મા-બાપનાં આશીર્વાદ, કેળવણી અને સંસ્કારે જ સફળતા અપાવી

પુરુષ

પ્રિય પપ્પા…ઉમેશ શુક્લ

મારા પપ્પા કૌશિકભાઈનો જન્મ ગુજરાતના ઊંઝા ખાતે ૧૯૪૬માં થયો. અમારો વંશ પરંપરાગત ધંધો કર્મકાંડનો. પપ્પા અને કાકા કર્મકાંડનું શીખેલા. તેમ છતાં પપ્પા સમયથી ખૂબ જ આગળ હતા. એના કારણે પોતાના વંશ પરંપરાગત કામની સાથે સાથે તળ મુંબઈના ખેતવાડીમાં પોતાનો લોખંડનો ધંધો શરૂ કર્યો હતો. ઇન્ટર સુધી ભણ્યા અને મેડિકલ રિપ્રેઝન્ટેટિવનું કામ પણ થોડો વખત કર્યું હતું. પપ્પા લોખંડ બજારમાં જ્યાં નોકરી કરતા હતા ત્યાં એમના જ શેઠ (મારા નાના)ને લાગેલું કે મારા પપ્પા ખૂબ જ ઊર્જાવાન અને પ્રગતિશીલ વિચારોવાળા છે તેથી એમની દીકરી (મારાં મમ્મી) સાથે લગ્ન કરાવેલાં. પપ્પાનાં લગ્ન બહુ જ નાની ઉંમરમાં થયાં હતાં. તેઓ ૨૧ વર્ષના હતા ત્યારે મારો જન્મ થયો હતો. એના કારણે મારી અને એમની ઉંમરમાં ૨૧ વર્ષનો તફાવત છે. આવું ઓછું બનતું હોય છે. પપ્પા અને હું બહાર નીકળીએ તો લોકો એમને મારા મોટા ભાઈ જ સમજે એટલા યુવાન લાગે.
મારો જન્મ અને ઉછેર ભૂલેશ્ર્વરમાં થયો. પપ્પાને સંગીતનો શોખ હતો. એ વખતે એલપીનું ચલણ હતું, તો એ ઘરે લઇ આવે. એલપી સાંભળતાં સાંભળતાં સાથે ગાય પણ ખરા. મારાં મમ્મી અરુણાબહેન પણ મહિલા મંડળમાં ભજનો ગાતાં. સરપ્રાઇઝિંગલી મને ત્રણ વર્ષ પહેલાં જ ખબર પડી કે મારા દાદા અમારી સમાજની અવેતન રંગભૂમિમાં કામ કરતા હતા. એટલે હું એવું માનું છું કે કદાચ એના કારણે એ બધું મારામાં આવ્યું હશે.
મને મીઠીબાઈ કોલેજમાં એડમિશન મળ્યું એ પણ મારા માટે એક મહત્ત્વની ઘટના છે, કારણ કે એ મારા જીવનનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો. મને એસએસસીમાં પંચાવન ટકા જ આવ્યા હતા અને સારી કોલેજોમાં ૭૫-૮૦ ટકા સિવાય એડમિશન મળતું નહોતું. મને ખબર નહિ પપ્પાએ કયો જેક લગાવ્યો હશે, તો મને પપ્પાની ઓળખાણ તથા મમ્મીના એક સંબંધી પણ ત્યાં પ્રોફેસર તરીકે નોકરી કરતા હતા, એમની ઓળખાણ થકી મારું એડમિશન થઇ ગયું. મારી નાટ્યપ્રવૃત્તિ માટે મીઠીબાઈ કોલેજ જ જવાબદાર છે. જ્યાં નાટ્યપ્રવૃત્તિને પ્રોત્સાહન મળતું નથી એવી કોઈ અન્ય કોલેજમાં ગયો હોત તો આજે હું જ્યાં છું ત્યાં ન હોત. મીઠીબાઈમાં શરૂઆતનાં બે વર્ષ દરમિયાન હું નાટકો