શૅરબજારમાં ચાલી રહ્યો છે તેજીમંદીનો ખેલ! સેન્સેક્સ ફરી ૭૭૦ પોઇન્ટ ગબડ્યો, રિલાયન્સમાં ત્રણ ટકાનો કડાકો

શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજારમાં તેજીવાળા અને મંદીવાળા વચ્ચે જબરી ખેંચતાણ ચાલી રહી હોય એવો માહોલ છે. વિશ્ર્વબજારની નરમાઇ અને સ્થાનિક સ્તરે ઇન્ડસ્ટ્રી હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સહિત આઇટી સેકટરના શેરોમાં વેચવાલી આવતા ગુરુવારના સત્રમાં સેન્સેક્સ ઐએક તબક્કે ૧૦૦૦ પોઇન્ટથી મોટો કડાકો બોલાવીને અંતે ૭૭૦ પોઇન્ટના ઘટાડે સ્થિર થયો હતો. જ્યારે નિફ્ટી ૧૭,૫૫૦ની નીચે સરકી ગયો છે. જોકે, નિષ્ણાતો અનુસાર નિફ્ટીએ ૧૭,૫૦૦ની સપાટી ટકાવી રાખી એ પણ રાહતની વાત છે. એક તબક્કે ૧૦૧૪.૫૦ પોઇન્ટ અથવા તો ૧.૭૦ ટકાના કડાકા સાથે ૫૮,૫૨૨.૫૭ પોઇન્ટની સપાટીને અથડાયા બાદ સત્રને અંતે સેન્સેક્સ ૭૭૦.૪૮ પોઇન્ટ અથવા તો ૧.૨૯ ટકાના મસમોટા ગાબડા સાથે ૫૮,૭૬૬.૫૯ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. એ જ રીતે, એનએસઇનો નિફટી ૨૧૬.૫૦ પોઇન્ટ અથવા તો ૧.૨૨ ટકાના કડાકા સાથે ૧૭૫૪૨.૮૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.
શેરબજારમાં રોલરકોસ્ટર જેવો માહોલ સર્જાયો છે. સપ્તાહના પહેલા દિવસે નીચે પટકાયેલો બેન્ચમાર્ક બીજા સપ્તાહે ઊંચી છલાંગ લગાવ્યાં બાદ ગુરુવારના ત્રીજા સત્રમાં ફરી નીચી સપાટીએ પટકાયો છે. એ નોંધવું રહ્યું કે બુધવારે ગણેશોત્સવ નિમિત્તે શેરબજાર બંધ રહ્યું હતું. સપ્તાહના પહેલા દિવસે સેન્સેકસે પ્રારંભિક સત્રમાં ૧૪૬૬ પોઇન્ટ નીચે પટકાઇને અંતે ૮૬૧ પોઇન્ટ ગુમાવ્યા હોવાથી બીએસઇ પર લિસ્ટેડ શેરોના બજાર મૂલ્યમાં રૂ. ૨.૩૯ લાખ કરોડનું ધોવાણ નોંધાયું હતું. જ્યારે મંગળવાર પાછલા ત્રણ મહિનાના આ સોથી શ્રેષ્ઠ એકદિવસીય ઉછાળામાં સેન્સેક્સે ૫૯,૫૦૦ની સપાટી પુન: હાંસલ કરી લીધી હતી, તો નિફ્ટીએ ૧૭,૭૫૦ની સપાટી વટાવવામાં સફળતા મેળવી હતી. હવે આ સત્રમાં સેન્સેક્સે ૧૦૦૦ પોઇન્ટ સુધી નીચે પટકાયા બાદ અંતે ૭૭૦ પોઇન્ટનો ઘટાડો નોંધાવ્યો છે. મૂંઝાયેલા રોકાણકારોને બજારના નિષ્ણાતો અત્યારે થોભો અને જુઓની નીતિ અપનાવવાની સલાહ આપી રહ્યાં છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૨.૯૯ ટકાના કડાકા સાથે ટોપ લૂઝર બન્યો હતો. સેન્સેક્સના સૌથી વધુ ગબડનારા અન્ય શેરોમાં ટાટા ક્ધસ્લ્ટન્સી સર્વિસિસ, સન ફાર્મા, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, એનટીપીસી, હિંદુસ્તાન યુનિલીવર, એચડીએફસી, પાવરગ્રીડ, બજાજ ફાઇનાન્સ અને આઇસીઆઇસીઆઇ બેન્કનો સમાવેશ હતો. જ્યારે સૌથી વધુ વધનારા શેરોમાં બજાજ ફિનસર્વ, એશિયન પેઇન્ટસ, ભારતી એરટેલ, ટાઇટન, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ઇન્ડસઇન્ડનો સમાવેશ હતો.
ખાનગી ક્ષેત્રની તમિલનાડ મર્કેન્ટાઇલ બેંકની પ્રારંભિક જાહેર ઓફર પાંચમી સપ્ટેમ્બરે ખૂલી રહી છે. દેશના સૌથી જૂની બેન્કોમાંની એક બેન્કનો ઇશ્યૂ સાતમી સપ્ટેમ્બરે બંધ થશે. બેન્ક તેના શેર રૂ. ૫૦૦-૫૨૫ની પ્રાઇસબેન્ડ રેન્જમાં વેચશે. રોકાણકારો ઓછામાં ઓછા ૨૮ ઇક્વિટી શેર માટે અને ત્યાર બાદ ગુણાંકમાં બિડ કરી શકે છે. એન્કર બુક શુક્રવારે બીજી સપ્ટેમ્બરના રોજ ખુલશે. શેરનું ઓલોટમેન્ટ ૧૪મીએ અને લિસ્ટિંગ ૧૫મી સપ્ટેમ્બરે થશે. એશિયાઇ બજારોમાં સિઓલ, ટોકિયો, હોંગકોંગ અને શાંઘાઇ સ્ટેક એક્સચેન્જના બેન્ચમાર્ક ઇન્ડેક્સ નીચી સપાટીએ ગબડ્યાં હતાં, જ્યારે યુરોપના શેરબજારોમાં બપોરના સત્ર સુધી નેગેટીવ ટ્રેન્ડ રહ્યો હોવાના અહેવાલ હતા. આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડમાં બે ટકાના કડાકા સાથે બેરલદીઠ ૯૩.૭૩ ડોલરનો ભાવ બોલાયો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.