દેખાવમાં નહિ, પણ સ્વભાવમાં બોલ્ડનેસ છુપાયેલી છે…!

લાડકી

બોલ્ડ હોવું એટલે શું? બોલ્ડ અને બિનધાસ્ત હોવાની પરફેક્ટ વ્યાખ્યા કઈ? માત્ર દેખાવથી આધુનિક હોય એને જ બોલ્ડ કહેવાય તો સ્વભાવ અને વિચારોમાં છીછરાપણું હોય એને શું કહેવાય?

સંબંધોને પેલે પાર -જાનકી કળથિયા

આપણે કોઈ છોકરી કે છોકરાને જાહેરમાં અમુક પ્રકારની હરકતો કરતાં જોઈએ એટલે તેને ‘બોલ્ડ’નો ટેગ આપીએ છીએ. ખાસ કરીને બહારી દેખાવમાં અતિઆધુનિકતા, સંબંધોમાં ઉછાંછળાપણું, રેર ઓફ ધી રેર કહી શકાય એવી હરકતો, જાહેરમાં વિચિત્ર પ્રકારનું વર્તન, ઓપોઝિટ જેન્ડર સાથેના વધુ પડતી મોકળાશ ધરાવતા સંબંધો, કોઈ એક્ટ્રેસ અથવા તો એના જેવી દેખાતી સ્ત્રીઓ પર અભદ્ર ટિપ્પણી કરવી વગેરે જેવી બાબતોને આપણે વ્યક્તિની બોલ્ડનેસ સાથે જોડીએ છીએ. તો કાઉન્ટર પ્રશ્ર્ન એ કે જો આ જ બોલ્ડનેસ હોય તો વ્યક્તિના વિચારોની આધુનિકતાને શું કહેવાય? માણસનું સ્પષ્ટ વ્યક્તિત્વ એ શું છે? ખોટું સહન ન કરી શકનારી વ્યક્તિને શું કહીશું? ખોટું કામ કર્યા પછી આંતરમન જાગી ઊઠતાં એ કામના સ્વીકાર કર્યાને શું કહીશું?
સ્ત્રી-પુરુષ સમાનતાની મોટી મોટી વાતો કરનાર, સ્ટેજ પરથી ભાષણો કરનાર એક સાહેબની ઓફિસમાં તેના હાથ નીચે કામ કરનાર એક મહિલા કર્મચારીનાં કપડાં બાબતે જોરદાર લડાઈ થઈ. સંપૂર્ણપણે શરીર ઢંકાય એવાં કપડાં હોવા છતાં વેસ્ટર્ન કપડાંથી પૂર્વગ્રહ રાખતા. અન્ય સ્ટાફમિત્રો પણ ગંદી કોમેન્ટ્સ કરતા. બહાર મોટી મોટી વાતો ફાડતા લોકો અંદરખાનેથી કેટલા ઉઘાડા છે એનો બેસ્ટ નમૂનો આ છે. એટલે કથની અને કરણીમાં ફેર હોય એવા લોકોમાં ક્યાંય બોલ્ડનેસ દેખાતી નથી.
એક બહેનના સોશિયલ મીડિયા પર અપલોડ થયેલા ફોટો પર તો એક વ્યક્તિએ સારી સારી કોમેન્ટ્સ કરી, પણ એ ફોટાને કોઈકે પર્સનલ વોટ્સએપ ગ્રુપમાં મૂક્યો. તો ત્યાં એ જ ફોટા પર સાવ થર્ડ ક્લાસ કોમેન્ટ્સ કરવામાં આવી. હવે આ બંને પ્રકારની કોમેન્ટ્સમાં સામ્યતા એ હતી કે આવું કરનારી વ્યક્તિઓ પરિચિત હતી અને તફાવત એ હતો કે આવું કરનારી વ્યક્તિઓ જાહેરમાં સાફસૂથરી હોવાનું મહોરું પહેરીને પોતે જમાના મુજબ ‘બોલ્ડ’ છે એવા ટેગ સાથે ફરતી. જ્યારે હકીકતમાં અંદરથી વાહિયાત, જુઠ્ઠી, ઢોંગી, ખોખલી અને વિકૃત ૧૮મી સદીવાળી માનસિકતાવાળી હતી. તો અહીં આવા લુખ્ખાઓની જાહેરમાં વ્યક્ત થતી, માત્ર દેખાડા પૂરતી માનસિકતાને શું આપણે બોલ્ડનેસનું મસમોટું લેબલ આપીશું? અરે, અહીં તો બોલ્ડનેસનો બી પણ નહોતો.
