(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કોરોના મહામારી દરમિયાન અત્યાવશ્યક સેવામાં કાર્યરત રહેલા મુંબઈ મહાનગરપાલિકાના અધિકારી અને કર્મચારીઓ પાછળ પાલિકાએ ૩૪.૬૯ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ ખર્ચમાં ફાઈવ સ્ટાર હૉટેલમાં રહેવાથી લઈને તેમના ખાવા-પીવાની વ્યવસ્થા કરવાનો સમાવેશ થાય છે.
મુંબઈ મહાનગરપાલિકાના ૨૪ વોર્ડના અધિકારી અને કર્મચારીઓના નિવાસ, ખાવા-પીવા અને કપડાની ધોવડાવવાનો ખર્ચ લગભગ ૩૪,૬૧,૧૧,૫૩૫ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાની માહિતી પાલિકા પ્રશાસને આપી છે. ડિસેમ્બર, ૨૦૨૨માં આ પ્રસ્તાવને પ્રશાસને મંજૂર કર્યો છે.
કોરોના મહામારી દરમિયાન પાલિકાના તમામ વિભાગના અધિકારી અને કર્મચારીઓ રાત-દિવસ કામ કર્યું હતું. ખાસ કરીને આરોગ્ય ખાતા સાથે સંકળાયેલા કર્મચારીઓ જીવના જોખમે હૉસ્પિટલોમાં કામ કરી રહ્યા હતા. આ દરમિયાન રેલવે સેવા બંધ હોવાને કારણે તેમ જ બેસ્ટ અને એસટી બસથી દરરોજ પ્રવાસ કરવાને કારણે કોરોનાનો ચેપ લાગવાનું જોખમ હતું. તેથી પાલિકા પ્રશાસને પોતાના અધિકારી અને કર્મચારીઓને રહેવાની વ્યવસ્થા હૉટેલમાં કરી હતી. તેને લગતો પ્રસ્તાવ પણ આરોગ્ય વિભાગમાં રજૂ કરવામાં આવ્યો હતો. છ મે, ૨૦૨૦માં રજૂ કરેલો ખર્ચનો આ પ્રસ્તાવ પહેલી ડિસેમ્બર, ૨૦૨૨ના પ્રશાસકીય અધિકાર હેઠળ મંજૂર કરાયો છે.
કોરોના મહામારી દરમિયાન પાલિકાએ લગભગ સાડા ચાર હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. કોરોના કેન્દ્ર, ઑક્સિજન પ્લાન્ટ, પલંગ, વેન્ટિલેટર, દવા, પીપીઈ કિટસ ગ્લોવ્ઝ અને માસ્કની ખરીદીમાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો ભાજપ અનેક વખત આક્ષેપ કરી ચૂકી છે.
રાજ્યમાં એકનાથ શિંદે ગ્રુપ અને ભાજપની સરકાર આવ્યા બાદ મુંબઈ પાલિકામાં વિવિધ કામના ખર્ચના કૅગ મારફત ઑડિટ કરવામાં આવી રહ્યા છે.