આખરે બાંદ્રાના સ્કાયવોકને જમીનદોસ્ત કરવાનું શરૂ કરાયું, મહિનામાં પુલ પાડી દેવાશે

આમચી મુંબઈ

મુંબઈ: બાંદ્રા પૂર્વ વિસ્તારમાં ઊભા કરવામાં આવેલા શહેરનો પહેલો સ્કાયવોક જોખમી સ્થિતિમાં હોવાથી એ સ્કાયવોકનો એસઆરએ બિલ્ડિંગથી કલાનગર વચ્ચેના ભાગને પાડવાનું કામ આખરે મુંબઈ પાલિકાએ શરૂ કર્યું હતું. સ્કાયવોકને તોડી પાડવાનું કામ રાતના સમયે કરવામાં આવશે અને એ મહિનામાં પૂરું કરવામાં આવશે. ત્યાર બાદ એમએમઆરડીએ સ્કાયવોકને ફરી વાર બાંધવાનું કામ કરશે.
એમએમઆરડીએએ ૨૦૦૮માં બાંધેલો સ્કાયવોકનો એક્સપ્રેસ વે પરના ભાગને એમએમઆરડીએએ કલાનગરથી બાંદ્ર-વરલી સી લિંક એલિવેટેડ માર્ગ માટે પાડ્યો હતો. તેને કારણે બાંદ્રા સ્ટેશનથી કલાનગર વચ્ચેનો ભાગ પાદચારીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. આ સાથે જ બાંદ્રા સ્ટેશનથી ભાસ્કર કોર્ટ વચ્ચેનો ભાગ જર્જરિત થઇ ગયો હતો. સ્કાયવોકના બંને ભાગ જોખમી થયા હોવાને કારણે સંપૂર્ણ સ્કાયવોકને ફરીથી બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સ્કાયવોકને ફરીથી બાંધવાનું કામ એમએમઆરડીએ અને મહાપાલિકા હાથ ધરવાના છે. એસઆરએ બિલ્ડિંગથી કલાનગર વચ્ચેનું કામ એમએમઆરડીએ, જ્યારે બાંદ્રા પૂર્વ રેલવે સ્ટેશનથી ભાસ્કર કોર્ટના ભાગનું કામ મહાપાલિકા કરશે.
જોકે બંને ભાગને તોડવાનું કામ મહાપાલિકા હાથ ધરવાની હોઇ રેલવે સ્ટેશનથી ભાસ્કર કોર્ટ વચ્ચેના ભાગને પાડવાનું કામ આ પહેલાં જ થઇ ગયું છે. હવે ૨૫મી ઓગસ્ટથી પાલિકા અન્ય ભાગને તોડવાનું કામ કરવાની હોવાની માહિતી મહાપાલિકાના એક વરિષ્ઠ અધિકારીએ આપી હતી. જોકે સ્કાયવોકને પાડવાના કામને રાતના સમયે મંજૂરી મળી છે. તે અનુસાર રાતના ૧૧થી સવારે ચાર વાગ્યા સુધી સ્કાયવોકને પાડવાનું કામ હાથ ધરવામાં આવશે. અત્યાર સુધી સ્લેબને પાડવાનું ૮૦ ટકા કામ પૂરું થઇ ગયું છે અને બાકીના લોખંડી ભાગને બાદમાં હટાવવામાં આવશે. બાંધકામને તોડવાનું કામ એક મહિનામાં પૂરું થઇ જશે. સ્કાયવોકને પાડી દેવામાં આવ્યા બાદ એમએમઆરડીએ ટેન્ડર બહાર પાડીને સ્કાયવોકને ફરીથી બાંધવાના કામની શરૂઆત કરશે, એવું અધિકારીએ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.