મુંબઈ: પાલિકા દ્વારા અંધેરી પૂર્વ અને પશ્ચિમને જોડતા ગોપાલકૃષ્ણ ગોખલે ફ્લાયઓવરનું કામ પૂરઝડપે ચાલી રહ્યું છે. પાલિકાના વધારાના કમિશનર પી. વેલરાસુએ ગુરુવારે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને કાર્યની સમીક્ષા કરી હતી. ગોખલે બ્રિજના કામને ઝડપી બનાવવા અને ચોમાસા પહેલાં બંને લેનને ટ્રાફિક માટે ખોલવાના તમામ પ્રયાસો હાથ ધરવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો. બીજી બાજુ બ્રિજના કામમાં ગતિ લાવવા માટે 7મી ફેબ્રુઆરીએ રેલવે પ્રશાસન સાથે બેઠક પણ હાથ ધરવામાં આવશે. ગોખલે બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને પાલિકા પ્રશાસન સાથે રેલવે પ્રશાસન પણ એમાં સામેલ છે. રેલવે કોન્ટ્રેક્ટરે રેલવેના અધિકારક્ષેત્રમાં આવતા બ્રિજના ભાગનું છેલ્લા બે મહિનામાં 80 મીટરમાંથી માત્ર 30 મીટરનું જ કામ પૂરું થયું છે. રેલવે બ્રિજના સંપૂર્ણ ડિમોલિશન બાદ પાલિકા બાકીના કામમાં ઝડપથી કામ કરી શકશે. આ સંદર્ભે કાર્યવાહી કરવા માટે 7મી ફેબ્રઆરીના રોજ પાલિકા મુખ્યાલયમાં પાલિકા અને રેલવેની સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ફ્લાયઓવરની ઉત્તર બાજુના રોડનું 70 ટકા કામ મહાનગરપાલિકાએ પૂરું કરી દીધું છે. જોકે રેલવે દ્વારા બ્રિજની દક્ષિણ બાજુએ ડિમોલિશનની કામગીરી કરવી જરૂરી હોવાથી હજુ કામ શરૂ કરવામાં આવ્યું નથી. રેલવેએ બુધવારે પુલના પુન:નિર્માણ માટે પાલિકા દ્વારા રજૂ કરેલા ક્ધસેપ્ટ પ્લાનને મંજૂરી આપી દીધી છે. આ મંજૂર થયેલા પ્લાન મુજબ વેલરાસુએ નિયત સમયમાં કામગીરી પૂરી કરવા માટેનો નિર્દેશ આપ્યો છે. આ સંદર્ભે આયોજન માટે રેલવે પ્રશાસન સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેને કારણે 31મી મે, 2023 સુધીમાં પુલના બે લેન પૂર્ણ કરીને ટ્રાફિક માટે ખોલી શકાય. વધારાના કમિશનર વેલરાસુએ નાયબ કમિશનર (ઈન્ફ્રાસ્ટ્રક્ચર) અને સંબંધિત અધિકારીઓ સાથે પશ્ચિમ ઉપનગરોમાં પટવર્ધન પાર્ક, બાંદ્રા પશ્ચિમ અને પુષ્પા નર્સરી પાર્ક તેમ જ અંધેરી પશ્ચિમ, જેવીપીડીની મુલાકાત લીધી હતી. આ સમયે સ્થાનિક વિધાનસભ્યો અને શહેરીજનોની માગ મુજબ ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે પાર્કિંગની જગ્યા બનાવવાની માગ કરવામાં આવી હતી. વેલરાસુએ આ સંદર્ભે ઉક્ત પાર્ક હેઠળના ભૂગર્ભમાં પાર્કિંગ લોટ બનાવવા માટે ટેન્ડરો મગાવવાનો નિર્દેશ કર્યો હતો.
આવતા વર્ષે સાયન સ્ટેશન પર પાણી નહીં ભરાય
વરસાદી પાણી નિકાલ વિભાગ વતી સાયન-માહિમ જંક્શન પર બોક્સ ડ્રેઈનની અને ધારાવીમાં 90 ફૂટ રોડ પર માઈક્રો-ટનલિંગ પ્રોજેક્ટની પણ વેલરાસુએ મુલાકાત લીધી હતી અને સમીક્ષા કરી હતી. માઈક્રો ટનલનું કામ ચાલુ છે અને બોક્સ ડ્રેઈનનું કામ 75 ટકા પૂરું થઇ ગયું છે. આ પ્રોજેક્ટ પર ચાર અલગ અલગ સંસ્થાઓ સમાંતર રીતે કામ કરી રહી છે. વહીવટીતંત્રને પૂરો વિશ્ર્વાસ છે કે આ કામો પૂરાં થયા બાદ સાયન રેલવે વિસ્તાર અને ધારાવી વિસ્તારને ચોમાસામાં પાણી ભરાવાથી રાહત મળી શકશે.
મિની લિફ્ટિંગ સ્ટેશન ઊભું કરાશે
ભારે ભરતી વખતે વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે ધારાવી ખાતે એક નાનું લિફ્ટિંગ સ્ટેશન સ્થાપવાની પણ દરખાસ્ત છે. પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલય અને મેનગ્રોવ્સ સેલની પરવાનગી મળ્યા બાદ કામ શરૂ કરવામાં આવશે. આ મિની લિફ્ટિંગ સેન્ટર આગામી 6થી 8 મહિનામાં શરૂ કરવામાં આવશે. જેથી 2024ના ચોમાસા પહેલાં તેને કાર્યરત કરી દેવામાં આવશે. આ મિની લિફ્ટિંગ સ્ટેશન ચોમાસા દરમિયાન ભરતી વખતે પણ પૂરનિયંત્રણ અને વરસાદી પાણીના નિકાલમાં ઘણી મદદ કરશે.