બોલે મોર મહા તૂરો, હોયે ખાટી છાસ, પડે મેઘ મહી ઉપરે, રાખો રૂડા આશ!

ઉત્સવ

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

મુંબઈ સહિત અનેક ઠેકાણે વર્ષારાણીનું આગમન થઈ ગયું છે. આજે તો વિજ્ઞાન – ટૅક્નોલૉજીની મદદથી વરસાદ ક્યારે પડશે એનું સચોટ અનુમાન થઈ શકે છે. અગાઉના સમયમાં જ્યારે હવામાન ખાતાની આગાહી કરતી વેધશાળા જેવી સગવડ નહોતી ત્યારે અમુક નિશાનીઓ પરથી મેઘરાજાની પધરામણી અંગે અનુમાન બાંધવામાં આવતા હતા. લોકસાહિત્યના દુહા અને કહેવતો દ્વારા આ વાત અત્યંત મજેદાર રીતે રજૂ થતી હતી. આજે એના કેટલાક ઉદાહરણ જોઈએ. આ દુહાની એક લાક્ષણિકતા એ છે કે એમાં લોકજીભે બોલતા શબ્દો જોવા મળે છે જે વ્યાકરણની દૃષ્ટિએ કદાચ ખામીભર્યા લાગે પણ એની મહેક
અનેરી છે.
વરસાદની આગાહી કરતો પહેલો દુહો છે હોય પાણી કળશ્યે ગરમ, ઈંડાળી કીડી દીસે તો વરષા બહુ થાય. અગાઉ પીવાનું પાણી કળશમાં રાખવાનો રિવાજ હતો. એ પાણી જો ગરમ થઈ જાય, ચકલીઓ પાંખો ફફડાવી ધૂળમાં નહાવા લાગે અને કીડીઓ ઈંડા લઈ દોડધામ કરતી દેખાય એ વરસાદ આવવાના એંધાણ હોવાની માન્યતા હતી. બીજો દુહો છે પિત્તળ કાંસા લોહને જે દિન કાળપ હોય, ભડલી તો તું જાણજે જળધર આવે સોય. લોઢાની વસ્તુઓને કાટ લાગવાની શરૂઆત થાય અને પિત્તળ તેમજ કાંસાના વાસણ કાળા પડવા લાગે તો સમજવું મેઘરાજાની પધરામણી થવાની તૈયારી છે. મોર અને વરસાદનો પણ વિશિષ્ટ નાતો છે. એ સંદર્ભનો મજેદાર દુહો છે બોલે મોર મહા તૂરો, હોયે ખાટી છાસ, પડે મેઘ મહી ઉપરે, રાખો રૂડા આશ! ઝાડ
પર બેઠેલો મોર આકાશમાં વાદળા જોઈ ડોકના ત્રણ ત્રણ કટકા કરીને ‘મે આવ, મે આવ’ કરવા લાગે અને છાસ ખાટી – તૂરી થઈ જાય એ મેઘરાજાના આગમનના એંધાણ માનવામાં આવે છે. કારી કકર મેં આથમે, રતી પ્રો વિહાય, ભડલી એ સંસાર મેં પાની ન સમાય. રતી એટલે ચણોઠી જેવું રતુંબડું, પ્રો એટલે વહેલી સવારે અને વિહાય એટલે આકાશ. કાળા ડિબાંગ વાદળ વચ્ચે જો સૂરજ આથમી જાય અને વહેલી સવારે રતુંબડા આભમાંથી સૂર્યદેવના કિરણો ફેલાવાની શરૂઆત થાય તો પૂર આવે એવો ભારે વરસાદ થાય.
———-
સુરતની કહેવતો

