ઈશનિંદા: ધર્મ, ઇતિહાસ અને કાયદો વ્યવસ્થાની અનોખી શૈલી

રોજ બરોજ

રોજ બરોજ -અભિમન્યુ મોદી

ઉદયપુરમાં કનૈયાલાલે નૂપુર શર્માની ટિપ્પણીને સમર્થન આપ્યું ને બદલામાં ૨ શખસોએ તેની નિર્મમ હત્યા કરી નાખી. હત્યા બાદ બન્નેએ એક વીડિયો પણ બનાવ્યો જેમાં ‘ઈશનિંદા’ શબ્દનો ઉલ્લેખ હતો. આ ઇશનિંદા શું છે?.. એવો પ્રશ્ર્ન મનમાં ઉદ્ભવે… ઇશ્ર્વરની શ્રદ્ધા, ધાર્મિક લોકો, સ્થળો અથવા તેની સાથે જોડાયેલી વસ્તુઓનું અપમાન એટલે ‘ઇશનિંદા’. વિશ્ર્વમાં મોટાભાગના દેશોમાં ઇશનિંદાના અલગ અલગ કાયદાઓ છે. ઇશનિંદાને લઇને મુસ્લિમ દેશોના કાયદાઓમાં ઘણી સમાનતા છે, જ્યારે કેટલાક દેશોમાં તે ધાર્મિક માન્યતાઓને આધીન છે. ‘ઇશનિંદા’ શું છે અને તે કયા કયા ધર્મમાં અસ્તિત્વ ધરાવે છે? તેવું ગૂગલમાં ૫.૮૯ લાખ લોકોએ સર્ચ કર્યું છે. તો ચાલો આજે ઈશનિંદાના ઇતિહાસ અને તેની સાથે જોડાયેલા ધાર્મિક કાયદાઓની સમજ મેળવીએ.
ઈશનિંદાનો ઉલ્લેખ બાઈબલમાં જોવા મળે છે. બાઈબલના બે ભાગ છે. પ્રથમ ઓલ્ડ ટેસ્ટામેન્ટ અને બીજો ન્યુ ટેસ્ટામેન્ટ. ઓલ્ડ ટેસ્ટામેન્ટ ૧૨૦૦ ઈ.સ. પૂર્વે કરતાં પણ વધુ પૌરાણિક માનવામાં આવે છે, જ્યારે બાઈબલના ન્યુ ટેસ્ટામેન્ટની શરૂઆત જીસસના જન્મની સાથે થાય છે. ન્યુ ટેસ્ટામેન્ટ મુજબ, ૨૦૦૦ વર્ષ પહેલાં સ્વયં જીસસ ક્રાઈસ્ટ પર પણ ઈશનિંદાના આરોપ લાગ્યા હતા. એ સમયે યહૂદીઓનો આરોપ હતો કે, જીસસ પોતાને ઈશ્ર્વરનો પુત્ર માનતા હતા. આવું બાઇબલમાં ક્યાંય લખ્યું નથી. જેથી જીસસે ઈશનિંદા કરી છે. તેવું માનીને તેમને સૂળી પર ચઢાવવામાં આવ્યા હતા.
ઈશનિંદાને અંગ્રેજીમાં બ્લેસ્ફેમી કહેવાય છે. બ્લેસ્ફેમીને ગ્રીક શબ્દ બ્લેસિફ પરથી લેવામાં આવ્યો છે. એનો અર્થ થાય છે… ‘હું ભગવાનની નિંદા કરું છુ’. ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ડેવિડ નેશના પુસ્તક ‘બ્લેસ્ફેમી ઇન ધ ક્રિશ્ર્ચિયન વર્લ્ડ’ મુજબ પૌરાણિક ગ્રીસમાં આજથી ૨૫૦૦ વર્ષ પહેલાં ઈશનિંદાનો કોન્સેપ્ટ હોવાના પુરાવા મળે છે. જેમાં ઈશ્ર્વર વિરૂદ્ધ કંઈપણ બોલવું ખોટું માનવામાં આવતું હતું. જ્યારે કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે ધર્મનો વિકાસ થવાની સાથે જ લોકોની શ્રદ્ધાને યથાવત્ રાખવા માટે ‘ઈશનિંદા’ના કોન્સેપ્ટની શરૂઆત કરવામાં આવી હતી.