જોતો, પણ કોઇ પણ પ્રકારની નાટ્યપ્રવૃત્તિ સાથે સંકળાયો નહોતો. એક દિવસ અચાનક હું કેન્ટીનમાં બેઠો હતો અને ખબર પડી કે કોઈ નાટકના ડિરેક્ટર આવ્યા છે અને એ બધાને ગાળો આપીને વાત કરે છે. વિધાર્થીઓનું ઓડિશન લઇ રહ્યા છે. તો કુતૂહલવશ હું ત્યાં જોવા ગયો કે એ વિભૂતિ કોણ છે. ત્યાં મહેન્દ્ર જોશી સાથે મારો પરિચય થયો. એમને મારો આત્મવિશ્ર્વાસ ખૂબ જ ગમેલો. એમણે જ મને નાટકો કરવા માટે પ્રરિત કર્યો. એ મારા ગુરુ છે. મેં એમની સાથે ઘણાં બધાં નાટકો કર્યાં. એવું કહેવાય છે કે આપણો ગ્રોથ આપણા સર્કલ પર આધાર રાખે છે. એમની સાથે તમારી સેન્સિબિલિટી (સંવેદનશીલતા) કેળવાતી હોય છે અને આ બાબતે હું મારી જાતને બહુ નસીબદાર માનું છું. નીરજ વોરા, પરેશભાઈ સાથે રહીને હું કેળવાયો. મેં શફીભાઈ સાથે પણ કામ કર્યું. પરેશભાઈને ત્યાં બેકસ્ટેજ પણ કર્યું છે. પરેશભાઇ દિગ્દર્શક હોય અને હું એમને આસિસ્ટ કરતો અને હવે હું એમને ડિરેક્ટ કરું છું. પરેશભાઈ સાથેની મારી સફર બહુ સુંદર રહી. નીરજ વોરા સાથે મેં આસિસ્ટન્ટ તરીકે ઘણી બધી ફિલ્મો લખી. એમાંથી મને લેખનનો અનુભવ મળ્યો. એ સમયગાળા દરમિયાન ફિલ્મોના સેટ પર જવાનું થતું. ત્યાં હું બધા ડિરેક્ટરોના કામનું અવલોકન કરતો. એ જોઈ જોઈને મારામાં એક ડિરેક્ટર તરીકેની સમજ કેળવાઈ છે. ડિરેક્શન માટે મેં ન તો કોઈ તાલીમ લીધી છે કે ન કોઈ સંસ્થા જોઈન કરી છે. આ બધું મારાં મા-બાપનાં આશીર્વાદ, કેળવણી અને સંસ્કારને લીધે જ શક્ય બન્યું છે. ક્યારેક મારું કામ અટકી ગયેલું હોય તો હું પપ્પાને વાત કરું. મને ખબર છે કે પપ્પાના આશીર્વાદ એવી રીતે આવશે કે બધું સમુંસૂતરું પાર ઊતરી જશે. મારા ફોનના ડીપીમાં પણ પપ્પા-મમ્મીનો જ ફોટો છે, જેથી જ્યારે પણ હું ફોન ઓપન કરું ત્યારે એમનાં જ દર્શન થાય. હંમેશાં એમને પગે લાગીને જ હું મારા કામની શરૂઆત કરું છું.
પપ્પા અમને રોજ સંસ્કૃતના શ્ર્લોક શિખવાડતા. એક શ્ર્લોક શીખીએ એટલે એક ચોકલેટ આપતા અને અમને પ્રોત્સાહિત કરતા. એમ કરતાં કરતાં એમણે મને સંપૂર્ણ કર્મકાંડનું જ્ઞાન આપ્યું. હું સ્નાતક થયો ત્યાં સુધી ક્યારેક એકલો તો ક્યારેક પપ્પા સાથે પૂજા (લક્ષ્મી પૂજન, સત્યનારાયણની કથા વગેરે) કરાવવા જતો હતો. એમાં પપ્પા અને દાદાનો બહુ મોટો ફાળો છે.
