મીરા રોડ અને ભાયંદર વચ્ચે અવારનવાર સર્જાતી ટ્રાફિકજામની સમસ્યાને કારણે વાહનચાલકોને છાશવારે હાલાકીનો સામનો કરવો પડે છે, જોકે નાગરિકોને થતી પરેશાનીનો અંત આણવા માટે BMC (મુંબઈ મહાનગરપાલિકા) એક્શન મોડમાં આવી ગઈ છે. મુંબઈ મહાનગરપાલિકાની હદ ફક્ત દહિસર સુધીની જ છે તેમ છતાં ટ્રાફિકજામની સમસ્યા દૂર કરવા માટે મીરા-ભાયંદર સુધીનો ફ્લાયઓવર બાંધવાનો નિર્ણય લીધો છે.
આ પ્રોજેક્ટનો ખર્ચ 3,000 કરોડ રૂપિયા સુધીનો થાય એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મુંબઈને MMR સાથે જોડતો છઠ્ઠો રસ્તો બનશે, જે દહિસરથી ભાયંદરને જોડશે. પાલિકા દ્વારા પ્રસ્તાવિત છ કિમી લાંબો અને 45 મીટર પહોળો ફ્લાયઓવર બનાવવામાં આવશે.
મળતી માહિતી અનુસાર પાલિકા પ્રશાસન દ્વારા દહિસરના કંદારપાડાથી મીરા રોડના સુભાષચંદ્ર બોઝ મેદાન સુધી ફ્લાયઓવર બાંધશે, જેથી પ્રવાસીઓનો સમય બચશે. સામાન્યપણે આ રૂટ પર પ્રવાસીઓનો અડધોથી પોણો કલાક ટ્રાફિકજામમાં વેડફાતો હોય છે, પરંતુ આ ફ્લાયઓવરને કારણે તેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવામાં પાંચથી સાત મિનિટ લાગશે. આ ફલાયઓવરને કારણે મીરા-ભાયંદર ઉપરાંત વસઈ-વિરારના રહેવાસીઓને પણ ફાયદો થશે.

Google search engine