ગુજરાતના સિદ્ધપુરમાંથી એક યુવતીના શરીરના ટૂકડા પાણીની પાઈપલાઈનમાંથી મળી આવ્યાની અરેરાટી ઉપજાવતી ઘટનામાં હજુ કોઈ પર્દાફાશ થયો નથી ત્યાં જૂનાગઢમાં બે દિવસ પહેલા ગુમ થયેલા કિશોરનો મૃતદેહ એક હાથ કપાયેલી હાલતમાં જંગલમાંથી મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી હત્યા થયાની આશંકા સાથે તપાસ હાથ ધરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ જૂનાગઢના સુખનાથ ચોક નજીક રહેતો માહિર કાદિર (ઉ.વ.13)નામનો કિશોર બે દિવસ પહેલા ગુમ થયો હતો.
આ અંગેની પરિવારજનો દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી. પોલીસ અને પરિવારજનો દ્વારા કિશોરની શોધખોળ કરવામાં આવી રહી હતી. દરમિયાન ઉપરકોટ નજીક જંગલ વિસ્તારમાં એક કિશોરનો મૃતદેહ હોવાનું માલુમ પડતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા મૃતદેહ ગુમ થયેલા કિશોર માહિરનો હોવાનું સ્પષ્ટ થયું હતું.
હત્યા કર્યા બાદ એક હાથ ક્યાંક ફેંકી દીધો હોવાની શંકાના આધારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જૂનાગઢની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.