‘ભાયખલામાં બૉમ્બ વિસ્ફોટ કરાશે’: નનામા કૉલથી રેલવે પ્રશાસન દોડતું

આમચી મુંબઈ

સ્ટેશનમાંથી કંઈ સંદિગ્ધ નહીં મળતાં રાહત, કૉલ કરનારો તાબામાં

ક્ષિતિજ નાયક

મુંબઈ: મધ્ય રેલવેના ‘ભાયખલા રેલવે સ્ટેશનમાં ચાર બૉમ્બ રાખવામાં આવ્યા છે અને વહેલી સવારના આ બોમ્બ ફૂટશે’ એવા નનામા કૉલથી મંગળવારે રેલવે પોલીસ, આરપીએફ અને સિટી પોલીસ પ્રશાસન દોડતું થઈ ગયું હતું, પરંતુ કંઈ શંકાસ્પદ નહીં મળતા રેલવે પોલીસે રાહતનો શ્ર્વાસ લીધો હતો.
નવમી ઑગસ્ટના બપોરના એક વાગ્યાના સુમારે કંટ્રોલરૂમમાં એક કૉલ આવ્યો હતો. ‘ભાયખલા સ્ટેશનમાં ચાર બૉમ્બ રાખવામાં આવ્યા છે અને આ બૉમ્બ વહેલી સવારના ૩.૪૦ વાગ્યાના સુમારે ફૂટશે’ એવું જણાવાયું હતું. આ કૉલ આવ્યા પછી પોલીસે રેલવે તથા સિટી પોલીસની તમામ એજન્સીને તાકીદ કરી હતી. આ સંદર્ભે રેલવે પોલીસની વિશેષ ટીમની સાથે, ડોગ સ્ક્વૉડ, બૉમ્બ સ્ક્વૉડની સાથે સિટી પોલીસની ટીમના જવાનોને ભાયખલા સ્ટેશને રવાના કરવામાં આવ્યા હતા. જોકે, તેના સંબંધમાં રેલવે પોલીસની ટીમના જવાનોએ રેલવે સ્ટેશનના પરિસરને સંપૂર્ણ તપાસ કર્યા પછી ક્યાંય કશુ શંકાસ્પદ મળી આવ્યું નહોતું. ત્યાર બાદ વરિષ્ઠ પોલીસ અધિકારીની આગેવાનીમાં કૉલ કરનારાને ટ્રેસ કરતા એ કૉલર ભાંડુપનો રહેવાસી હોવાની જાણ થઈ હતી. ભાંડુપ પશ્ર્ચિમના ન્યુ પ્રકાશ નગરમાંથી એ શખસને તાબામાં લેવામાં આવ્યો હતો તથા તેણે તેનું નામ રજાક નઝીર ખાન (ઉંમર ૪૫) તરીકેની ઓળખ આપી હતી.
જોકે, તેની સામે કેસ નોંધ્યા પછી આ કેસમાં વધુ તપાસ માટે એલસીબીને સોંપવામાં આવ્યો છે, એમ સીએસએમટી ખાતેના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર પી. ઈનામદારે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું. કૉલ કરનારા શખસે રેલવે સ્ટેશનના પરિસરની આસપાસના વિસ્તારમાં અશાંતિ ઊભી કરવાની સાથે નાસભાગ કરવાની સાથે રેલવે પોલીસને ખોટી માહિતી આપવાને કારણે તેની સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે, એમ તેમણે જણાવ્યું હતું.
———-
આ વર્ષે ચાર વખત કૉલ કરાયા: એલસીબી
ભાયખલા સ્ટેશનમાં ચાર બૉમ્બ રાખવામાં આવ્યા છે, જે સંદર્ભે એક શખસને તાબામાં લેવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં તેનો મોબાઈલ ચોરી થઈ ગયો હોવાની વાત જણાવી હતી, પરંતુ એ વાત ગળે ઊતરી નથી. હાલના તબક્કે તેના ફોન કૉલ રેકોર્ડની સાથે મોબાઈલની તપાસ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં તેની પાસેથી કંઈ સંદિગ્ધ વસ્તુ મળી આવી નથી, પરંતુ તેને ટ્રેક પર રાખવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, તેની સામે ભૂતકાળમાં પણ કોઈ ગુનાઈત કેસ પણ મળ્યો નથી. આમ છતાં તપાસ ચાલી રહી છે, એમ લોકલ ક્રાઈમ બ્રાંચના વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. મુંબઈ હંમેશાં આતંકવાદીઓનું ટાર્ગેટ રહ્યું છે, તેમાંય વળી મુંબઈનાં રેલવે સ્ટેશનો પણ સંવેદનશીલ માનવામાં આવી રહ્યા છે. એજન્સી તરફથી પણ દરેક વખતે ઈન્પુટ મળતા હોય છે, તેથી રેલવે સ્ટેશનના પરિસરમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવે છે. એટલું જ નહીં, અજાણ્યા લોકો દ્વારા પણ રેલવે સ્ટેશનોને આતંકવાદી હુમલા કરવા અંગે કૉલ કરાય છે, જેના સંદર્ભે આ વર્ષે અત્યાર સુધીમાં ચારેક કૉલ મળ્યા છે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.