દિલ્હીમાં એકનાથ શિંદે-બોમ્મઈની અમિત શાહ સાથે બેઠક
નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર અને કણાર્ટકની વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદના નિરાકરણ મુદ્દે પાટનગરમાં બુધવારે મહત્ત્વની બેઠક યોજવામાં આવી હતી. ગૃહ પ્રધાન અમિત શાહની આગેવાની હેઠળની બેઠક પછી અમિત શાહે કહ્યું હતું કે આ સીમા વિવાદનો ઉકેલ રસ્તા પર આવી શકે નહીં.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્મઈ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક યોજવામાં આવ્યા પછી અમિત શાહે કહ્યું હતું કે સીમા વિવાદનો રાજકીય વિરોધ ગમે તે હોય, પરંતુ બંને રાજ્યના નેતાઓએ તેને રાજકીય મુદ્દો બનાવવો જોઈએ નહીં. બંને રાજ્યમાં કોંગ્રેસ, એનસીપી અને ઉદ્ધવ ઠાકરેનું જૂથ પણ એ મુદ્દો રાજકીય બને નહીં તેના અંગે મદદ કરશે. સીમા વિવાદના ઉકેલ માટે સમિતિ બનાવવામાં આવી છે, પરંતુ આ વિવાદનો ઉકેલ રસ્તા પર આવી શકે નહીં. સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવે નહીં ત્યાં સુધી કોઈ પણ રાજ્ય એકબીજા પર ક્લેમ નહીં કરી શકે. કમિટી અને સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જુઓ, એમ ગૃહ પ્રધાને જણાવ્યું હતું.