હિંદૂ યુવા વાહિનીના ગુજરાત પ્રભારી અને કચ્છ ભાજપના નેતા યોગી દેવનાથનું નામ ફરી ચર્ચામાં છે. ટ્વિટર પર મહિલા બનીને ફોલોઅર્સ વધાર્યા હોવાનો મુદો ફરીથી ઉછળ્યો છે. યૂથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બીવી શ્રીનિવાસે આ જુના વિવાદ અંગે ટ્વિટ કરતા ચર્ચાનો માહોલ ગરમાયો છે. તેમણે દાવો કર્યો છે કે યોગી દેવનાથ અગાઉ મિતાલી નામથી એકાઉન્ટ ઘરાવતા હતા. ફોલોઅર્સ વધાર્યા બાદ તેમણે નામ બદલી અકાઉન્ટ પોતાને નામે કર્યું હતું.
નોંધનીય છે કે આ વિવાદ જુનો છે. ફેક્ટ ચેકર ઝૂબેરે 15 સપ્ટેમ્બર 2021ના રોજ ટ્વિટ કરીને યોગી દેવનાથે મહિલાના નામે અકાઉન્ટ બનાવ્યું હોવાની માહિતી બહાર લાવી હતી. ત્યાર બાદ આ વિવાદે તુત પકડ્યું હતું. એવામાં હવે યોગી દેવનાથે રાહુલ ગાંધીનો ફોટોશોપ કરેલો ફોટો ટ્વિટ કરતા કોંગ્રેસે જુના વિવાદને હવા આપી છે.
યૂથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બીવી શ્રીનિવાસે @YogiDevnath2ને ટેગ કરતા લખ્યું કે, ‘મિતાલી બહેન, આવા હાસ્યાસ્પદ ફોટોશોપ કરીને તમને શું મળે છે? બહેનના નામનો ઉપયોગ કરીને ફોલોઅર્સ વધારીને તમને શરમ નથી આવતી?’ સાથે જ તેમણે ફેક્ટ ચેકર મોહમ્મદ ઝૂબેરની પોસ્ટનો સ્ક્રિન શોટ પણ શેર કર્યો છે.
11 જુલાઈ 2017ના રોજ યોગી દેવનાથના અકાઉન્ટ પરથી થયેલું એક ટ્વિટ વાયરલ થઇ રહ્યું છે. જેમાં લખ્યું છે કે, ‘8,51,000 ફોલોઅર્સ થવા પ્રસંગે તમામ ચાહકોનો આભાર. આ ફોલોઅર્સ નહી પરંતુ મારા પરિવારનો હિસ્સો છે. તમારો એક ‘બહેનને’ આ રીતે જ પ્રેમ મળતો રહે તેવી આશા.’ બહેન શબ્દ મુદ્દે લોકોમાં કુતુહલ વ્યાપ્યું હતું. આ ઉપરાંત એક્ટ્રેસ સની લિયોનીની ટ્વિટ પર તેમના એકાઉન્ટમાંથી પોતાને ફોલો કરવા કમેન્ટ કરવામાં આવી હતી.
ફેક્ટ ચેકર મોહમ્મદ ઝુબેરે 15 સપ્ટેમ્બર 2021ના રોજ ટ્વીટ કરી હતી કે, ‘મુબારક હો બહેના, લડકિયોં કે નામ સે ટ્વીટર પે એકઉન્ટ બનાઓ ઔર ભક્તો કો બેવકૂફ બનાકર ફોલોઅર્સ બઢાઓ, ફિર નામ બદલ કર અસલી નામ રખ લો, ઔર ફિર વેરિફાઇડ કરવા લો’
નોંધનીય છે કે યોગી દેવનાથ એ યોગી આદિત્યનાથના ગુરુભાઈ છે. લગભગ છેલ્લા 25 વર્ષથી તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. યોગી દેવનાથ કચ્છ જિલ્લામાં મજબુત પકડ ધરાવે છે. તેથી રાપરની વિધાનસભા સીટ પરથી તેમને ટિકિટ મળે તેવી પણ ચર્ચા ઉઠી હતી. આ ઉપરાંત તેