મુંબઈ: બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી) દ્વારા હાથ ધરાયેલી મેનહોલ (ગટર)ને ઢાંકવાની કામગીરી સરાહનીય છે, પરંતુ એ વખતે જો કોઈ હોનારત ઘટી તો તેના માટે પાલિકા પ્રશાસન જવાબદાર રહેશે, એમ બોમ્બે હાઈ કોર્ટે બુધવારે જણાવ્યું હતું.
આખા શહેરમાં ખુલ્લી ગટરોની સમસ્યા મુદ્દે ચિંતિત છે, તેથી પાલિકા પ્રશાસન દ્વારા તેના માટે કાયમી ધોરણે નિરાકરણ લાવવું જોઈએ, એમ મુખ્ય ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ અભય આહુજાની ખંડપીઠે જણાવ્યું હતું.
મહારાષ્ટ્રના રસ્તાઓ પરના પડેલા ખાડાઓની સંખ્યા વધી રહી હોવા અંગેની સંખ્યાબદ્ધ અરજી (પીઆઈએલ)ની સુનાવણી વખતે ખંડપીઠે જણાવ્યું હતું. પાલિકાના વકીલ અનિલ સખારેએ બુધવારે હાઈ કોર્ટને કહ્યું હતું કે મુંબઈ શહેરમાં ખુલ્લા મેનહોલને ઢાંકવાની કામગીરી યુદ્ધના ધોરણે પાર પાડવામાં આવશે તથા ખુલ્લા મેનહોલને ઢાંકવાનું કામકાજ પણ ચાલુ છે. પાલિકા પ્રશાસનની કામગીરી વાસ્તવમાં પ્રશંસાપાત્ર છે, પરંતુ ત્યાં જો કોઈ અપ્રિય બનાવ કે હોનારત ઘટે તો તેના માટે પાલિકા પ્રશાસન જવાબદાર રહેશે, એમ ખંડપીઠે જણાવ્યું હતું.
મુખ્ય ન્યાયાધીશ દત્તાએ કહ્યું હતું કે તમે લોકો તેના માટે કામકાજ કરી રહ્યા છો એ સારું છે, પરંતુ તેના કારણે અગર કોઈને નુકસાન થતું હોય તો અમે તેના માટે પાલિકા પ્રશાસનને જવાબદાર ગણીશું. અમે પાલિકાની કામગીરીની પ્રશંસા કરીએ છીએ, પરંતુ જો ખુલ્લા મેનહોલમાં કોઈ પડી જાય તો શું થાય? આ પ્રકારની પરિસ્થિતિમાં પીડિત વ્યક્તિને અમે દીવાની કોર્ટમાં વળતર માટે દાવો કરવાનું કહીશું નહીં, પરંતુ અમે તેના માટે ખાસ કરીને પાલિકાના અધિકારીઓને જવાબદાર ગણીશું, એવું તેમણે જણાવ્યું હતું.
પાલિકા પ્રશાસન દ્વારા તેના માટે ખાસ કરીને વિજ્ઞાન અને ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે એવું અમે ઈચ્છીએ છીએ. એટલું જ નહીં, જ્યારે મેનહોલ ખોલવામાં આવે ત્યારે તેની સીધી પાલિકાના અધિકારીને જાણ થાય એવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે એવો અમારો અભિપ્રાય છે.
ખુલ્લા મેનહોલને કારણે જો કોઈ હોનારત બને તો પાલિકા જવાબાદાર રહેશે: હાઈ કોર્ટ
RELATED ARTICLES