(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પરેલ-હિંદમાતા પાસે એસ્કેલેટર સાથેનો ફૂટઓવર બ્રિજ બાંધવાનો મુંબઈ મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે. આ ફૂટઓવર બ્રિજ માટે પાલિકા લગભગ પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે. પાલિકા કમિશનર અને પ્રશાસક ઈકબાલસિંહ ચહલે શુક્રવારે આ પ્રસ્તાવને મંજૂર કર્યો હતો.
આ ફૂટ ઓવર બ્રિજ સેંટ પૌલ સ્કૂલ અને પ્રીમિયર ટૉકીસને જોડતો બાંધવામાં આવવાનો છે. મળેલ માહિતી મુજબ આ ફૂટઓવર બ્રિજ લગભગ ૩૫ મીટર લાંબો અને ૪.૨ મીટર પહોળો હશે. બાળકો અને વરિષ્ઠ નાગરિકોને ધ્યાનમાં રાખીને આ ફૂટઓવર બ્રિજ પર બંને તરફ એસ્કેલેટર બેસાડવાની યોજના છે. પરેલમાં પાલિકા સંચાલિત કે.ઈ.એમ. તથા કેન્સરની સારવાર કરતી ટાટા હૉસ્પિટલ સહિત બાળકો માટેની વાડિયા હૉસ્પિટલ આવેલી છે. અત્યાધુનિક સગવડ સાથે આ પુલ બંધાઈ ગયા બાદ કે.ઈ.એમ. અને ટાટા હૉસ્પિટલમાં આવનારા દર્દીઓ તથા તેમના સંબંધીઓને ઘણી રાહત થશે એવું માનવામાં આવે છે.
હાલ પરેલ, હિંદમાતા પરિસરમાં બંને બાજુએ ફૂટપાથને લાગીને કપડાંની દુકાનો આવેલી છે. અહીં અનેક રહેણાક ઈમારત આવેલી છે. તેથી પરેલ-હિંદમાતાના પરિસરમાં ભારે ટ્રાફિક રહેતો હોય છે. લોકોને ચાલવામાં પણ મુશ્કેલી થતી હોય છે. તો પરેલ-હિંદમાતા પરિસર નીચાણવાળો વિસ્તાર હોવાથી થોડા વરસાદમાં પણ અહીં પાણી ભરાઈ જતા હોય છે.
પાલિકા તેના પર જોકે અનેક ઉપાયયોજના અમલમાં મૂકી રહી છે, જે હેઠળ હિંદમાતા-પરેલને જોડનારો પુલ બાંધવાથી ટ્રાફિકની સમસ્યામાં થોડી રાહત થઈ છે, પરંતુ રાહદારીઓને રસ્તો ક્રોસ કરવો હોય તો પરેલ બ્રિજ અથવા હિંદમાતા પુલ પાસેથી ટર્ન થઈને જવું પડે છે અથવા ચિત્રા થિયેટર પાસેથી ટર્ન થઈને જવું પડે છે. તેથી આ તકલીફ દૂર કરવા માટે પરેલ-હિંદમાતા પુલ પાસે ફૂટઓવર બ્રિજ બાંધવાનો પાલિકાએ નિર્ણય લીધો હતો