(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજાર સતત ચોથા સત્રમાં નેગેટીવ ઝોનમાં સરી પડતા રોકાણકારો માટે કારમો બ્લેક ફ્રાઇ ડે સર્જાયો હતો. સાર્વત્રિક વેચવાલી વચ્ચે સેન્સેક્સ ૯૮૧ પોઈન્ટ્સના જોરદાર કડાકા સાથે ૬૦,૦૦૦ની અંદર ધસી ગયો હતો. જ્યારે નિફ્ટી ૧૭,૮૦૦ની નજીક બંધ રહ્યો હતો.
દિવસ દરમિયાન સેન્સેક્સ ઉપરમાં ૬૦,૫૪૬.૮૮ અને નીચામાં ૫૯,૭૬૫.૫૬ પોઈન્ટ્સની રેન્જમાં અથડાયા થયા બાદ ૯૮૦.૯૩ પોઈન્ટ્સ અથવા ૧.૬૧ ટકા ગગડીને ૫૯,૮૪૫.૨૯ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે, નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં ૧૮,૦૫૦.૪૫ અને નીચામાં ૧૭,૭૭૯.૫૦ પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ ૩૨૦.૫૫ પોઈન્ટ્સ અથવા ૧.૭૭ ટકા તૂટીને ૧૭,૮૦૬.૮૦ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
અમેરિકામાં મેક્રો ડેટા સારા આવ્યા હતા પરંતુ તેનાથી વ્યાજદરમાં આક્રમક વધારાની શક્યતા વધી હતી બીજી તરફ ચીનમાં કોવિડની ગંભીર સ્થિતિને કારણે પણ વિશ્વભરના બજારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. શુક્રવારના એક જ સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૮.૩૬ લાખ કરોડનું અને એક માહિતી અનુસાર સતત સાત સત્રની પીછેહઠમાં લિસ્ટેડ શોરના મૂલ્યમાં રૂ. ૧૬ તાખ કરોડનું ધોવાણ થયું છે.
આ ઉપરાંત વધુ એક નકારાત્મક પરિબળમાં જાપાનમાં ફુગાવાનો દર નવેમ્બરમા ૩.૭ ટકાની ૪૦ વર્ષની ટોચને આંબી જતાં એશિયાના બજારોમાં પણ રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું. એ જ સાથે હજી પણ આર્થિક મંદીનો ભય તો ઝળુંબી જ રહ્યું છે.