(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના વિસ્તારમાં ટીબીને નિયંત્રણમાં લાવવા અને ટીબી દર્દીઓને વધુ પ્રભાવી આરોગ્ય સુવિધા મળી શકે તે માટે મુંબઈ મહાનગરપાલિકા પ્રયાસ કરી રહી છે, જે હેઠળ દવાને પણ પ્રતિભાવ નહીં આપનારા ટીબીના (એમડીઆર-ટીબી) દર્દીને વધુ પરિણામકારણ દવા સમયસર મળેે તે માટે શુક્રવારથી પાલિકાએ પરેલમાં આવેલી કે.ઈ.એમ. હૉસ્પિટલમાં ‘હૉલ જિનોમ સિક્વેન્સિંગ’ પ્રોજેક્ટ ચાલુ કર્યો છે.
પાલિકાના કહેવા મુજબ આ પ્રોજેક્ટને કારણે દવાને પણ પ્રતિસાદ નહીં આપનારા ટીબી રોગનો ભોગ બનેલા દર્દીને કઈ દવા આપવી? તેનો નિર્ણય લેવાનું ડૉકટરોને વધુ સરળ રહેશે. સમયસર અચૂક દવા મળવાને કારણે દર્દી જલદી સાજો થશે. ‘હૉલ જિનોમ સિક્વેન્સિંગ’ પ્રોજેક્ટ સાર્વજનિક આરોગ્ય ખાતા અને સોસાયટી ફોર મુંબઈ ઈનક્યૂબેશન લૅબ ટૂ એન્ટરપ્રેન્યોરશિપ (સ્માઈલ) કાઉન્સિલ એ પાલિકાના અખત્યાર હેઠળની સંસ્થા કરવાની છે.
વર્ષે એક કરોડ લોકોનાં ટીબીથી મોત
પાલિકાના અહેવાલ મુજબ દર વર્ષે એક કરોડ લોકોને ટીબીનો ચેપ લાગે છે. તેમાંથી ૧૫ લાખ લોકો ટીબીને કારણે મૃત્યુ પામે છે. તો વિશ્ર્વમાં લગભગ એક ચતુર્થાંશ ટીબીના દર્દી ભારતમાં નોંધાય છે અને દર વર્ષે અંદાજે ચાર-પાંચ લાખ લોકો ટીબીને કારણે મૃત્યુ પામે છે. મુંબઈ જેવા શહેરમાં ટીબી પર નિયંત્રણ લાવવા માટે પાલિકાએ હવે આધુનિક ટૅક્નોલોજીને આધાર પર ‘જીનોમ સિક્વેન્સિંગ પ્રોજેક્ટ’ને અમલમાં મૂકવાની છે.
શા માટે જીનોમ સિક્વેન્સિગ?
ટીબી માટે યોગ્ય દવા ઉપલબ્ધ હોઈ તેના પર નિયંત્રણ મેળવવા એ વિવિધ કારણે પડકારરૂપ છે. તેનું મુખ્ય કારણ એક અથવા અનેક દવાને પ્રતિસાદ નહીં આપવાને કારણે ટીબીના વાઈરસ નિર્માણ થાય છે. તેમાંથી ‘મલ્ટિ ડ્રગ રેસિસ્ટન્ટ ટીબી’ (એમડીઆર-ટીબી) અને ‘ઍક્સટેન્સિવ્હલી ડ્રગ રેસિસ્ટન્ટ ટીબી(એક્સડીઆર-ટીબી) આ ટીબીના બંને પ્રકાર જોખમી છે. આ બાબતે કરવામાં આવેલા સંશોધન મુજબ જણાયું હતું કે દવાને પ્રતિસાદ નહીં આપનારા ટીબીનો પ્રસાર ૧૫-૩૫ વર્ષ એટલે કે યુવા વર્ગમાં વધુ જણાયો છે, જે ચિંતાની બાબત છે. આ પ્રકારના ટીબીનું નિદાન થવામાં વધુ સમય લાગે છે તેથી સારવારમાં પણ વિલંબ થાય છે. તે ટાળવા માટે ‘જીનોમ સિક્વેન્સિંગ પ્રોજેક્ટ’ ઉપયોગી સાબિત થવાનો છે.