લમ્પી વિષાણુનું જોખમ વધતા મુંબઈ મનપા એલર્ટ પર, તબેલા અને ગૌશાળાનું થશે સર્વેક્ષણ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: રાજ્યમાં જાનવરોમાં ‘લમ્પી’ના કેસ વધી રહ્યા હોવાથી મુંબઈ મહાનગરપાલિકા પણ સતર્ક થઈ ગઈ છે અને તેણે તકેદારીના પગલાંરૂપે મુંબઈની તમામ ગૌશાળા તેમ જ તબેલાની તપાસ કરવાનો નિર્ણય લીધો છે, જેમાં જાનવરોમાં લક્ષણોની તપાસ કરવામાં આવવાની હોઈ અસ્વચ્છતા જણાઈ તો સંબંધિતોને નોટિસ પણ ફટકારવામાં આવવાની છે.

મુંબઈ સહિત રાજ્યમાં કોરોના નિયંત્રણમાં આવી ગયો છે. તો હવે ગૌવંશીય જાનવરોમાં ‘લમ્પી’ બીમારીનું જોખમ નિર્માણ થયું છે. જળગાંવ જિલ્લાના રાવેહ તાલુકામાં ઑગસ્ટમાં જાનવરોમાં ‘લમ્પી’નો ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું હતું. ‘લમ્પી’નો ફેલાવો લગભગ ૧૮૫ જાનવરોમાં થયો હતો, જેમાં ૨૯ જાનવરોના ‘લમ્પી’ને કારણે મૃત્યુ થયાં હતાં. તેથી મુંબઈ મહાનગરપાલિકા હવે સતર્ક થઈ ગઈ છેે. જેમાં આવશ્યક જગ્યાએ જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવવાનો છે. તેમ જ પશુપાલકોને સ્વચ્છતા બાબતે ખાસ કાળજી લેવી પડશે એવી ચેતવણી પણ પાલિકા પ્રશાસને આપી છે.

મુંબઈ મહાનગરપાલિકા ક્ષેત્રમાં ૨૦૧૯માં કરવામાં આવેલી પશુગણના મુજબ મુંબઈમાં ૩,૨૨૬ ગૌજાતીય જાનવર છે અને ૨૪,૩૮૮ ભેંસ વર્ગના જાનવર છે. ‘લમ્પી’ના જોખમને જોતા પાલિકાએ મુંબઈમાં જાનવરોનું સર્વેક્ષણ ચાલુ કર્યું છે અને પાલિકાના પેસ્ટ કંટ્રોલ ખાતા દ્વારા ગૌશાળા અને આજુબાજુના પરિસરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવાની સાથે જ યોગ્ય તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

મુંબઈમાં કોઈ પણ પશુ પ્રાણીમાં ‘લમ્પી’નાં લક્ષણો જણાય તો પાલિકાને ૦૨૨-૨૫૫૬-૩૨૮૪ અથવા ૦૨૨-૨૫૫૬-૩૨૮૫ નંબર પર ફોન કરીને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે.

દરમિયાન મુંબઈને અડીને આવેલા થાણે જિલ્લામાં ૧૪ પ્રાણીઓમાં ‘લમ્પી’નો ચેપ લાગ્યો હોવાનો પ્રશાસને જણાવ્યું હતું, જેમાં મુખ્યત્વે અંબરનાથ, શાહપુર અને ભીંવડીનો સમાવેશ થાય છે.

‘લમ્પી’ની બીમારી ગૌવંશીય પ્રાણીઓમાં થનારી ચેપી બીમારી છે. આ બીમારીને કૅપરી પૉક્સ પણ કહેવામાં આવે છે. આ બીમારી મચ્છર (એડીસ), માખી (સ્ટોમોક્સીસ) અને કીડાઓ (ક્યુલીકોઈડીસ)ના માધ્યમથી ફેલાય છે. દૂષિત અન્નપાણીના સેવનથી બીમારી ફેલાય છે. આ વિષાણુનો ચેપ લાગે તે જાનવરોની ચામડી પર રેશીસ થઈને ફોડલા થાય છે. ત્યાર બાદ ઢોરને તાવ આવે છે, નાક વહેવા માંડે છે. મોઢામાંથી વધુ માત્રામાં લાળ પડે છે, તેમ જ આંખ આવવા જેવાં લક્ષણો જણાય છે. આ બીમારી ૧૯૨૧થી ૧૯૭૮ની સાલ સુધી મુખ્યત્વે દક્ષિણ આફ્રિકામાં પ્રાણીઓમાં જોવા મળી હતી. બાદમાં જોકે ૨૦૧૩ બાદ વિશ્વના અનેક દેશોમાં આ બીમારી ફેલાઈ ગઈ હતી.

ભારતમાં તેનો પહેલો કેસ ઑગસ્ટ, ૨૦૧૯માં ઓરિસ્સામાં નોંધાયો હતો. ત્યાર બાદ ઝારખંડ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, તેલંગણા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને કેરળ રાજ્યમાં તેના કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં સૌ પહેલા માર્ચ, ૨૦૨૦માં ગઢચિરોલી જિલ્લામા સિરોંચામાં જોવા મળ્યો હતો. હાલ આ બીમારી પર કોઈ ઉપચાર નથી, પણ પ્રતિબંધ માટે ‘ગોટપૉક્સ’ વૅક્સિન વાપરવામાં આવી રહી છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધી ૮૫૦ જાનવરોને ‘લમ્પી’નો ચેપ લાગી ચૂક્યો છે. ‘લમ્પી’નું જોખમ વધતા સરકારે જાનવરોનું વૅક્સિનેશન વધારવાની સૂચના આપી છે. રાજ્યમાં હાલ ૧૯ જિલ્લામાં ‘લમ્પી’ રોગનું પ્રમાણ વધી ગયું છે, જેમાં અહમદનગર, જળગાંવ, અકોલા, ધુળે, પુણે, ઔરંગાબાદ, લાતૂર અને બીડ જિલ્લાનો સમાવેશ થાય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.