બસ આવી જ રીતે આપણી આસપાસ કહેવાતા આપણા ‘બોલ્ડ’ લોકો આપણી કામયાબી કે આપણા સ્ટેટસની વાહવાહી કરી પોતાની ખોખલી બોલ્ડનેસ સાબિત કરવાનો અર્થહીન પ્રયત્ન કરે છે. જ્યારે વાસ્તવમાં તેમના સ્વભાવ તો આપણી જાણ બહાર બોલ્ડ હોવાની વ્યાખ્યાથી ક્યાંય છેટા હોય છે. આપણે ધારી લીધા મુજબનાં વ્યક્તિત્વો ઘણી વાર પાછળથી પહોળાં થઈને એની હલકાઈ પર ઊતરી આવે છે. વિકૃતિની તમામ સીમાઓ વટાવીને સ્ત્રીના શરીર પર ઊતરતી કક્ષાની, અભદ્ર ટિપ્પણી કરીને એના જેવા જ લોકોના ટોળામાં બે ઘડીની વિકૃત મોજ કરે છે.
વળી હાથમાં સિગારેટ સાથે, માથે લાખોનાં દેણાં હોય તોય માગીને લાવેલી રોયલ એનફીલ્ડ પર ગામના પૈસે પેટ્રોલ પુરાવીને, અડધાં ફાટેલાં પેન્ટ અને બે અઠવાડિયાંની વધી ગયેલી દાઢી-મૂછ સાથે, શરીરની ગંધને છુપાવવા વળી માગીને લાવેલું પરફ્યુમ છાંટે. છોકરા-છોકરીના ભેદભાવથી પર હોવાનો ડોળ કરીને એની મિત્રની જ ગેરહાજરીમાં પ્રાઈવેટ પાર્ટ પર નોનવેજ જોક મારે. કોઈ અન્ય જગ્યા જ ન મળી હોય એમ નેણ પર કડિયું પહેરે, કલરેકલરના વાળ અને દાંત રંગાવે, કેટલીક વાર તો એવો લુક હોય કે દૂરથી ખબર જ ન પડે કે છોકરો છે કે છોકરી…! બાકી રહી ગયું હોય તો દૂંટી પણ વીંધાવે, જાત જાતનાં ડબલ મીનિંગવાળાં ટેટૂ બનાવે એ પણ કેવી જગ્યાએ…! દિવસ માથે ચડ્યો હોય ત્યારે એની મધ્યરાત્રી ચાલતી હોય ને ઊંઘવા ટાણે એનો દિવસ ઊગે, વેંત એકના ચડ્ડા પહેરી જાહેરમાં સેલ્ફીયું પાડે, પણ ખાનગીમાં અન્યના ચડ્ડા ઉતારે, એટલી નીચ માનસિકતા કે દરેક વાતનો ડબલ મીનિંગવાળો અર્થ કાઢી કારણ વિનાનો ફાંકો લઈને ફરે. ઈવન સોશિયલ મીડિયામાં અર્થનો અનર્થ કરતી પોસ્ટ મૂકી ગામને ભેગું કરે, રફ એન્ડ ટફ બોડી લેંગ્વેજ પ્લસ ભાષા સાથે પોતે એલિયનની દુનિયામાંથી આવ્યો હોય એમ વર્તે. આવું બધું નાડી નેઠા વગરનું કરીને પોતાની જાતને ‘મહાબોલ્ડ’ સમજે, જે માત્ર બાહરી દેખાવ સાથે જોડાયેલી બાબતો છે.