પપ્પા અમને નિયમિત રીતે ફિલ્મો જોવા પણ લઇ જતા. પપ્પા દેખાવડા અને સુંદર છે. હાલમાં તેઓ ૭૬વર્ષની ઉંમરે પણ તન અને મન બંનેનું સંપૂર્ણ ધ્યાન રાખી રહ્યા છે. આ આંતરિક તાકાત એમને વારસામાં મળેલી છે અને એમની પાસેથી મારામાં અને મારાં ભાઈ-બહેનમાં પણ ઊતરી છે. પપ્પા પોતે શારીરિક રીતે ફિટ રહેતા અને ફક્ત અમને (મારો ભાઈ અતુલ અને બહેન સોની) જ નહિ, પણ સોસાયટીમાં આજુબાજુમાં રહેતા લાકોને પણ ફિટ રહેવા માટે અગાશી પર સાથે લઈ જઈને કસરત કરાવતા અને ત્યાર બાદ બધાને બોલતાં ફાવે એવા સંસ્કૃતના શ્ર્લોકો પણ બોલાવડાવતા. ભૂલેશ્ર્વરથી સાન્તાક્રુઝમાં શિફ્ટ થયા તો ત્યાં પણ આ ક્રમ એમણે જાળવી રાખ્યો હતો. આજુબાજુની સોસાયટીવાળા પણ એમના છોકરાઓને મોકલતા. આના કારણે પપ્પા લોકોમાં ખૂબ જ લોકપ્રિય હતા.
દરેકના જીવનમાં ઉતારચઢાવ આવતા હોય છે. એમ મારા પપ્પાના જીવનમાં પણ આવ્યા. એ સમયે તેઓ ખૂબ જ ઘેરી હતાશામાં ગરકાવ થઇ ગયા હતા. એના કારણે એમણે ઘરની બહાર પણ નીકળવાનું બંધ કરી દીધું હતું. અત્યારે માનસિક રોગોના ડૉક્ટરો (સાઈકિયાટ્રિસ્ટ) છે એટલું જોર એ સમયે નહોતું, હતાશા એક બીમારી છે એ પણ અમને ખબર નહોતી, તેથી સારવાર કેવી રીતે કરવી એની પણ જાણ જ નહોતી. જેમ જેમ ખબર પડતી એ રીતે અમને પોસાય એ રીતે એમની દવા કરી અને પપ્પાને હતાશામાંથી સંપૂર્ણપણે બહાર કાઢ્યા. હાલમાં તેઓ માનસિક અને શારીરિક બંને રીતે ફિટ છે. આ બધું અમારી સાથે નાની ઉંમરે (૧૩-૧૪ વર્ષ) જે બન્યું એના કારણે હું અને મારો ભાઈ અતુલ ત્યારથી જ પરિપક્વ થઇ ગયા હતા. અમે પિતાજીના અનુભવ પરથી શીખ્યા અને નક્કી કર્યું કે કોઇ એવું કામ કરવું નહીં કે જેથી અમારા જીવનમાં પણ હતાશા આવે. પપ્પા એમના સમય કરતાં ઘણું આગળનું વિચારતા. એમના મગજમાં કોઈ પણ પ્રકારના જુનવાણી વિચાર હાવી નહોતા થયા. સમય સાથે બદલાવું જોઈએ એવી એમની વિચારસરણી રહેલી છે. એ એમના બેન્ક, વીમા વગેરે દરેકેદરેક કામમાં ખૂબ જ પરફેક્ટ, જ્યારે મારું એમનાથી એકદમ ઊલટું. એના કારણે હાલમાં પણ તેઓ મારાં બાકી રહેલાં કામની સૂચનાઓ મને આપતા હોય.