નાલસર યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર ફૈઝાન મુસ્તફાએ આપેલા એક ઇન્ટરવ્યૂ અનુસાર, ૧૩મી સદી દરમિયાન યુરોપમાં ‘ઈશનિંદા’નું નવું સ્વરૂપ સામે આવ્યું, ફૈઝાન મુસ્તફાના જણાવ્યા અનુસાર બ્લેસ્ફેમીનો અર્થ માત્ર ઈશ્ર્વરને નહીં, પરંતુ સેક્યુલર સ્ટેટને ચેલેન્જ કરવાનો હતો. ૧૭મી સદીમાં ઈંગ્લેન્ડના રહેવાસી જોન ટેલર નામના શખસે જીસસ ક્રાઈસ્ટ માટે અપશબ્દનો ઉપયોગ કર્યો હતો. ઈંગ્લેન્ડના ચીફ જસ્ટિસ સર મેથ્યુ હેલે તેને રાજદ્રોહ ગણાવ્યો હતો. ઈંગ્લેન્ડના ચીફ જસ્ટિસ સર મેથ્યુ હેલે જોન ટેલરના કેસનો ચુકાદો સંભળાવતાં કહ્યું હતું કે, ધર્મ પર સવાલ ઉઠાવવા કાયદાની સામે સવાલ ઉઠાવવા સમાન છે. માટે જોન ટેલરને ફાંસીની સજા થશે. આ ચુકાદો આજે પણ ઈંગ્લેન્ડના કાયદાના અભ્યાસક્રમમાં ભણાવવામાં આવે છે. ૧૬૬૯માં પણ સ્વીડિશ રોયલ નેવીના બે જવાનને મોતની સજા થઈ હતી. કા૨ણ કે તેમણે એક ગીતની પંક્તિ- ‘આઈ હેવ જીસસ ઈન માય હાર્ટ’ને બદલીને ‘આઇ હેવ ડેવિલ ઈન માય હાર્ટ’ કરી દીધું હતું. જેથી બન્ને મોતની સજા થઈ હતી.
અલગ અલગ સંપ્રદાયમાં ઇશનિંદાના ઉલ્લેખની વાત કરીએ તો ઈસ્લામના ધાર્મિક ગ્રંથોમાં ઈશનિંદાનો કોન્સેપ્ટ ૧૦૫૦ની આસપાસ અસ્તિત્વમાં આવ્યો હોય તેવું જોવા મળે છે. સેન ડિયેગો યુનિવર્સિટીના પ્રોફેસર અહમત ટી. કુરુ પોતાનું પુસ્તક ‘ઈસ્લામ ઓથોરિટેરિયનિઝમ એન્ડ અન્ડરડેવલપમેન્ટ’માં લખે છે કે, સુન્ની વુદ્ધા ‘ઉલેમા’એ ૧૦૫૦માં રાજાઓની સાથે મળીને ઈશનિંદા ૫૨ કાયદો બનાવવાનું શરૂ કર્યું. પ્રોફેસર કુરુ આગળ લખે છે કે, મુસ્લિમ વિદ્વાન અબુ હામિદ મોહમ્મદ અલ-ગઝાલીએ ઈસ્લામમાં કટ્ટરતાનો વધારો કર્યો હતો. ગઝાલીએ જ ઈશનિંદા પર મોતની સજા આપવાને યોગ્ય ઠેરવ્યું હતું. ૧૨મી સદી દરમિયાન ઈસ્લામના કટ્ટર ધાર્મિક નિયમોને પડકારનારા લોકોને મોતની સજા ફટકારવામાં આવતી હતી. એ સમયે સિરિયા, ઈજિપ્ત અને આફ્રિકાએ ધર્મ અને રાજકારણના મૂદ્દે પોતાના સ્વતંત્ર વિચારો પ્રગટ કરનાર વિરૂદ્ધ પણ ‘ઈશનિંદા’નો આરોપ લાગતો અને તેને પણ મોતની સજા આપતી હતી.
બાઇબલના ૨૪મા અધ્યાય પેસેજ લેબેટિયસની ૧૬મી લીટી અનુસાર, કોઈપણ વ્યક્તિ, જે ઈશ્ર્વરની નિંદા કરે છે તેને માફ ન કરતાં સજા આપવી જોઈએ. કુરાનની વાત કરીએ તો પદ્મભૂષણથી સન્માનિત મૌલાના વહીદુદ્દીન ખાન મુજબ, દરેક યુગમાં લોકોએ પયગંબર પ્રત્યે નકારાત્મક વલણ અપનાવ્યું, પરંતુ કુરાનમાં આવા લોકોની સાથે મારપીટ કરવી કે સજા આપવાની વાત ક્યાંય લખવામાં આવી નથી. જોકે ૧૦૫૦માં મુસ્લિમ વિદ્વાનોએ ઈસ્લામમાં ઈશનિંદાની વ્યાખ્યા પોતાની રીતે ઘડી કાઢી હતી. એ બાદ જ ઈસ્લામમાં ‘ઈશનિંદા’નું ઉદ્ભવ થયો છે.
પંજાબી વિશ્ર્વવિદ્યાલય પટિયાલાના પૂર્વ પ્રોફેસર ધર્મ સિંહ મુજબ, દશમા ગુરુ, ગુરુ ગોવિંદ સિંહે એવો જ આદેશ સંભળાવ્યો હતો કે ગુરુ ગ્રંથ સાહિબ અને તેની સાથે સંકળાયેલી દરેક ચીજ, જેમ કે-ટોપી ‘ફેટો’ કે ’પાઘડી’, કૃપાલ વગેરેને પવિત્ર માનવામાં આવે છે, માટે તેમનું અપમાન કરવું એ એક ગંભીર ગુનો છે. જોકે સજા બાબતે ધર્મ ગ્રંથમાં લખવામાં આવેલી કોઈ વાતનો સ્પષ્ટ રીતે ઉલ્લેખ જોવા મળ્યો નથી.