જ્યારે હકીકતમાં બોલ્ડનેસ તો વ્યક્તિનાં સ્વભાવ, વાણી અને વર્તનમાં દેખાય છે. રિસ્પોન્સ આપવાથી લઈને રિસ્પેક્ટ આપવા સુધીની બાબતમાં વ્યક્તિની બોલ્ડનેસ છુપાયેલી છે. અભિવ્યક્તિમાં સ્પષ્ટતા અને ખોટું થતું હોય ત્યાં અવાજ ઉઠાવનારી વ્યક્તિ બોલ્ડના લેબલની હકદાર છે. સામેવાળાના આંતરિક તેમ જ બાહ્ય પરિવેશનો સ્વીકાર માત્ર નહિ, પણ સમજણ સાથેના સ્વીકારનો અહીં સમાવેશ થાય છે. એટલે આધુનિકતા માત્ર શરીરથી હોય, પણ વિચારો અને સ્વભાવ પેઢીઓ જૂના હોય એવી વ્યક્તિઓએ પોતાની જાતને ઢાંકણીમાં પાણી લઈને ડુબાડી દેવી જોઈએ. ઓપોઝિટ જેન્ડર પ્રત્યે માન-સન્માનની લાગણી ન હોય તો ચાલશે, પણ પોતાની હલકી સોચને જાહેરમાં પ્રદર્શિત કરી સાવ તળિયે બેસી ગયેલા અને કટાઈ ગયેલા ભેજાને લોકઅપમાં પૂરી દેવું વધુ ઉત્તમ રહે.
જે શરીર થકી જન્મ્યા હોઈએ એ જ શરીરના ભાગોને શરમાવે એવી કુબુદ્ધિ વાપરવાનું બંધ કરી દે ત્યાં બોલ્ડનેસ છે. કોઈ વ્યક્તિ પ્રત્યેની ટિપ્પણી ખાનગીમાં નહિ, પણ જાહેરમાં કરી દે અને પાછળથી ફરે નહિ ત્યાં બોલ્ડનેસ છે. મેલાંઘેલાં કપડાંમાં નહિ, પરંતુ એ કપડાંમાં વીંટળાયેલા ભેજાની અંદર ઉદ્ભવતા ફળદ્રુપ વિચારોમાં બોલ્ડનેસ છુપાયેલી છે. નાતજાતના વાડાથી પર રહીને એક માણસ તરીકેના જગજાહેર સ્વીકારમાં બોલ્ડનેસ છે. આધુનિક ગેજેટ્સના ઉપયોગમાં નહિ, પણ એ વસ્તુ ન શીખેલા લોકોને પોતાનાથી ઊતરતાં ન સમજનારમાં બોલ્ડનેસ છુપાયેલી છે. ઢગલો ગુણો અને આવડતો હોવા છતાંય પોતાના સ્ટેટસને સાઈડમાં રાખી નાના માણસ સાથે મોટપ ન રાખનારી વ્યક્તિ હકીકતમાં બોલ્ડ છે. પોતાનામાં રહેલી ખામીઓનો સ્વીકાર માત્ર નહિ, પણ એના સુધારા તરફ મથતો માણસ બોલ્ડ છે. હવે પોતાની જાતને પ્રશ્ર્ન પૂછવાનો કે શું ખરા અર્થમાં આપણે બોલ્ડ છીએ?
——-
ક્લાઇમેક્સ
પોતાની તમામ નબળાઈનો અને અન્યોના ગુણોનો સ્વીકાર કરી જાણવો એ ‘બોલ્ડ’ હોવાનો મોટો પુરાવો છે.

1 thought on “દેખાવમાં નહિ, પણ સ્વભાવમાં બોલ્ડનેસ છુપાયેલી છે…!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.