પ્રાસંગિક -ભરત વૈષ્ણવ
શું સમજે છે એના મનમાં ? રાજુ રદીની ખોપરી સખત ફાટેલી હતી. બે હાથ તલવારની માફક વિંઝતો હતો. સરકસમાં અનાડી જોકર તલવાર વિંઝતો હોય એ દૃશ્ય યાદ આવી જાય. રાજુનું શરીર ક્રોધથી કાંપતું હતું… આંખોમાં ચારકોલના લાલચોળ અંગારા હતા. જેમાં કોઇ બટર ચિકન બનાવી શકે !!
રાજુ વોટસ હેપન્ડ ? જસ્ટ ચિલ. રિલેકસ. ગુસ્સો થૂંકી દે. હું હજુ બોલવાનું પૂરું થાય તે પહેલા એણે ટાઇલ્સ પર ગુસ્સો થૂંક્યો .
આવું કેવી રીતે ચલાવવાનું? હજુ બૉમ્બ ફાટેલો હતો. માનો કે સક્રિય જ્વાળા-મુખીમાંથી લાવારસ નીકળતો ન હોય. કારનું રેડિયેટર ગરમ થઇ જાય અને અંદરથી ગરમ ગરમ ધુમાડો ન નીકળતો હોય!!
રાજુ કોની વાત કરે છે? ઝેલેન્સ્કી, જિનપિંગ, પુતિન કે આલુ પોટેટો જેવા કિમ જોનની વાત કરે છે. બાકી છોકરીનો બાપ ના પાડે તો તું નહીં તો ઔર સહી પોઝિટિવ એપ્રોચ રાખવાનો બકા.
ગુસ્સો તારા સ્વાસ્થ્ય માટે લાંબા ગાળે ખતરનાક છે!! મેં રાજુ રદીને શાંત કરવાની કોશિશ કરી.
ગિરધરભાઇ, આપણા મીડિયાના મોં યુધિષ્ઠિરના કૂતરાંની જેમ જમીન ,જાહેરાત, રેવડીથી ભરી દીધા છે. મીડિયા સિંહની જેમ ગરજવાના બદલે પકવાન ખાઇને બગાસા ખાવા એ પણ નક્કી કરેલ સાઇઝ જેટલું મોઢું ખોલે છે અને તરત બંધ કરે છે. કોઇ અવળચંડા (સાહેબ કોઇ નહીં પણ આખી જમાત અવળચંડી છે.) આપણા સાહેબે સૌની સાન ઠેકાણે લાવી છે.
દેશની છબી બગડે, દેશનું અપમાન (સ્પષ્ટતા: અહીં દેશ એટલે કેવળ અને કેવળ સાહેબ જ સમજવાનું છે. બીજા કોઇને ભારત, ઇન્ડિયા કે હિન્દુસ્તાન ફિન્દુસ્તાન સમજવાની ગુસ્તાખી બુસ્તાફી કરવાની નહીં!!) મે કહ્યું.
ગિરધરભાઇ. વિદેશી મીડિયા કાયમ અવળચંડાઈ કરે છે. વિદેશી મીડિયા એના દેશના નેતાઓને લપેટમાં લઇ લે તો પછી આપણે શું વિસાતમાં છીએ?? વિદેશી મીડિયા વખાણ કરે તો તેને ઇવેન્ટ બનાવી દેવાની. આપણા વખાણને ૧૩૫ કરોડ પ્રજા કહીએ કે ન કહીએ પણ આપણી ટીકાને ભારતનું અપમાન અચૂક બતાવવાનું, બતાવવાનું અને બતાવવાનું.
મીડિયા એ વાત ગાંઠે બાંધી લે કે સવાલો શાસકોને પૂછવાના જ નહીં!! સવાલોના કઠેડામાં વિરોધ પક્ષને રાખવાનો !! મીડિયા મીડિયાનું કામ કરે!!! એ ડોક્યુમેન્ટરી બનાવવામાં કેમ ટાંગ અડાડે છે?? ડોક્યુમેન્ટરી બનાવવાનું કામ મીડિયા હાઉસનું છે? માનો કે ડોક્યુમેન્ટરી બનાવવી છે તો જવાહરલાલ નહેરુ મહાન છે તો તેના સગાઓ નહેરુ અટક કેમ રાખતા નથી? તેનો સંશોધનાત્મક સનસનીખેજ અહેવાલ એવી ડોક્યુમેન્ટરી બનાવે, કેરી ઘોળીને ખાવી કે ચુસીને ખાવી તેનો ખાદ્યાત્મક અહેવાલ, દિવસમાં પાંચથી સાતવાર વસ્ત્રો બદલવાથી ઉત્પન્ન થતી આણ્વિક ઉર્જાની પોઝિટિવિટી, હું કરું હું કરું તેવું માનસિક ગાન કરવાથી મનને મળતી ઉપલબ્ધિ વિષયક ભ્રામક પરિતૃપ્ત વિશે ડોકયુમેન્ટરી બનાવે. આવી ડોક્યુુમેન્ટરી પર સરકારને પણ પ્રતિબંધ મુકવાની ફરજ ન પડે.
