Homeઉત્સવબોરડમ આપણો જન્મસિદ્ધ અધિકાર છે!

બોરડમ આપણો જન્મસિદ્ધ અધિકાર છે!

મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી

એક ‘વિચિત્ર’ કેસમાં, ફ્રાન્સના એક માણસને ત્યાંની અદાલતે કામ કરતી વખતે ‘બોર થવાનો’ અધિકાર આપ્યો છે. પેરિસની એક મેનેજમેન્ટ ક્ધસલ્ટિંગ ફર્મમાં કામ કરતા આ માણસને એટલા માટે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો કારણ કે તેણે કંપનીના એ પ્રોગ્રામમાં જોડાવાની ના પાડી હતી, જેમાં કર્મચારીઓને દર અઠવાડિયે, કામકાજના કલાકો પછી, મોજ-મસ્તી કરાવવામાં આવે છે, જેથી તેઓ કામમાં બોર ન થાય અને વધુ સારું કામ આપી શકે.
કંપનીએ તેની પર આરોપ મૂક્યો હતો કે તે બોરિંગ માણસ છે અને કોઈનું સાંભળતો નથી. પેલો અદાલતમાં ગયો હતો અને કહ્યું હતું તે કંપનીની ‘ખુશ’ થવાની રીત સાથે સંમત નથી અને પોતે જો ‘બોરિંગ’ હોય, તો તે તેનો અધિકાર છે અને તેને બળજબરીથી ખુશ કરી ન શકાય. અદાલતે તેની દલીલ મંજૂર રાખી હતી અને કંપનીને વળતર ચૂકવવા આદેશ કર્યો હતો.
સમાચાર આટલા જ છે. કેસની બીજી વિગતો જાહેર થઇ નથી. કંપનીએ તેને કાઢી મૂકવા માટેનાં બીજાં ક્યાંં કારણો રજુ કર્યા હતાં એ પણ આપણને ખબર નથી. કંપનીની ‘ખુશ’ રહેવાની વ્યાખ્યા શું છે તે પણ સમાચારમાં નથી. આપણા માટે એક જ વાત ધ્યાન આપવા જેવી છે કે પેલો માણસ બોર હતો અને કંપની તેને ‘ખુશ’ કરવા મથતી હતી. આવું બનતું હોય છે.
૨૦૧૬માં, સ્કોટલેંડના પર્થશાયર શહેરમાં, એક શિક્ષિકાને એટલા માટે છોકરાં ભણાવામાંથી ‘ઉઠાડી’ દેવામાં આવી હતી કારણ કે તે બોરિંગ છે તેવી વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી. બીજાં બધાં કારણો પણ હતાં જ, પણ સ્કોટલેંડની ટીચિંગ કાઉન્સિલે એ વાત પણ નોંધી હતી કે શિક્ષિકાનું ભણાવાનું એટલું શુષ્ક અને ‘એકવિધ’ હતું કે છોકરાઓમાં ઉત્સાહ જ આવતો ન હતો.
આ બંને કિસ્સામાં, અભિપ્રેત ખયાલ એવો છે કે બોરિંગ હોવું એ ‘અપરાધ’ છે. બોરિંગનો વિરોધાર્થી રસિક છે. જે રસિક નથી તે બોરિંગ છે એવું આપણે માનીએ છીએ. વાસ્તવમાં, બોરિંગ હોવું એ ઓબ્જેક્ટિવ ગુણ નથી, સબ્જેક્ટિવ છે. ધારો કે તમે આ વાંચીને એવું કહો છો કે લેખ બોરિંગ છે, પણ બીજો કોઈ વાચક તેને ઉત્તમ ગણે છે. એનો અર્થ એ થયો કે તમારી પસંદનું અથવા તમે જેને રસિક કહો છો તેવા મતલબનું લખાણ આ લેખમાં નથી, પણ એ જ લખાણ બીજા વાચકને રસપ્રદ લાગે છે કારણ કે તેની પસંદગી એમાં ઝળકે છે. જે ફિલ્મ તમને બોરિંગ લાગે છે તે બીજાને રસપ્રદ લાગે છે.
