Homeઆપણું ગુજરાતઉદેપુર-અમદાવાદ રેલવે ટ્રેક પર વિસ્ફોટ, આતંકવાદી હુમલાની શંકા, એટીએસે હાથ ધરી તપાસ

ઉદેપુર-અમદાવાદ રેલવે ટ્રેક પર વિસ્ફોટ, આતંકવાદી હુમલાની શંકા, એટીએસે હાથ ધરી તપાસ

અમદાવાદ: ગયા મહિના દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદેપુર-અમદાવાદ વચ્ચેની સુપરફાસ્ટ ટ્રેન ચાલુ કરવામાં આવ્યા પછી શનિવારે મોડી રાતના અહીંના ટ્રેક પર ડિટોનેટર વડે વિસ્ફોટ કર્યાના અહેવાલ બાદ ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ ઘટના પછી રેલવે, પોલીસ, એટીએસ સહિત અન્ય એજન્સી દ્વારા આતંકવાદી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે કે નહીં તેના અંગે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
શનિવારે મોડી રાતના સલુમ્બર માર્ગ પર કેવડેના નાળામાં ઓઢા રેલવે બ્રિજ નજીક આ ઘટના ઘટી હતી, જ્યાં સ્થાનિક લોકોને વિસ્ફોટના અવાજ બાદ ઘટનાસ્થળે ભાગ્યા હતા, ત્યાર બાદ અમુક યુવાનો ટ્રેક પર પહોંચ્યા હતા તથા એ જગ્યાની પરિસ્થિતિને જોઈને આશ્ર્ચર્યચકિત રહી ગયા હતા. રેલવે ટ્રેક પર વિસ્ફોટ કરવામાં આવ્યા પછી રેલવે બ્રિજ અને લાઈનને ઉડાવવાની કોશિશ કરવામાં આવી હોવાનું કહેવાય છે. અહીંયા કરવામાં આવેલા વિસ્ફોટના કારણે રેલવે ટ્રેકને સૌથી વધુ નુકસાન થયું હતું. પ્રાથમિક તબક્કે ટ્રેકની આસપાસથી મળેલી વસ્તુ (ગનપાઉડર)ના આધારે કહી શકાય કે ડિટોનેટર યા માઈનિંગ બ્લાસ્ટની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જ્યારે હાલમાં તપાસ ચાલી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ગ્રામીણ લોકોના અહેવાલ અનુસાર રવિવારે સવારે રેલવેના અધિકારી અને પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા હતા, ત્યાર બાદ પ્રાથમિક તબક્કે અસામાજિક તત્વો દ્વારા પગલું ભરવામાં આવ્યું હોવાની શંકા વ્યક્ત કરી હતી. એટલું જ નહીં, કથિત રીતે આતંકવાદી હુમલો કરવાની શંકાને લઈ વધુ કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા હાથ ધરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
રેલવેના અધિકારીએ કહ્યું હતું કે આ ટ્રેકને વિસ્ફોટક મારફત ઉડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, ત્યાર બાદ રેલવેની સિવિલ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલના તબક્કે બંને દિશાનું ટ્રેનનું સંચાલન બંધ કરવામાં આવ્યું હતું, જ્યારે રેલવે ટ્રેકના મરમ્મતનું કામકાજ ચાલુ છે, પરંતુ ક્યાં સુધીમાં ટ્રેનસેવા ચાલુ થશે તેના અંગે ચોક્કસ જાણકારી મળી નથી. વિસ્તૃત તપાસ માટે બૉમ્બ સ્ક્વૉડ બોલાવવામાં આવી હતી, જ્યારે એટીએસ સહિત એફએસએલ (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની ટીમ પણ તપાસ કરશે, એવું અધિકારીએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૧મી ઑક્ટોબરના અસારવા સ્ટેશનથી ઉદેપુર-અમદાવાદ ટ્રેનને લીલી ઝંડી આપીને ટ્રેનનો શુભારંભ કર્યો હતો.

RELATED ARTICLES

Most Popular