(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચોમાસામાં ડુંગરાળ વિસ્તાર અને ટેકરી પર ભેખડ ધસી પડવાની શક્યતાને પગલે ‘એમ-પૂર્વ’ વોર્ડમાંં ડુંગર પર રહેલા ઝૂંપડાઓને તાત્કાલિક જગ્યા ખાલી કરીને સુરક્ષિત સ્થળે જવાની ચેતવણી મુંબઈ મહાનગરપાલિકાએ આપી છે. પાલિકાએ બહાર પાડેલી ચેતવણી મુજબ ‘એમ-પૂર્વ’ વોર્ડમાં ગૌતમ નગર, પાંજરાપોળ, ઓમ ગણેશ નગર, રાહુલ નગર, નાગાબાબા નગર, સહ્યાદ્રી નગર, અશોક નગર, ભારત નગર, બંજારા તાંડા, હશૂ અડવાણી નગર, રાયગઢ ચાલ, વિષ્ણૂ નગર, ભીમ ટેકડી, ભારત નગર, વાશી નાકા જેવા વિસ્તારમાં આવેલી ટેકરીઓ અને ડુંગરના ઢોળાવ પર રહેલી ઝૂંપડપટ્ટીઓને ચોમાસા પહેલા જગ્યા ખાલી કરવાની ચેતવણી આપવામાં આવી છે.
ભારે વરસાદને કારણે ભેખડ ધસી પડવાની તેમ જ વરસાદને કારણે ડુંગર પરથી વહેતા વરસાદના પાણીના પ્રવાહને કારણે ભેખડો ધસી પડવાની શક્યતા છે. ભેખડો ધસી પડવાને કારણે ડુંગર પર તેમ જ તેની તળેટીમાં આવેલા ઘર સામે જોખમ ઊભું થઈ શકે છે. પાલિકાએ આ વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની અપીલ કરી છે, સાથે જ જો કોઈ નૈસર્ગિક આફતને કારણે જીવહાનિ અથવા નાણાંકીય નુકસાન થયું તે માટે પાલિકા પ્રશાસન જવાબદાર નહીં રહે એવી ચેતવણી પણ પાલિકા પ્રશાસને આપી છે.