મારા નાટ્યક્ષેત્રે કામ કરવા પ્રત્યે તેમને કોઈ વાંધો નહોતો, પરંતુ તેઓ કહેતા કે આની સાથે સાથે નોકરી પણ કર. મારા નાટ્યક્ષેત્રે કામ કરવાની વાત માટે મને હંમેશાં પ્રોત્સાહન આપ્યું. એ સમયે એવા ઘણા કલાકારોના દાખલા હતા જેઓ સરકારી નોકરીની સાથે સાથે નાટ્યપ્રવૃત્તિ જોડે સંકળાયેલા હતા. પપ્પા પણ મને એ જ કહેતા કે નાટ્યક્ષેત્રમાં કામ કર પણ સાથે નોકરી પણ કર. પપ્પાએ મને સરકારી નોકરી માટેની ઘણી બધી પરીક્ષાઓ પણ અપાવડાવી. દરેક મા-બાપને પોતાના સંતાનના ભવિષ્યની ચિંતા હોય જ. એમાં હું તો એ સમયે નાટકોમાં બેકસ્ટેજમાં કામ કરતો, પરંતુ જ્યારે તેમણે એક કલાકાર તરીકેનું મારું મહેન્દ્ર જોશી સાથેનું ગુજરાતી નાટક ‘તાથૈયા’ અથવા ‘અતમસ’ મને બહુ યાદ નથી, પણ આ બેમાંથી એક હશે અને ઉમેશ મહેરાની હિન્દી ફિલ્મ ‘યાર ગદ્દાર’ (એમાં મેં મુખ્ય ખલનાયકનું પાત્ર ભજવ્યું હતું) જોઈ ત્યારથી એમને ખ્યાલ આવી ગયો કે હું આના માટે જ બનેલો છું.
અમે ભલે ઉંમરમાં મોટા થઇ ગયા, પરંતુ હાલમાં પણ પપ્પા અમારી એટલી જ ચિંતા કરે. એમને અમારા પ્રત્યેનો લગાવ બહુ જબરજસ્ત છે. અત્યારે પણ પપ્પા મારી ઉઘરાણીનું ધ્યાન રાખે. હું કદાચ ટાળી દઉં પણ એ મને યાદ કરાવે. મારો સ્વભાવ લાગણીશીલ છે તેથી ઘણી વાર એવું બને કે સામેવાળાની પરિસ્થિતિ જોઈને હું મારા કામની ક્રેડિટ અથવા તો પૈસા જતા કરી દઉં. એની એમને સતત ચિંતા હોય. એ આજે પણ મને મારી આવનારી ફિલ્મો વિશે, નાટકો વિશે, કામ વિશે સતત પૃચ્છા કરતા હોય. હું થોડો સરળ અને ‘લેટ ગો’ની ભાવનાવાળો માણસ એટલે પપ્પાને એવું લાગે કે લોકો મારા ભોળપણનો લાભ લઈને મને છેતરી જાય છે. એના કારણે પણ એમને મારી ચિંતા વધારે રહે. હાલમાં પણ અમારા બધાની સુખશાંતિ માટે તેઓ સતત જાપ કરતા રહે અને ભગવાનને પ્રાર્થના કર્યાં કરે. હિન્દી ફિલ્મ ‘ઓહ માય ગોડ’ એ મારા જીવનનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થઇ. પહેલાં અમે એ વિષય પર નાટક બનાવ્યું હતું. નાટક પરથી ફિલ્મ બનાવી હતી. આ નાટકની વાત કરું તો લેખક ભાવેશ માંડલિયા અને ભરતે ‘ધી મેન હુ શુડ ગોડ’ નામની એક ઓસ્ટ્રેલિયન ફિલ્મ જોવા માટે મને કહ્યું. શરૂઆતની ૧૨-૧૫ મિનિટની ફિલ્મ જોયા બાદ હું તો જોકે ચઢી ગયો. એ ફિલ્મ મને બહુ સમજાઈ નહિ. મેં સલાહ આપી કે અહીંયાં ચાલતા પાખંડ પર જ નુક્તેચીની કરીએ તો બહુ મજા આવશે. હું કર્મકાંડ કરતો ત્યારે પપ્પા સાથે મારે ઘણા સવાલો