લાલબાગ ચા રાજા મંડળને BMCએ ફટકાર્યો ૩.૬૬ લાખનો દંડ, જાણો કારણ

આમચી મુંબઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ભક્તોની માનતા પૂરી કરવા માટે પંકાયેલા ‘લાલબાગ ચા રાજા’ના ગણેશમંડળને મુંબઈ મહાનગરપાલિકાએ ૩.૬૬ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. મંડપ બાંધવા માટે રસ્તા પર તથા ફૂટપાથ પર ખાડા કર્યા બાદ તેને નહીં પૂરવાને કારણે પાલિકાએ આ દંડ ફટકાર્યો હોવાનું જાણવા મળ્યું છે.
પાલિકાના નિયમ મુજબ રસ્તા પર કે ફૂટપાથ પર મંડપ બાંધવા માટે ખાડો ખોદી શકાય નહીં. છતાં અનેક મંડળો પોતાની ગણેશમૂર્તિની સ્થાપના માટે મંડપ બાંધવા માટે ફૂટપાથ અથવા રસ્તા પર ખાડો ખોદતા હોય છે અને બેરીકેડ્સ પણ લગાવતા હોય છે. પાલિકાના નિયમ મુજબ જો મંડપ બાંધવા ખાડો ખોદયો તો પ્રતિ ખાડો ૨,૦૦૦ રૂપિયાનો દંડ ભરવો પડે છે. તે મુજબ ‘લાલબાગ ચા રાજા’ના ગણેશમંડળને પાલિકાએ દંડ ફટકાર્યો છે, જેમાંં લગભગ ૧૮૩ ખાડા માટે ૩.૬૬ લાખ રૂપિયાનો દંડ ભરવાની આ નોટિસ પાલિકાએ ફટકારી છે.
પાલિકાના અધિકારી રમાકાંત બિરાદરે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે લાલબાગમાં મંડપ બાંધવા માટે રસ્તા પર ૧૫૦ અને ફૂટપાથ પર ૫૩ ખાડા ખોદયા હતા. અનંતચતુર્દશી બાદ નિયમ મુજબ પાલિકાના દરેક વોર્ડની ટીમ પોતાના વિસ્તારમાં ફરી હતી અને દરેક મંડપની જગ્યા પર ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું.
તે મુજબ પાલિકાના અધિકારીઓ દ્વારા પાંચ સપ્ટેમ્બરના લાલબાગ ચા રાજના મંડપ પાસે વિઝિટ કરવામાં આવી હતી. એ દરમિયાન ટી. બી. કદમ માર્ગ, દત્તારામ લાડ માર્ગ જંક્શન પાસેની જગ્યામાં ખાડા જોવા મળ્યા હતા. તેથી પાલિકાએ મંડળને ૨,૦૦૦ રૂપિયાના હિસાબે કુલ ૧૮૩ ખાડા માટે દંડ ફટકાયો હતો.
આ દરમિયાન લાલબાગ ચા રાજાના મંડળના પદાધિકારી બાળાસાહેબ કાંબળેને આ બાબતે સવાલ કરવામાં આવતા તેઓ મુંબઈની બહાર હોવાથી તેમને આ બાબતની કોઈ જાણ ન હોવાનું કહીને વાત ટાળી દીધી હતી. તો અન્ય પદાધિકારીએ તેમને પાલિકા તરફથી નોટિસ મળી હોવાનું સ્વીકાર્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.