારૂ’નો ઉલ્લેખ પણ ટાળ્યો હતો. પોલીસે આપેલી પ્રેસ નોટમાં પણ ‘દારૂ’ અંગે કોઈ ઉલ્લેખ નથી.
ત્યારે નોંધવા લાયક બાબત એ છે કે આરોપીઓ સામે IPCની કલમ 302, 328, 120B સાથે સાથે પ્રોહીબીશન એક્ટની કલમ-65A, 67(1) અંતર્ગત ગુનો દાખલ કરાયો છે.
ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને કહ્યુ કે, ‘બોટાદ જિલ્લામાં કેમિકલના દુરઉપયોગથી બનેલી ઘટનાની સઘન તપાસ અર્થે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ અધિકારીઓથી બનેલી કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. ઉપરોક્ત કમિટી યુદ્ધના ધોરણે ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરીને સરકારને સમગ્ર રિપોર્ટ સોંપશે.’


ત્યારે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ કે, ગઇકાલે બપોરે અમારી પાસે માહિતી આવી હતી કે અમદાવાદના ધંધુકાના ગ્રામ્ય વિસ્તારમાં 2-3 લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કર્યા છે. જેનાં આધારે પોલીસ અધિકારીઓને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. ત્યાં તેમણે લોકોએ કેમિકલ પીધું હોવાની જાણકારી મળી. વધુ તપાસ કરતા જાણવા મળ્યુ કે, બોટાદના અનેક ગામોમાં આ રીતે લોકોએ કેમિકલ પીધુ છે. 24 કલાકની અંદર ગુનો દાખલ કરાયો છે. તમામ આરોપીએ રાઉન્ડઅપ કરીને એફઆઈઆર કરી છે. 460 લીટર મિથાઈલ આલ્કોહોલ કબજે કરાયુ છે. સેમ્પલના રિપોર્ટમાં 99 ટકા મિથાઈલ છે તે સ્પષ્ટ થયુ છે.
આશિષ ભાટિયાએ જણાવ્યુ કે, આ એક ઈન્ડસ્ટ્રીય કેમિકલ છે જેનો ઉપયોગ પેઈન્ટ, પ્લાયવુડ ઈન્ડસ્ટ્રીઝમાં થાય છે. કેમિકલ દારૂમાં મિક્સ નથી કર્યું, પણ પાણીમાં ઈન્ડસ્ટ્રીયલ સોલવન્ટ મિક્સ કરીને તેને બનાવાયુ હતું. કેમિકલમાં પાણી મિક્સ કરીને લકો સીધેસીધુ પી ગયા. તેમને ખબર ન હતી કે ઈન્ડસ્ટ્રીય યુઝ માટે થાય છે.આ ઈન્ડસ્ટ્રીયલ સોલવન્ટના ગેરઉપયોગનુ આ પરિણામ છે.
કોંગ્રેસ અધ્યક્ષ જગદિશ ઠાકોરે ગુજરાત સરકાર પર આંકરા પ્રહાર કર્યા હતા તેમણે કહ્યું કે, ‘ગુજરાતની ભાજપ સરકાર કોરોના કાળમાં સોસાયટીમાં ડ્રોનની મદદથી ધાબા પર બેઠેલા લોકોને પકડી પાડે, તો ગુજરાતમાં જયારે ડ્રગ્સ આવે, દારૂની ભઠ્ઠીઓ ચાલે છે તો ત્યાં કેમ તમારું ડ્રોન કામ નથી કરતું?’

“>

મુખ્ય આરોપી જયેશ ઉર્ફે રાજુ અસ્લાલીની AMOS નામની કંપનીમાં કામ કરે છે. તે આ કંપનીમાં ગોડાઉનનો ઈન્ચાર્જ હતો. આ કંપનીના ગોડાઉનમાં મિથાઈલ આલ્કોહોલના બેરલ મૂકાય છે. જયેશના પિતરાઈ ભાઈ સંજય નગોઈનો રહેવાસી છે. બંનેએ મળીને કેમિકલ કાંડને અંજામ આપ્યો હતો. જયેશે 22 તારીખે 600 લીટર કેમિકલ ગોડાઉનમાથી ચોરી કરીને સંજયને 40 હજારમાં વેચ્યુ હતું. આ બનાવામાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ બનાવોની તપાસમાં સ્થાનિક પોલીસ ઉપરાંત એ.ટી.એસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ટીમ પણ જોડાયેલી છે.
આ ઝેરી કેમિકલ યુકત પ્રવાહીનું એફ.એસ.એલ. ગાંધીનગર દ્વારા પૃથકરણ કરતાં તેમાં કુલ ૯૮.૭૧ મિથાઈલ આલ્કોહોલની હાજરી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.