થતા રહેતા. લોકો પૂજા કેમ કરે છે? એનો અર્થ શું થાય એ પણ લોકોને ખબર નથી. લોકો શા માટે પૂજા કરાવે છે? પપ્પા સાથે ઘણી અંધશ્રદ્ધા વિશે પણ વિવાદ થતો, જેમ કે સાંજે નાખ કેમ ન કપાય? હું પપ્પાની સામે દલીલ કરતો કે પહેલાંના જમાનામાં લાઈટો નહોતી અને નેઇલકટર પણ નહોતાં તેથી ચાકુ વડે નખ કાપતા હશે. તો રાતે અંધારામાં દેખાય નહિ તો નખ કાપતી વખતે લોહી પણ નીકળી શકે છે એટલે માન્યતા પડી ગઇ હશે કે સાંજે નખ ન કપાય. શનિવારે દાઢી ન કરાય, શનિવારે ચામડું ન લેવાય આવા ઘણા સવાલો હતા જે હું પપ્પાને પૂછતો. તો પપ્પા કહે એ બધું શાસ્ત્રોમાં લખેલું છે. અમારાં મા-બાપ કહેતાં અને અમે કરતાં એટલે તમારે પણ કરવાનું. અમે એમની વાતોની વિરુદ્ધમાં ક્યારેય ન જઈએ. અમે બ્રાહ્મણ છીએ એટલે જનોઈ પહેરવી જ જોઈએ પણ હું જનોઇ પપ્પાની ખુશી, માન અને એમના પ્રેમ ખાતર પહેરું છું. પપ્પાને ગમે એ જ અમે કરીએ પણ એમને સવાલો તો પૂછતા જ. અમે આવા સવાલો નાટક અને ફિલ્મમાં ઈન્ક્લુડ કર્યા હતા. એના કારણે વાર્તા ખૂબ જ રસપ્રદ બની હતી. પપ્પાને પણ ફિલ્મ ખૂબ જ ગમી હતી.
નાટકો અને ફિલ્મો મારે કરવાં જોઈએ એવું હું જ્યારે વિચારતો હતો ત્યારે એક ચલણ હતું કે ફોટાનો પોર્ટફોલિયો બનાવીને લોકોની ઓફિસમાં ધક્કા ખાવા પડતા. હવે એવું નથી રહ્યું. એ ચલણ વિશે મને પપ્પાએ જણાવ્યું. મને થયું કે પપ્પાને આ વિચાર ક્યાંથી આવ્યો હશે. ત્યારે મમ્મીએ મને જણાવ્યું કે અમારાં લગ્નના થોડા સમય બાદ તારા પપ્પાને પણ અભિનયનું ભૂત વળગ્યું હતું. એમણે પણ પોર્ટફોલિયો બનાવ્યો હતો. જોકે તેઓ કોઈ નિર્માતા કે દિગ્દર્શકને મળ્યા નહોતા એ અલગ વાત છે. મારા પપ્પાના માસા હતા જેઓ ગુજરાતી અને હિન્દી ફિલ્મોના ડિસ્ટ્રિબ્યુટર હતા. એમનું નામ જયંત આચાર્ય. અમે એમને જટાશંકર માસા કહેતા હતા. એમણે પપ્પાને સલાહ આપી હતી કે આ બધું આપણે ન કરાય. આ આપણું કામ નહિ. તો એમના એ ગુણ મને વારસામાં આવ્યા હોય એવું બની શકે. પપ્પા ખૂબ જ લાગણીશીલ વ્યક્તિ અને એ સ્વભાવ મારામાં પણ આવ્યો છે. એ કોઈનું પણ દુ:ખ જુએ તો ઢીલા પડી જાય એવો તેમનો સ્વભાવ. એવું મારી સાથે પણ ઘણી વાર બનતું હોય છે. એ બધી વસ્તુમાં પપ્પા અને મારા પર મારાં દાદીનો ખૂબ જ પ્રભાવ હતો. મારાં દાદી ઓછું ભણેલાં તેથી અંગ્રેજી બહુ આવડે નહિ, પરંતુ તેઓ અમુક અંગ્રેજી શબ્દો બોલતા એ હજી પણ મારા માનસપટ પર છપાઈ ગયા છે, જેમ કે કોઈ અનિચ્છનીય ઘટના