બોરિંગ હોવું અને રસિક હોવું બંને સ્વતંત્ર ગુણ નથી, તે જોવા-અનુભવવાવાળી વ્યક્તિની માનસિકતા પર નિર્ભર કરે છે. ઘણીવાર માણસો પોતે પણ બોરડમનો અનુભવ કરતાં હોય છે. બોરડમ ઉત્તેજનાના અભાવમાંથી આવે છે. ગમે તેટલો ઉત્તેજક અનુભવ હોય, તેનું સુખ એક અવધિ પછી રૂટિન થઈ જાય છે, તેની નોવેલ્ટી ખતમ થઈ જાય છે, અને પછી તમને તેનો કંટાળો આવવા લાગે છે. દરેક સુખ રૂટિન થઈ જાય, પછી આપણને પ્રશ્ર્ન થાય છે; બસ આટલું જ? જ્યાં સુધી આપણને એમ થતું રહે કે હું અત્યારે જે કરું છું, તેના કરતાં વધુ દિલચસ્પ બીજું કંઈક છે, ત્યાં સુધી બોરડમથી પીછો છોડાવવો અઘરો છે. બોરડમને દૂર કરવાના તમામ પ્રયાસો છેવટે આપણને બોરડમમાં જ લઈ જાય છે. આપણે શેરડીના રસના સંચા જેવા છીએ. કુચ્ચામાંથી રસ કાઢ-કાઢ કરીએ છીએ, અને પછી તેને ફેંકી દઈને બીજો સાંઠો પીલીએ છીએ.
બોરડમ એટલે શું? બોરડમ એટલે વિચારનું સતત રિપીટેશન. ગમે તેટલો ફેન્ટાસ્ટિક વિચાર હોય, એ બહુ ઝડપથી ‘જૂનો’ થઈ જાય છે, અને એનો કંટાળો આવવા લાગે છે. તમે ગમે તે કરો, વિચારની સાઈકલમાંથી મુક્ત થવું અશક્ય છે. એટલે તમે મંદિરમાં, સિનેમા થિયેટરમાં કે દારૂના પીઠામાં જઈને બેસી જાવ છો, જેથી વિચારોના ક્ધવેયર બેલ્ટ પરથી ઘડીવાર ઊતરી શકાય.
આપણને સતત નવો અનુભવ કરવો છે, જેથી બોર ના થઇ જવાય, પણ દરેક અનુભવ તેની નિશ્ર્ચિત અવધિ પછી નવીનતા ગુમાવી દે છે, અને તમારા બોરડમનો ક્ધવેયર બેલ્ટ પાછો ચાલુ થઈ જાય છે. બોરડમ તળિયા વગરના કૂવા જેવું છે. તમે એમાં ગમે તેટલાં એન્ટરટેઇનમેન્ટ અને ઍકસાઈટમેન્ટ નાખતા રહો, એ ભરાય જ નહીં.
વાસ્તવમાં, આ નકારાત્મક લાગતી વાત એક રીતે સકારાત્મક છે. ન્યુરોસાયન્સ કહે છે કે બોરડમ તંદુરસ્ત ભાવ છે. તે સર્જનાત્મકતાને પ્રેરે છે. આપણને એક ચીજમાં કંટાળો આવે છે એટલે આપણે બીજું કશું કરવા પ્રેરાઈએ છે. એકટર શાહરૂખ ખાને એકવાર કહ્યું હતું કે, “હું ડિપ્રેશનને ટાળવા એક્ટિંગ કરું છું. અમિતાભ બચ્ચન આટલી ઉંમરે પણ ૧૫ કલાક કામ કરે છે કારણ કે કામ કર્યા વગર તે ઉબાઈ જાય છે.
દુનિયામાં જેટલી પણ મહાન શોધખોળો થઇ છે તે બોરડમમાંથી થઇ છે. માણસ જયારે ગુફામાં બેઠો-બેઠો બોર થતો હતો એટલે ગુફાની દીવાલો પર ચિત્રો દોરતો થયો હતો, એ બહાર નીકળીને પર્વતો ચઢવા ગયો હતો, દરિયો તરવા ગયો હતો, આકાશમાં તારાઓ જોઇને કલ્પનાઓ ઘડતો થયો હતો. બાળકો હંમેશાં કંટાળો આવતો હોવાની ફરિયાદ કરતાં હોય છે અને પેરેન્ટ્સને ખબર હોય છે તેને તેને કોઈ ગમતી પ્રવૃત્તિમાં
પરોવી દઈએ તો તેમની સર્જનાત્મકતા ખીલી ઊઠે છે. હવે તો એ ભારતમાં પ્રતિબંધિત છે, પણ તમને ટિક-ટોકની રીલ્સ ખબર છે ને? તેમાં જે જાત-ભાતની કળા-કારીગરી અને પ્રતિભાનું પ્રદર્શન થતું હતું તે મૂળભૂત રીતે બોર થઇ રહેલા યુવાનોની સર્જનાત્મકતા હતી.
