(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પાસે આવેલા હિમાલયા પુલનું યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. ફેબ્રુઆરી, ૨૦૨૩ના પહેલા અઠવાડિયામાં તેને ખુલ્લો મૂકવાની યોજના છે. પૂલના બાંધકામ માટે ૧૨૦ ટનના પાંચ ગર્ડર મુંબઈ આવી ગયા છે. સ્ટેનલેસ સ્ટીલના આ ગર્ડરોનું આયુષ્ય ૧૦૦ વર્ષ સુધીનું હશે.
નવેસરથી બંધાઈ રહેલો હિમાલયા પુલ અગાઉ ચાલુ વર્ષે ડિસેમ્બરમાં ખુલ્લો મૂકવામાં આવવાનો હતો. જોકે કામમાં આવેલી અમુક અડચણોેને કારણે તેમાં વિલંબ થયો છે અને હવે આ પુલનું બાંધકામ ફેબ્રુઆરી, ૨૦૨૩ સુધીમાં પૂરું કરીને તેને નાગરિકો માટે ખુલ્લો મૂકવાનું પાલિકાનું આયોજન છે.
હાલ આ પુલ માટે ગર્ડર નાખવામાં આવવાના છે. આ ગર્ડરને ઓેડિસામાં તૈયાર કરવામાં આવ્યા છે અને ત્યાંથી અહીં મુંબઈ લાવવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસની મંજૂરી મળ્યા બાદ ગર્ડર નાખવાનું કામ હાથ ધરવામાં આવશે એવું પાલિકાના પુલ ખાતાના અધિકારીએ જણાવ્યું હતું.
પાલિકાના અધિકારીના કહેવા મુજબ એક વખત રસ્તા પર ગર્ડર નંખાઈ જશે ત્યાર બાદ તેના પર સિમેન્ટના સ્લેબ નાખવામાં આવશે. એક ગર્ડરની લંબાઈ ૩૫.૨૧૧ મીટર જેટલી છે. આ કામ ફેબ્રુઆરી અંત સુધીમાં પૂરું થવાની શક્યતા છે.
હિમાલયા પુલનો અમુક હિસ્સો માર્ચ, ૨૦૧૯માં તૂટી પડયો હતો, જેમાં સાતનાં મોત થયાં હતાં અને ૩૦ જખમી થયા હતા. આ દુર્ઘટના બાદ પુલ નવેસરથી બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે માટે પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો, તે મુજબ હિમાલયા પુલ સ્ટેનલેસ સ્ટીલથી બાંધવામાં આવવાનો છે. તેથી તેમાં વર્ષોને વર્ષો સુધી કાટ લાગશે નહીં. લોખંડના પુલને ચોમાસામાં કાટ લાગી જતો હોય છે. આ પુલનું કામ તેના અંતિમ તબક્કામાં છે.