બને તો એ કહેતાં એ તો ‘લેટ ગો’ કરી દેવાનું. મારાં બા (દાદી)ને અંગ્રેજી સાથે કોઈ જ લેવાદેવા નહિ. તેઓ ચાર ચોપડી પણ ભણ્યાં નહોતાં પણ એમને એ શબ્દનો અર્થ ખબર હતી. દાદીના એ એક શબ્દમાં જ આખા જીવનની ફિલોસોફી સમજાઈ જાય. જ્યારે તમારું સ્વમાન ઘવાય, અહં ઘવાય ત્યારે આ એક જ શબ્દ તમારા મગજમાં આવે ત્યારે સામેવાળાને માફ કરતા થઇ જાઓ અથવા પરિસ્થિતિની આપણા મન પર અસર ઓછી થાય તો આપણને બહુ આઘાત ન લાગે. આવા કેટલાય શબ્દો મારી બા પાસે હતા. મારા પપ્પા મારી બાને બેન કહીને બોલાવતા અને બાને ક્વોટ કરીને અમને કહેતા કે બેન હંમેશાં કહેતાં ‘લેટ ગો’ કરવાનું. એ વાત પપ્પાએ અમને શીખવાડી. મને એવું લાગે છે એમણે પણ એમના જીવનમાં ઘણું બધું ‘લેટ ગો’ કર્યું હશે. મારા પપ્પાનો એવો સાલસ સ્વભાવ છે કે એમના કોઇ શત્રુ હોઇ જ ન શકે. કોઇએ એમનું ખોટું કર્યું હોય તો પણ એના પ્રત્યે ક્યારેય ઈર્ષાભાવ કે વેરભાવ રાખે નહીં. તેઓ હંમેશાં ‘લેટ ગો’ની ભાવનાથી જ જીવ્યા છે. આ શબ્દનો ઉપયોગ મેં મારા નાટકમાં પણ કર્યો છે. આવા ઘણા શબ્દો મારાં દાદી પાસે હતા.
પપ્પા લોકભોગ્ય વાર્તા દ્વારા મને સમજણ આપતા અને સંસ્કાર આપતા. એમની કહેલી એક વાર્તા શૅર કરું છું. એક છોકરો ટ્રેનમાં એક ગામથી બીજા ગામ છોકરી જોવા માટે સફર કરી રહ્યો હોય છે. એની પાસે જમવાનું કંઈ હોતું નથી. તો એની બોગી (કમ્પાર્ટમેન્ટ)માં બેસેલા અલગ અલગ લોકો પાસેથી વાક્ચાતુર્ય દ્વારા તે તેનો જમવાનો જુગાડ કરી લેતો હોય છે. એ જ્યારે છોકરી જોવા એના ઘરે ગયો, ત્યાં એણે જોયું તો બોગીમાં જે લોકો હતા એ જ લોકો છોકરીના ઘરે આવેલા. એ બધાને જોઈને છોકરો થોડો દુ:ખી થઇ ગયો કે આ સંબંધ હવે આગળ વધશે નહિ, પણ એ લોકો છોકરા સાથે તેમની દીકરીનાં લગ્ન કરવા સંમત થયા, કારણ કે જે છોકરો પોતાના સર્વાઇવલ માટે જો આટલો બધો જુગાડ કરી લેતો હોય તો એ મારી દીકરીને ક્યારેય દુ:ખી તો નહિ જ કરે. એ વાર્તા એમણે મને કહી હતી. આ વાર્તાનો ઉપયોગ મેં મારા નાટક ‘તિકડમબાજ’માં કર્યો હતો. એ મારું પહેલું એવું નાટક હતું જે મેં લખ્યું હતું, ડિરેક્ટ કરેલું અને અભિનય પણ કર્યો હતો. એ નાટકના ક્લાઈમેક્સમાં શું કરવું એની મૂંઝવણમાં હતો, ત્યારે પપ્પાની આ વાર્તા મને યાદ આવી હતી અને એ વાર્તાના લીધે મારું આખું નાટક પરફેક્ટ થઇ ગયું હતું. મારા નાટકની વાર્તામાં ઘટના થોડી જુદી હતી પણ ફેમિલીના એ એટિટ્યુડનો ઉપયોગ કર્યો હતો.
