હાઈ કોર્ટે સીબીઆઈને કોચરની અરજીનો જવાબ આપવા શુક્રવાર સુધીનો સમય આપ્યો
મુંબઈ: બોમ્બે હાઈ કોર્ટે ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની ધરપકડને પડકારતી અને વચગાળાની રાહત આપતી અરજી પર પોતાનો આદેશ અનામત કર્યો હતો. કોર્ટ આ કેસમાં ૯મી જાન્યુઆરીએ પોતાનો ફેંસલો સંભળાવશે. અહીં નોંધવું ઘટે કે આઈસીઆઈસીઆઈ બેંક-વીડિયોકોન લોન ફ્રોડ કેસમાં સીબીઆઈએ કોચર દંપતીની ધરપકડ કરી હતી. જોકે વીડિયોકોનના પ્રમોટર વેણુગોપાલ ધૂતની પણ પોલીસે બાદમાં ધરપકડ કરી હતી. ત્રણેય જણ હાલમાં અદાલતી કસ્ટડીમાં છે.
ઉલ્લેખનીય છે કે બોમ્બે હાઈ કોર્ટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને આઈસીઆઈસીઆઈ બેંકનાં ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને એમડી ચંદા કોચર અને તેના બિઝનેસમેન પતિ દીપક કોચરની કથિત લોન ફ્રોડ કેસમાં ધરપકડને પડકારતી અરજીનો જવાબ દાખલ કરવા માટે શુક્રવાર સુધીનો સમય આપ્યો છે. શુક્રવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને કોર્ટે તેમનો આદેશ અનામત રાખ્યો હતો.
કોચર દંપતીએ તેમની ધરપકડને ગેરકાયદે ગણાવીને તેમના રિમાન્ડના આદેશને રદ કરવાની માગણી સાથે હાઈ કોર્ટમાં અરજી કરી હતી. જેલમાંથી મુક્તિ મેળવવા માટે તેઓએ એવી પણ રજૂઆત કરી હતી કે તેમના પુત્રના આ મહિનાના અંતમાં લગ્ન છે અને મહેમાનોને પહેલેથી જ આમંત્રણો મોકલી આપવામાં આવ્યાં છે.
સીબીઆઈએ ૨૩મી ડિસેમ્બરે આ કેસમાં ચંદા અને દીપક કોચરની ધરપકડ કરી હતી. ત્યાર બાદ દંપતીને અદાલતી કસ્ટડીમાં મોકલવામાં આવ્યાં હતાં. મંગળવારે જ્યારે હાઈ કોર્ટે ધરપકડ સામે તેમની અરજી લીધી હતી ત્યારે કેન્દ્રીય એજન્સીએ તેનો જવાબ દાખલ કરવા માટે સમય માગ્યો હતો.
જોકે હાઈ કોર્ટે સીબીઆઈને અરજી પર તેનો જવાબ દાખલ કરવા માટે સમય આપવાની જરૂર છે, એવું કહીને આ મામલાને શુક્રવાર સુધી મુલતવી રાખ્યો હતો. આ બાબતે શુક્રવારે ફરી વાર સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને હાઈ કોર્ટે તેમનો આદેશ અનામત રાખ્યો હતો. કોર્ટ ૯મી જાન્યુઆરીએ તેમનો ફેંસલો સંભળાવશે.