(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત ચાર સ્વિમિંગ પૂલમાં હવેથી માસિક તથા ત્રિમાસિક સભ્યપદ પણ મેળવી શકાશે. અત્યાર સુધી સ્વિમિંગ પૂલ માટે ફક્ત વાર્ષિક સ્વરૂપમાં સભ્યપદ મેળવી શકાતું હતું. એ સાથે જ સ્વિમિંગ પૂલના સભાસદને પોતાની સાથે હવેથી એક મહેમાનને પણ સ્વિમિંગ માટે લઈ જવાની મંજૂરી આપવામાં આવી છે.
સ્વિમિંગ માટે આવનારા સભ્યો પોતાની સાથે એક ગેસ્ટને પણ સ્વિમિંગ માટે લાવી શકશે. તે માટે તેમણે જોકે દૈનિક સ્વરૂપે ફી ચૂકવવી પડશે. તેમ જ ઈચ્છુકોને સભ્યપદ મળી શક્યું નથી, તેવા ઈચ્છુક માટે ઓનલાઈન વેઈટિંગ લિસ્ટનો પર્યાય પણ રહેશે.
નવા વર્ષમાં ૩ જાન્યુઆરી, ૨૦૨૩થી નવેસરથી સભ્યોનું રજિસ્ટ્રેશન ચાલુ કરવામાં આવવાનું છે. https://swimmingpool.mcgm.gov.in/ આ વેબસાઈટ સહિત મુંબઈ મહાનગરપાલિકાની https://portal.mcgm.gov.in આ વેબસાઈટના હોમપેજ પર સ્વિમિંગ પૂલના વાર્ષિક સભ્યપદ રજિસ્ટ્રેશનની લિંક આપવામાં આવી છે. આ લિંક પર ક્લિક કર્યા બાદ ખૂલનારા વેબ પેજ પર જઈને ઓનલાઈન અરજી કરી શકાશે. આ અરજી કરતા સમયે પ્રાથમિક માહિતી સાથે પોતાનો આધાર નંબર અને ફોન નંબર આપવાનો આવશ્યક રહેશે.
ઓનલાઈન અરજી ભરીને સબમિટ કરીને ઓનલાઈન ફી ભરવી પડશે. આ ઓનલાઈન ફી વાર્ષિક, ત્રિમાસિક, માસિક અને દૈનિક સ્વરૂપની હશે. સ્વિમિંગ પૂલના આકાર મુજબ અલગ અલગ ફી રાખવામાં આવી છે, જેમાં વાર્ષિક ફી ૮,૦૦૦ રૂપિયાથી લઈને ૧૦,૦૦૦ સુધીની રહેશે. તો ત્રિમાસિક ફી ૨,૨૩૦ રૂપિયાથી લઈને ૨,૯૦૦ રૂપિયા જેટલી છે. માસિક ફી ૧,૩૦૦ રૂપિયાથી લઈને મેમ્બર સાથે આવનારા ગેસ્ટ માટે દૈનિક સ્વરૂપે ૨૪૦ રૂપિયા હશે.
વાર્ષિક સભ્યપદ ઉપલબ્ધ નહીં થાય તો વેઈટિંગ લિસ્ટનો પર્યાય પણ રહેશે. ૫૦૦ રૂપિયાની ફી ભરીને વેઈટિંગ લિસ્ટમાં નામ નોંધાવી શકાશે. તેમાંથી નામ રદ કરાવવું હોય તો પણ કરી શકાશે. કોઈ સભ્યને મેમ્બરશિપ રદ કરવી હોય તે પણ કરી શકશે.
અગાઉ સભ્યપદની ક્ષમતા પૂરી થવાથીી નવા મેમ્બર બનાવવાનું બંધ કરવામાં આવ્યું હતું. હવે ૩ જાન્યુઆરી, ૨૦૨૩થી ફરી ચાલુ કરવામાં આવશે. જેમાં દાદર (પશ્ર્ચિમ)માં મહાત્મા ગાંધી સ્મારક ઓલિમ્પિક સ્વિમિંગ પૂલ, ચેંબુર(પૂર્વ)માં જનરલ અરુણકુમાર વૈદ્ય ઓલિમ્પિક સ્વિમિંગ પૂલ અને દહિસર (પૂર્વ)માં આવેલા મુરબાદેવી સ્વિમિંગ પૂલ સહિત કાંદીવલી (પશ્ર્ચિમ)માં સરદાર વલ્લભાઈ પટેલ ઓલિમ્પિક સ્વિમિંગ પૂલનો સમાવેશ થાય છે.
અહીં બનશે નવા સ્વિમિંગ પૂલ
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મુંબઈમાં સાત વધુ જગ્યાએ સ્વિમિંગ પૂલ બનાવવામાં આવી રહ્યા છે, જેમાં દહિસર (પશ્ચિમ)માં કાંદરપાડા સ્વિમિંગ પૂલ, મલાડ (પશ્ચિમ)માં ચાચા નહેરુ મેદાન સ્વિમિંગ પૂલ, અંધેરી (પશ્ર્ચિમ)માં ગિલ્બર્ટ હિલ સ્વિમિંગ પૂલ, અંધેરી (પૂર્વ)માં કોંડિવિટા ગાવ સ્વિમિંગ પૂલ , વરલીમાં આવેલું વરલી જલાશય ટેકડી સ્વિમિંગ પૂલ, વિક્રોલી (પૂર્વ)માં ટાગોર નગર સ્વિમિંગ પૂલ , વડાલામાં આવેલું વડાલા ફાયર બ્રિગેડ સ્વિમિંગ પૂલનો સમાવેશ થાય છે.