મુંબઈ: સીબીઆઈની તપાસ હેઠળના ભ્રષ્ટાચારના કેસમાં રાજ્યના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખને આપવામાં આવેલા જામીન પરનો સ્થગિતીનો આદેશ બૉમ્બે હાઈ કોર્ટ દ્વારા ૨૭મી ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યો હતો.
જસ્ટિસ એમ. એસ. કર્ણિકની સિંગલ બૅન્ચે બુધવારે ૭૩ વર્ષના એનસીપીના નેતા દેશમુખને ભ્રષ્ટાચારના કેસમાં ૧૨ ડિસેમ્બરે જામીન આપ્યા હતા, પરંતુ સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટિગેશને (સીબીઆઈ) આ આદેશને પડકારવા માટે સમય માગતાં કોર્ટે આદેશનો અમલ ૧૦ દિવસ પછી થશે, એમ કહ્યું હતું.
તપાસ એજન્સીએ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, પણ વૅકેશન પછી જાન્યુઆરી, ૨૦૨૩માં જ અરજી સાંભળવામાં આવશે, એમ કોર્ટે કહ્યું હતું.
સીબીઆઈએ મંગળવારે એડિશનલ સોલિસિટર જનરલ (એએસજી) અનિલ સિંહ થકી હાઈ કોર્ટના જસ્ટિસ કર્ણિકને તેમના આદેશ સામેનો સ્ટે ૩ જાન્યુઆરી સુધી લંબાવવા વિનંતી કરી હતી.
બુધવારે આ મામલો સુનાવણીમાં આવ્યો ત્યારે અનિલ સિંહે ઉચિત સમય માટે રક્ષણ આપવા વિનંતી કરી હતી.
જોકે, દેશમુખના વકીલ અનિકેત નિકમે જણાવ્યું હતું કે સીબીઆઈ સુપ્રીમ કોર્ટમાં વૅકેશન રજિસ્ટ્રાર પાસે અરજી કરી શકે, પરંતુ તેને તેમ કરવું નથી.
‘અમને સંપૂર્ણ સુનાવણી પછી જામીન અપાયા છે તો પછી વધુ એક દિવસ પણ મારી આઝાદીને કેમ રોકવામાં આવી રહી છે,’ એવી દલીલ નિકમે કરી હતી.
અનિલ સિંહે કહ્યું કે રજિસ્ટ્રારનો સંપર્ક કરાયો હતો, પરંતુ મામલો સુનાવણીમાં આવવાનું અત્યંત મુશ્કેલ છે. આ પછી કોર્ટે ૨૭ ડિસેમ્બર સુધી પોતાના આદેશ સામે સ્ટે લંબાવ્યો હતો.
હાઈ કોર્ટે અગાઉ દેશમુખને જામીન આપતી વખતે એવું નોંધ્યું હતું કે દેશમુખ વતી બારમાલિકો પાસેથી રૂપિયા વસૂલવામાં આવ્યા, એવા બરતરફ પોલીસ અધિકારી સચિન વાઝેના નિવેદન સિવાય સીબીઆઈ પાસે બીજા કોઈ પુરાવા નથી. (પીટીઆઈ)
હાઈ કોર્ટે અનિલ દેશમુખના જામીન આદેશ પરનો સ્ટે ૨૭ ડિસેમ્બર સુધી લંબાવ્યો
RELATED ARTICLES