(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં પાણીને શુદ્ધ કરવા માટે ભાંડુપમાં આવેલા વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ તથા તુલસી તળાવ પર આવેલા વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ પર હવે સીસીટીવીથી નજર રાખવામાં આવવાની છે. સુરક્ષાની દ્દષ્ટિએ આ સ્થળો અત્યંત મહત્ત્વના હોવાથી મુંબઈ મહાનગરપાલિકાએ આ નિર્ણય લીધો છે. તે માટે લગભગ પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવવાનો છે.
મુંબઈને શુદ્ધ પાણીપુરવઠો કરવા માટે ભાંડુપમાં તથા તુલસી તળાવ પર વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ આવેલા છે. અહીં પાણી પર પ્રક્રિયા કરીને તેમાં રહેલી અશુદ્ધિઓ દૂર કરીને મુંબઈને ચોખ્ખું પાણી પૂરું પાડવામાં આવે છે. ભાંડુપ કૉમ્પ્લેક્સમાં આવેલા નવા ફિલ્ટરેશન પ્લાન્ટમાંથી મુંબઈને દરરોજ ૯૦૦ મિલિયન લિટર જેટલો પાણીનો પુરવઠો કરવામાં આવે છે.
આ ફિલ્ટરેશન પ્લાન્ટ સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન પરિસરમાં આવેલા છેે. પાણીપુરવઠાની દ્દષ્ટિએ આ જગ્યા અત્યંત મહત્ત્વની અને સંવેદનશીલ છે. આ ઠેકાણે પંપિંગ સ્ટેશન, પાવર સબસ્ટેશન, પ્રિપ્રોસેસિંગ સેંટર જેવા જુદા જુદા વિભાગ આવેલા છે. તેથી અહીં રહેલા ફિલ્ટરેશન પ્લાન્ટની સુરક્ષિતતા અત્યંત મહત્ત્વની છે.
થોડા દિવસ પહેલાં જ પોલીસે પાલિકાની સુરક્ષા યંત્રણા સાથે ફિલ્ટરેશન પ્લાન્ટની મુલાકાત લીધી હતી ત્યારે આ પરિસરમાં સીસીટીવી યંત્રણા બેસાડવી આવશ્યક હોવાનો પોલીસે મત વ્યક્ત કર્યો હતો.
ભાંડુપ પંપિંગ સ્ટેશનથી ૪.૫ કિલોમીટરના અંતર પર તુલસી વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ છે. આ પરિસરમાં પણ ઈલેક્ટ્રોનિક સર્વેલન્સ સિસ્ટમ બેસાડવામાં આવવાની છે. તેથી તુલસી તળાવ અને તુલસી વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટમાં જે પણ હિલચાલ થશે તે ભાંડુપ વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ સર્વર રૂમમાંથી તેના પર નજર રાખી શકાશે.
સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (સીઆઈએસએફ) અને મુંબઈ પોલીસે આપેલા સુરક્ષા વિષયના અહેવાલ અનુસાર આ યંત્રણા ઊભી કરવામાં આવવાની છે. તે માટે ચાર કરોડ ૭૯ હજાર રૂપિયાનો ખર્ચ થવાનો છે. તમામ કર સહિત આ ખર્ચ ચાર કરોડ ૯૮ લાખ રૂપિયા અંદાજિત છે.