સુરત શહેરની અનેક ખાસિયત છે જેમાં ભાષા અને ભોજન વિશેષ મહત્ત્વ ધરાવે છે. આજે આપણે સુરત ભાષામાં કઈ રીતે વણાઈ ગયું છે એ જાણીએ અને માણીએ. સુરત સમૃદ્ધિ માટે જાણીતું છે. આ વાત સુરત શહેર અને સોનાની લહેર કહેવતમાં બહુ સરસ રીતે વ્યક્ત થાય છે. બાર ગાઉએ બોલી બદલાય એમ કહેવાય છે અને ગામ બદલાય એમ લોકો અને રહેણીકરણીમાં પણ પરિવર્તન જોવા મળે. આ વાત સુરત શહેરમાં દાવર ઘણા, સાતવલ્લામાં બાવળ ઘણા, નવસારીમાં ભાઈ ઘણા અને વડોદરામાં ભાઉ ઘણા કહેવતમાં સુપેરે વ્યક્ત થાય છે. દાવર શબ્દ પારસી વ્યક્તિનો સૂચક છે. સુરતમાં પારસીઓની વસતી ઘણી અને સુરત નજીક આવેલા સચિનના સાતવલ્લા વિસ્તારમાં બાવળના વૃક્ષ ઝાઝા જોવા મળે. નવસારીમાં ભાઈ – ગુજરાતીઓની સંખ્યા વધુ નજરે પડે જ્યારે વડોદરામાં ભાઉ (ભાઈ માટે મરાઠી શબ્દ) વધુ જોવા મળે. એનું કારણ એ છે કે અનેક મહારાષ્ટ્રીયન લોકો વડોદરા સ્થળાંતર થઈ ત્યાં સ્થાયી થયા છે. ટૂંકમાં કહીએ તો ક્યાં કયા લોકો વધુ વસે છે એની જાણકારી મળે છે. ખાણીપીણીની જેમ તહેવારની ઉજવણી માટે સુદ્ધાં સુરત જાણીતું છે. સુરતની બળેવ અને મુંબઈની દિવાળી એ બે ખાસ જોવા જેવા અને માણવા જેવા હોય છે. પોંક – ઘારી જેવી આઈટમ માટે સુરત પ્રખ્યાત છે, પણ સુરતના રીંગણ અત્યંત લોકપ્રિય છે. સુરતનાં વેગણને માટે તો દેવ તરસે છે. મતલબ કે સુરતના રીંગણની વાત જ અનેરી છે.
———-
વાળંદના વાંકાં હોય તો કોથળીમાંથીય કરડે: કહેવત કથા

એક લોકવાયકા છે. ગામના એક વડીલને અફીણને ભારે બંધાણ હતું. બે કલાક પણ એના વિના કાઢવા આકરા પડે. એવામાં થયું એવું કે ત્રણેક દિવસ સુધી અફીણનો જોગ જ ન થઈ શક્યો. ‘અફીણ અફીણ’નો જાપ જપતા વડીલ અહીંતહીં અને છેવટે વગડામાંય આંટો મારી આવ્યા, પણ અફીણનો બંદોબસ્ત ન થઈ શક્યો. અચાનક વગડામાં એમની નજરે કાળોતરો (ઝેરી સાપ) ચડ્યો. અફીણ વિના બેચેન થઈ ગયેલા વડીલે નક્કી કર્યું કે ‘અફીણ વિના જીવન આકરું છે. એના કરતા કાળોતરો કરડી ખાય તો પ્રભુને પ્યારા થઈ જવાય.’ વડીલે કાળોતરો પકડ્યો અને સાપ સ્વભાવ અનુસાર તેમને કરડ્યો, પણ વડીલને કોઈ અસર ન થઈ. એવું કહેવાય છે કે અફીણ પીનારને ઝેર ન ચઢે, કારણ કે એ ઝેરને ટપી જાય એવું હોય છે. વડીલ ગેલમાં આવી દુહાની રમઝટ બોલાવવા મંડ્યા અને સાપ અફીણના ઝેરથી મરી ગયો. વડીલને તો જાણે ઉકેલ મળી ગયો. અફીણ ન મળે એટલે ઝેરી સાપ પકડી કોથળીમાં પૂરી દે. સાપ દંશ દે એટલે ગેલમાં આવી દુહાની રમઝટ બોલાવે. સાપની આ અનોખી ‘સેવાથી રાજી થઈ ગયેલા વડીલ એના માટે નિયમિત ભોજનનો પ્રબંધ કરવાનું પણ શરૂ કરી દીધું. એકવાર કોઈના બેસણામાં ગયા ત્યારે પણ કોથળીમાં હાથ નાખી ગેલમાં આવી દુહા લલકારતા હતા. દૂરથી ખેલ જોઈ રહેલા એક વાળંદને થયું કે ‘આ કોથળીમાં કોઈ જબરી વસ્તુ લાગે છે. હું પણ એમ કરું તો મારી આળસ દૂર ભાગી જાય.’ આમ વિચારી વાળંદ ચુપચાપ વડીલ પાસે જઈ પહોંચ્યો અને એમનું ધ્યાન નહોતું ત્યારે કોથળીમાં હાથ નાખ્યો. ખિજવાયેલા સાપે તરત દંશ દીધો અને વાળંદ અફીણનો બંધાણી નહોતો. એનું શરીર ઝેર ન જીરવી શક્યું અને એના રામ રમી ગયા. ત્યારથી કહેવત ચાલી આવે છે કે વાળંદના વાંકાં હોય તો કોથળીમાંથીય કરડે. મતલબ કે સમય ખરાબ ચાલતો હોય ત્યારે કોઈપણ રીતે અનિષ્ટ થાય.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.