મીડિયા તરીકે કશું કર્યાનો ક્રિએટીવ સંતોષ મળે!! સાહેબે સ્વબળે યુક્રેનના યુદ્ધને છ કલાક રોકી વિધાર્થીઓને યુક્રેનમાંથી હેમખેમ બહાર કાઢવાની સિદ્ધિ કે સાહેબ શાંતિના નોબેલ એવોર્ડકી ઓર એ લાર્જર ધેન લાર્જેસ્ટ પોસિબિલિટીઝ!! આ વિષય પર ડોક્યુમેન્ટરી બનાવે.
કંઇ નહીં તો આગલી સરકારોના છોડિયા કાઢતી છોડિયા ફાઇલ્સ બનાવે. સાહેબની મહેરબાનીથી ડોક્યુમેન્ટરીને દાદા સાહેબ ફાળકે એવૉર્ડ અપાવીશું. આ ફિલ્મને ટેકસ ફ્રી બનાવીશું પ્રોડયુસર માલામાલ થઇ જશે. આવકના બખ્ખા થઇ જશે!! રાજુએ કેવી ફિલ્મો બનાવવી કેવી ફિલ્મો ન બનાવવી તેની વાત લંબાણથી કરી!
રાજુ અકરમીનો પડિયો કાણો. બીબીસીની શું હેસિયત છે કે પૃથ્વી વલ્લભ સાથે બાથ ભીડે!? બીબીસીએ ‘ઈન્ડિયા: ધ મોદી ક્વેશ્ર્ચન’ નામની ડોક્યુમેન્ટરી બનાવી છે. જે બે ભાગમાં છે.
બીબીસી એટલે બ્રિટિશ ભ્રષ્ટ્રાચાર કોર્પોરેશન કે બ્રિટિશ બકવાસ કોર્પોરેશન છે!! (સૌજન્ય ગોરવપૂર્ણ ગૌરવજી!!) સૂરજ સામે દીવો ઘરો તો શું થાય?? આવી ગુસ્તાખી માટે સાહેબ બીબીસીને કીડીની માફક મસળી નાંખે તેવા તાકાતવર છે, પરંતુ સાહેબ કોમળ અને ઋુજુ હ્યદય ધરાવે છે.
ગાડી નીચે ગલૂડિયું કચડાઇ જાય તો પણ સાહેબનું ઉર શારડીની માફક વિંધાઇ જાય છે!! બીબીસી એ લડવું હોય મંગલ પાંડે થવું પડે!! બીબીસીની દિલ્હી અને મુંબઈની ઓફિસમાં આઇટીની રેડ પડી છે અબ આગે આગે આગે દેખિયે હોતા હૈ કયાં??? મેં બાબીસીને ભપકી આપી !!
ગિરધરભાઇ, બીબીસીને કહી દઇએ કે આ તો પાશેરામાં પહેલી પુણી છે. રાજુએ સંકલ્પ કર્યો.
રાજુ, આપણા બુલડોઝર બાબાના બુલડોઝર કયાં છે? કર્ણાટકના બુલડોઝર કયાં છે??મેં રાજુને પૂછયું .
ગિરધરભાઇ, બીબીસી લાતો કે ભૂત છે, બાતો મે યકીન નહીં કરતે હૈ!! આ બીબીસીની ઓફિસ પર બુલડોઝર ચલાવવું એ જ એકમાત્ર ઉપાય છે. બોસ, બદમાશ, બદમિજાજ, બદતમીજ, બીબીસી પર બુલડોઝર ચલાવી દો. એટલે એને પણ ખબર પડે કે કોન સે શેર કે સાથ પંગા લીયા હૈ. ઉન કો ઉનકી નાની તક યાદ કરા દેંગે?? રાજુએ રૌદ્ર સ્વરૂપ દેખાડયુ…
સાલ્લું અમે સજજડબમ થઇ ગયા.!!!