હિન્દુ ધર્મમાં ઈશનિંદાનો ઉલ્લેખ ક્યાંય પણ અને કયારેય પણ જોવા મળતો નથી. હિન્દુ ધર્મને સહિષ્ણુ જણાવવામાં આવ્યો છે. ટીકાઓ પર પ્રતિબંધ નથી. જો કે આપણાં દેશમાં સતી-પ્રથા, બાળકીને દૂધ પીતી કરવી… વગેરે જેવા કુ-રિવાજો ફેલાયેલા હતા.
ઈશનિંદાના ચર્ચિત કિસ્સાઓની વાત કરીએ તો ફૈઝાન મુસ્તફાના પુસ્તક ‘ડેથ ઓફ ડિમોન્સ’માં ૧૫૨૫નો એક બનાવ મળી આવે છે. જેમાં બોટમેન નામના શખસે ઈશ્ર્વરને માનવાનો ઈનકાર કર્યો હતો તો તેને પેરિસમાં જીવતો સળગાવીને નાખવામાં આવ્યો હતો.૧૭ ફેબ્રુઆરી ૧૬૦૦માં ખગોળ વૈજ્ઞાનિક જિયોર્દાનો બ્રુનોએ કહ્યું હતું કે, માણસોની જેમ તારાઓને પણ પોતાનો પરિવાર હોય છે. ઈશ્ર્વર જેવું કંઈ છે જ નહિ. આ વિધાનના બોલ્યા બાદ બીજે દિવસે તેનો મૃતદેહ તેમના ઘરેથી મળ્યો હતો. ૧૬૦૦માં ૬૯ વર્ષીય એસ્ટ્રોનોમર ગેલીલિયો ગેલિલીએ ઈશ્ર્વરના નિયમોને પડકાર કરતાં સાબિત કર્યું હતું કે, પૃથ્વી સૂર્યની ચારેય તરફ ચક્કર લગાવે છે. આથી નારાજ ચર્ચના પાદરીઓએ તેમને ફાંસીની સજા આપવાનો આદેશ કર્યો હતો. પણ એસ્ટ્રોનોમરે માફી માગી હતી અને પાદરીઓના પગ ધોઈને તે પાણીનું સેવન કરતાં તેને ઘરમાં નજર કેદ કરવામાં આવ્યા હતા.
આ તો વર્ષો પૂર્વે બનેલી ઘટના છે. તાજેતરમાં માર્ચ ૨૦૨૨માં તો કુતૂહલ સર્જે તેવો કિસ્સો પાકિસ્તાનના એબટાબાદમાં સામે આવ્યો, આ એ જ શહેર છે જ્યાં અમેરિકન સૈનિકોએ ઓસામાનું ઢીમ ઢાળી દીધું હતું. અહીં ૧૩ વર્ષીય સગીરાએ સપનામાં પોતાના ક્લાસ ટીચરને અલ્લાહની ઈશિનિંદા કરતા જોયા હતા. આ બાબતે તેણે તેની ફરિયાદ શાળાના આચાર્યને કરી હતી. જે બાદ આચાર્ય એ ૩ મહિલા શિક્ષક સાથે પેલી મહિલા ટીચરની હત્યા ઈશિનિંદાના આરોપસર કરી નાખી હતી.
ઈશનિંદા મુદ્દે વિશ્ર્વના દેશોમાં ઘડાયેલા કાયદાની વાત કરીએ તો દુનિયામાં સૌથી પહેલા બ્રિટનના બંધારણમાં ૧૮૬૦માં ઈશનિંદાનો કાયદો ઘડાયો હતો. હાલ દુનિયાના ૧૯૮ દેશોમાંથી ૪૦% દેશોમાં ઈશનિંદાનો કાયદો અમલમાં છે. અફઘાનિસ્તાન, બ્રુનેઈ, ઈરાન, નાઇજીરિયા, પાકિસ્તાન, સાઉદી અરબ, મોરિટેનિયામાં ઈશનિંદા કરવા બદલ મૃત્યુની સજા આપવાની જોગવાઈ છે.
જ્યારે ભારતમાં ઈશનિંદા બાબતે કોઈ અલગથી કાયદો નથી. આપણાં બંધારણમાં ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાને ગુનો માનવામાં આવ્યો છે. જેમાં ૩ વર્ષ સુધીની સજા થઈ શકે છે. પણ ભારત જેવા બિનસંપ્રદાયિક દેશમાં પ્રવર્તમાન સ્થિતિમાં બનતી ઘટનાઓમાં ચોંકાવનારી છે. અહીં આરોપીઓ હત્યા કર્યા બાદ ‘ઇશનિંદા’નો સહારો લે છે.., પોતે એવું જાહેર કરે છે કે અમે ઇશનિંદાના કાયદા હેઠળ ખૂન કર્યું છે.. આ વાત કેટલી હદે યોગ્ય છે. તે વિચારવા જેવી છે..!!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.