આચમન -કબીર સી. લાલાણી
લાલચંદભાઈ લક્ષ્મીનારાયણ મંદિરનાં પગથિયાં ઊતર્યાં: સામેથી એમની ઉંમરની એક વ્યક્તિને આવતી જોઈ તેઓ ઊભા રહી ગયા. વર્ષોના થર વીંધીને એ ચહેરાની રેખાઓ તેનો પરિચય આપવા લાગી. પેલા ગૃહસ્થ બરાબર લાલચંદભાઈ સામે આવ્યા દૃષ્ટિ ફેરવી ડાબી બાજુ વળી જવા પગ ઉપાડયા ત્યારે લાલચંદભાઈએ એ ગૃહસ્થને ઉદ્દેશીને કહ્યું – ‘ભાઈ, જરા ઊભા રહો તો!’ પોતાને જ ઉદ્દેશીને બોલાયેલ એ શબ્દ સાંભળી પાછા ફરી એ ભાઈ બોલ્યા- ‘તમે મને બોલાવ્યો?’
‘હા!’ લાલચંદભાઈએ તેમની સામે જોઈ કહ્યું, ‘કંઈ ઓળખાણ પડે છે?’
‘હા.’
‘આવો આપણે મંદિરમાં બેસીને વાત કરીએ.’ લાલચંદભાઈએ તેમને કહ્યું અને તેમનો હાથ પકડી મંદિરના ઓટલે લઈ આવ્યા. ત્યાં બંને નિરાંતે બેઠા.
‘હું તમારું નામ ભૂલી ગયો છું, પણ તમને ઓળખી ગયો!’ લાલચંદભાઈએ કહ્યું.
‘મારું નામ કેશવલાલ. હું સી. પી. ટેન્ક પર એક દુકાનમાં નોકરી કરતો હતો.’
‘મને જોઈને તમે કેમ ચાલવા લાગ્યા હતા?’ લાલચંદભાઈએ પૂછયું. ‘સાચું કહું? મને ભૂલી ગયા હશો, પણ હું ભૂલ્યો નથી!’ ત્યારે કેશવલાલે કહ્યું મેં તમારી પાસેથી રૂપિયા બસો રોકડા ઉછીના લીધા હતા, પછી હું રૂપિયા પાછા આપવા આવ્યો જ નહીં. ઘણી મુસીબતોમાંથી પસાર થયો. પત્ની મૃત્યુ પામી. બાળકોને લઈને હું દેશમાં ચાલી ગયો હતો.’
‘તમે રૂપિયા મારી પાસેથી ઉછીના લઈ ગયા હતા તે મને યાદ છે, પણ તેની સામે તમે સોનાનો એક પટ્ટો મારે ત્યાં બાના તરીકે મૂકી ગયા હતા તે તમને યાદ છે?’
‘હા! યાદ કેમ ન હોય? ત્યારે હું ઘણી ભીડમાં હતો. આંખની ઓળખાણ હતી તમારી સાથે. તમારી દુકાનેથી કો’કવાર માલ ખરીદતો તેની. પછી મેં તમારી પાસે વાત ઉચ્ચારી. તમે મને તુરંત રૂપિયા ગણી દીધા, જોકે, તમે બદલામાં જોખમ માગ્યું નહોતું.’
‘હવે તમે એક કામ કરો….!’ લાલચંદભાઈએ કહ્યું, ‘કાલે બપોરે મારી દુકાને આવો. રૂપિયા બસો રોકડ લેતા આવજો અને તમારો સોનાનો પટ્ટો લઈ જજો!’
‘હેં! તમે એ પટ્ટો હજુ એમ ને એમ સાચવી રાખ્યો છે? પાંત્રીસ વર્ષ સુધી?’ કેશવભાઈની આંખો આશ્ર્ચર્યથી પહોળી થઈ ગઈ. રૂપિયા બસોની લૉન પરત થાય તેના બદલામાં આઠ-દસ હજારનું ઘરેણું, કોઈ સામેથી બોલાવીને પાછું આપે? આ કંઈ થોડો સતયુગ હતો?’
‘હા કેશવભાઈ, મારા બૅન્કના સેફડિપોઝિટ વૉલ્ટમાં એ પટ્ટો એમ ને એમ એની એ સ્થિતિમાં સાચવી રાખ્યો છે, તમે કયારેક આવો ત્યારે તમને પાછો આપી દેવા, અને મારા પુત્રોને પણ સૂચના આપી રાખી છે કે, ક્યાં મારા મૃત્યુબાદ તમે લેવા આવો તો એ પટ્ટો તમને શાહજોગ સોંપી દેવો. કાલે તમે એ લઈ જજો!’ લાલચંદભાઈએ કહ્યું.
‘અને વ્યાજના કેટલા રૂપિયા?’ કેશવલાલે પૂછયું.
‘વ્યાજ શેનું? આ તો ભીડમાં પડેલા ભેરુને મદદ કરી’તી.’ આટલું કહેતી વેળાએ લાલચંદભાઈના ચહેરા પર પોતાના હાથે એક સારું કાર્ય પૂરું થયાનો આનંદ લહેરાતો સ્પષ્ટ દેખાતો હતો.
બોધ:
* આ જીવનમાં આનંદ આપનારા જે કંઈ શ્રેષ્ઠ અનુભવો માનવીને થાય છે, નક્કી માનજો, તેના પાયામાં કોઈ ને કોઈ અર્થમાં પરોપકારનો ભાવ રહેલો હશે.
* જીવનમાં જો સાચા આનંદનો અનુભવ કરવો હોય તો નિષ્કામભાવે જરૂરિયાતમંદોને કંઈ ને કંઈ આપતા રહેજો.
* આનંદ એ આત્માનો સ્વભાવ છે.
* નિષ્કામ કર્મના માર્ગે યાત્રા કરનાર હરકોઈને સહજ રીતે પ્રાપ્ત થાય છે.
* આપો અને આનંદના અધિકારી બનો.
સનાતન સત્ય: નક્કી માનજો, નિષ્કામભાવે કરવામાં આવેલું પ્રત્યેક કૃત્ય તૃપ્તિ આપનારું હોય છે.