ઘણીવાર વ્યસ્ત રહેવાનો ફાયદો એ હોય છે કે “મને આમ ફીલ થયું અને તેમ ફીલ થયું એવું અનુભવવા કે કહેવાનો સમય જ ન હોય. ફીલિંગ્સ તાકતવર હોય છે તે સાચું, પરંતુ મગજ વ્યસ્ત હોય તો તેની તીવ્રતા દબાયેલી રહે છે. અનેક અભ્યાસોમાં એ સાબિત પણ થયું છે પ્રોડકટિવ વ્યસ્તતા નકારાત્મક કે પીડાદાયક ફીલિંગ્સ પર હાવી થઈ જાય છે અને વ્યક્તિને ખુશીનો અહેસાસ કરાવે છે. આપણે પ્રવૃત્તિમાં વ્યસ્ત ન રહીએ ત્યારે વધુ પડતા વિચારો કરવા લાગીએ છીએ અથવા વિચારવાનું જ બંધ કરી દઈએ છીએ. બંને સ્થિતિમાં લાંબા ગાળે આપણે જીવનની વ્યર્થતાનો અનુભવ કરતા થઈ જઈએ છીએ. પ્રવૃત્તિ આપણને સાર્થકતા બક્ષે છે.
જર્મન ફિલોસોફર માર્ટિન હેઈડેગરે બોરડમ પર બહુ ચિંતન કર્યું હતું. તેણે કહ્યું હતું કે બોરડમનો અનુભવ ઉત્તમ છે. હેઈડેગરના મતે બોરડમ આપણને આપણા અસ્તિત્ત્વને સમજવા માટે પ્રેરે છે. તે કહેતો કે આપણે સતત આપણી જાતને વ્યસ્ત રાખીએ છીએ, પણ એ વ્યસ્તતાની નીચે આપણને આપણા જીવનનો અસલમાં કોઈ અર્થ છે કે નહીં તેવો સવાલ સતાવતો રહે છે. બોરડમ આપણને આપણા જીવનની અસલિયત સાથે પરિચય કરાવે છે એટલે એ ઉમદા ભાવ છે, એમ તેણે કહ્યું હતું.
બોરડમનો ઉપાય જિજ્ઞાસા છે. આપણે જો કોઇપણ ચીજમાં ગહન દિલચસ્પી લઈએ, તો બોર થવું અશક્ય છે. દિલચસ્પી સમજણમાંથી આવે. કોઈ ચીજને આપણે જેટલી સમજીએ, તે એટલી જ દિલચસ્પ થતી જાય અને સમજવા માટે ઊંડા ઊતરવું પડે. આ સાઇકલ છે. ગહનતામાં દરેક ચીજ અર્થપૂર્ણ હોય છે. એ ફાલતુ ત્યારે લાગે, જ્યારે આપણે ઉપરછલ્લી રીતે કનેક્ટ થઈએ.
ઇન ફેક્ટ, આધુનિક સમયમાં આપણે એટેન્શનના કુપોષણથી પીડાઈએ છે. આપણો એટેન્શન-સ્પાન બહુ ઓછો થઈ ગયો છે. આપણે જીવનને સાર્થક બનાવે તેવી વ્યક્તિઓ અને વસ્તુઓ પર પૂરી એકાગ્રતા કેળવી શકતા નથી, કારણ કે જે સાર્થક છે તે ગહન છે અને જે ગહન છે તે સમય, ઊર્જા અને એકાગ્રતા માગે છે, જેની આપણી પાસે અછત છે. આપણને બોરડમનો આનંદ ઉઠાવતાં આવડી જાય પછી તે બોરડમ રહેતું નથી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular