(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મલાડના મઢ-માર્વેમાં પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદે સ્ટુડિયો ઊભો કરવાના પ્રકરણમાં મુંબઈ મહાનગપાલિકાએ તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
મંગળવારે પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે મઢ-માર્વેમાં કોસ્ટલ રેગ્યુલેશન ઝોનમાં ગેરકાયદે રીતે ઊભા કરી દેવામાં આવેલા સ્ટુડિયોના પ્રકરણમાં તપાસનો આદેશ આપતી નોટિસ બહાર પાડી હતી.

નોટિસમાં જણાવ્યા મુજબ પાલિકા મળેલી ફરિયાદ મુજબ ૨૦૨૧થી ૨૦૨૨ના સમયગાળામાં મઢ-માર્વે પરિસરમાં નો ડેવલપેન્ટ ઝોન અને કોસ્ટલ રેગ્યુલેશન ઝોનમાં મોટા પ્રમાણમાં બાંધકામ થયા હતા. એવો આરોપ છે કે હજાર મીટર જગ્યામાં ગેરકાયદે રીતે સ્ટુડિયો ઊભો કરવામાં આવ્યો છે, તેની માટે કોઈ મંજૂરી લેવામાં આવી નથી. પાલિકા અને મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટીના અધિકારીઓની મદદથી બનાવટી દસ્તાવેજો અને ખોટી મંજૂરી મેળવીને આ બાંધકામ ઊભા કરવામાં આવ્યા હતા. તેથી આ ફરિયાદને આધારે ડેપ્યુટી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હર્ષદ કાળેના નેતૃત્વમાં આ આખા પ્રકરણની તપાસ કરવામાં આવશે એવું પણ નોટિસમાં જણાવવામાં આવ્યું છે.

તપાસમાં અનેક મુદ્દાઓને સાંકળી લેવામાં આવશે, જેમાં આ મંજૂરી આપવામાં પાલિકાના પી-નોર્થ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનરનો કે પછી આસિસ્ટન્ટ ઍન્જિનિયરનો હાથ હતો કે નહીં? સ્ટુડિયો બાંધવા કેટલી મંજૂરી આપવામાં આવી હતી? આ મંજૂરી તાત્પૂરતા સમય માટે શુટિંગ કરવા માટે હતી? મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટીએ કયા પ્રકારની મંજૂરી આપી હતી? પાલિકા અધિકારીઓ આ સ્ટુડિયોના બાંધકામને મંજૂરી આપવા સહમત હતા? આ સ્ટુડિયોને કાયદેસરની મંજૂરી હતી? હાલ બાંધવામાં આવેલો સ્ટુડિયો નો ડેવલપેન્ટ ઝોન અને કોસ્ટલ રેગ્યુલેશન ઝોન હેઠળ આવે છે?

Google search engine