કેનેડાથી ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે સેન્ટ લોરેન્સ નદીમાં ડૂબી ગયેલા આઠ લોકોમાં ભારતીય પરિવારના સભ્યોનો સમાવેશ થાય છે, એમ સ્થાનિક પોલીસે જણાવ્યું હતું.
કેનેડામાં પોલીસે બે બાળકો સહિત આઠ લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે, જેઓ કેનેડાથી ગેરકાયદેસર રીતે યુનાઇટેડ સ્ટેટ્સમાં જવાનો પ્રયાસ કરતા મૃત્યુ પામ્યા હતા. મૃતકો સેન્ટ લોરેન્સ નદી પાર કરીને હોડી દ્વારા કેનેડાથી યુ.એસ.માં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મૃતકોમાં છ વયસ્કો અને બે બાળકો હતા. ગુરૂવારે કેનેડા-યુએસ સરહદ બનેલી સેન્ટ લોરેન્સ નદીના એક ભેજવાળા વિસ્તારમાંથી આ બધા મૃતદેહો મળી આવ્યા હતા. અહેવાલ મુજબ મૃતકોમાં રોમાનિયા અને ભારતના બે પરિવારોનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા મુજબ, પ્રથમ મૃતદેહ સ્થાનિક સમય મુજબ 17:00 (21:00 GMT) આસપાસ યુ.એસ.-કેનેડા સરહદની વચ્ચે આવેલા મોહૌક પ્રદેશ અકવેસાસ્નેમાં ત્સી સ્નેહને એક માર્શમાંથી મળી આવ્યો હતો.પોલીસને ગુરુવારે છ મૃતદેહો મેળ્યા હતા અને તેમનું માનવું છે કે દુર્ઘટના બુધવારે રાત્રે બની હોઈ શકે છે. પોલીસ હેલિકોપ્ટરે પાણીમાં બે મૃતદેહો તરતાં જોયાં હતાં.
“કુલ આઠ મૃતદેહો પાણીમાંથી મળી આવ્યા છે. એવું માનવામાં આવે છે કે તમામ લોકો કેનેડાથી યુનાઇટેડ સ્ટેટ્સમાં ગેરકાયદેસર પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ” એમ પોલીસે જણાવ્યું હતું. મૃતકોમાં બે બાળક હતા. એક બાળક ત્રણ વર્ષથી નાની ઉંમરનો હતો અને તેની પાસે કેનેડિયન પાસપોર્ટ હતો. અન્ય શિશુ પણ કેનેડિયન નાગરિક હતું, એમ સ્થાનિક પોલીસ વડાએ શુક્રવારે ન્યૂઝ કોન્ફરન્સમાં પત્રકારોને જણાવ્યું હતું. ગુરૂવારે શરૂ થયેલી અન્ય ગુમ વ્યક્તિની શોધ પછી મૃતદેહો મળી આવ્યા હતા. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે, “આ એક હૃદયદ્રાવક સ્થિતિ છે. આપણે બરાબર સમજવાની જરૂર છે કે શું થયું, તે કેવી રીતે થયું અને આ ફરી ક્યારેય થવાની શક્યતાઓને ઘટાડવા માટે આપણે જે કરી શકીએ તે કરવું જોઈએ.”
યુએસ પ્રમુખ જો બિડેન અને જસ્ટિન ટ્રુડો ગયા અઠવાડિયે બિનસત્તાવાર સરહદ ક્રોસિંગ દ્વારા કેનેડા આવતા આશ્રય શોધનારાઓને રોકવા માટે સંમત થયા હતા.ગયા વર્ષે, કેનેડાના પ્રાંત મેનિટોબામાં ચાર જણનો એક ભારતીય પરિવાર યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે મૃત્યુ પામ્યો હતો. ડિસેમ્બરમાં યુએસ-કેનેડા સરહદ નજીક મોન્ટ્રીયલનો એક વ્યક્તિ પણ મૃત હાલતમાં મળી આવ્યો હતો. ફ્રિટ્ઝનેલ રિચાર્ડ, 44, તેની પત્ની અને બાળકને ફરી મળવા માટે યુએસમાં જવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે મૃત હાલતમાં મળી આવ્યો હતો.