બીજી એક વાર્તા એમણે મને કરી હતી, એ સતત મારા મગજમાં છે. જે મારા જીવનમાં પણ ઘણી બધી રીતે ઊતરી છે. એક સાધુ દરિયાકિનારેથી પસાર થતો હતો. તે સમયે તેણે જોયું કે કાચીંડો દરિયાનાં મોજાંની સાથે તણાઇ જતો હોય છે. તો સાધુ તેને બચાવવાની કોશિશ કરે છ. ત્યારે કાચીંડો તેના સ્વાભાવ પ્રમાણે સાધુના હાથ પર ડંખ મારે છે. આવું ચારથી પાંચ વાર થાય છે તો ત્યાં ઊભેલી એક વ્યક્તિ આ બધું જોઇ રહી હોય છે. તે સાધુને પૂછે છે કે કાચીંડો દરેક વખતે તમને ડંખ મારે છે તો પણ તમે એને બચાવવાની કોશિશ કેમ કરો છો? ત્યારે સાધુ જબાબ આપે છે કે ડંખ મારવો એ કાચીંડાનો ગુણધર્મ, સ્વભાવ છે, જ્યારે મારો સ્વાભાવ છે મારે એને કોઇ પણ રીતે બચાવી લેવો છે. પપ્પાએ કહેલી આ વાર્તાની અસર હજી પણ મારા મનમાં એટલી બધી ઘર કરી ગઇ છે કે કોઇએ મારું ખરાબ પણ કર્યું હોય તો મને એના માટે બહુ લાગે નહીં. એ એની જગ્યાએ સાચો જ છે. એ એનો સ્વાભાવ છે, જે એ બદલવાનો નથી. તો એના કારણે હું મારા સંસ્કારો કે મારો સ્વભાવ તો ન બદલી શકુંને! એમ વિચારીને ‘લેટ ગો’ કરીને આગળ વધી જાઉં છું.
મારા જીવનમાં એક એવી ઘટના બની જે હું ક્યારેય ભૂલી નહીં શકું. ખારમાં રામકૃષ્ણ મિશન છે. તેમાં મેં પહેલી વાર વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો. મારે પહેલી વાર સ્ટેજ પર જવાનું થયું. એના કારણે પપ્પા ખૂબ જ એક્સાઇટેડ હતા અને મારો સ્ટેજ પરનો ફોટો પાડવા માટે તેઓ ખારના એ વિસ્તારમાં કેમેરો લેવા માટે ખૂબ જ ફર્યા. જ્યારે સ્ટેજ પર મારે બોલવાનો નંબર આવ્યો ત્યારે સ્ટેજ પરથી મારી આંખો તેમને ગોતી રહી હતી, પરંતુ એ મારો ફોટો પાડવા માટે કેમેરો ખરીદવા દોડાદોડી કરી રહ્યા હતા. આખરે જ્યારે બે-ચાર લાઇન બાકી હશે એ વખતે મેં પપ્પાને મારો ફોટો પાડતા જોયા. એ મારો ફોટો પાડી રહ્યા હતા, ત્યારે મારો ફોટો પાડતો તેમનો ફોટો મારા હૃદયમાં હંમેશાં માટે અંકાઇ ગયો છે. અત્યારે પણ એ ઘટના યાદ કરું છું, ત્યારે હું ખૂબ જ ભાવુક બની જાઉં છું. એમનો ફોટો પાડતો ચેહરો હજી પણ મને દેખાય છે. એ મારો ફોટો પાડતા હતા, પરંતુ મારા દિલમાં મેં એમનો ફોટો પાડી લીધો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.