(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ રૂપે, ભારતીય રેલવે દાંડી કૂચની થીમ પર સાબરમતી સ્ટેશનનો પુન:વિકાસ કરી રહી છે, એમ અમદાવાદ રેલવે મંડળે જણાવ્યું હતું. શહેરના સાબરમતી સ્ટેશનને મલ્ટિ મોડલ હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે જે રેલવેને જોડશે, હાઇ સ્પીડ રેલવે સ્ટેશન હબ, મેટ્રો અને બસ રૈપિડ ટ્રાન્ઝિટ રૂટ ને એક કરશે. મહાત્મા ગાંધીની સાથે જોડાણ અને તેમના દ્વારા સાબરમતી નદીના કિનારે સ્થાપિત આશ્રમના કારણે સાબરમતી એક વિશ્ર્વ પ્રસિદ્ધ સ્થળ છે. આ જોતાં, ભારતીય રેલવેએ આ સ્ટેશનને એક અત્યાધુનિક રેલવે સ્ટેશન તરીકે પુન:વિકાસ કરવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે ભારતીય રેલવે આધુનિક સુવિધાઓ ની સાથે ૨૦૦થી વધુ રેલવે સ્ટેશનોને વિશ્ર્વ કક્ષાના ટર્મિનલ તરીકે પુન:વિકાસ કરી રહી છે, જેથી સામાન્ય રેલ મુસાફર પણ આરામદાયક, સુવિધાજનક અને આનંદપ્રદ રેલ મુસાફરીનો અનુભવ કરી શકે.
સ્ટેશનની ડિઝાઇનમાં ગાંધીજી ના જીવન થી જોડાયેલ વિવિધ પાસાઓ જેમ કે ચરખા અને ઐતિહાસિક દાંડી કૂચનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્ટેશન ની ડિઝાઇનને એવી વાસ્તુકલા ની સાથે બનાવવામાં આવી છે.
આ ભાવિ સ્ટેશનનું મોડેલ પણ સાબરમતી સ્ટેશન પર પ્રદર્શિત કરવામાં આવ્યું છે જેથી મુસાફરોને સ્ટેશનનાભાવિ સ્વરૂપની માહિતી અને અનુભવ મળી શકે છે. પશ્ર્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર સાબરમતી સ્ટેશનના પુન:વિકાસનું કામ શરૂ થઈ ગયું છે અને તે ઝડપથી આગળ વધી રહ્યું છે. પશ્ર્ચિમ રેલવે દ્વારા રૂ. ૩૩૪.૯૨ કરોડના મંજૂર ખર્ચે પુન:વિકાસ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે અને તે મે, ૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.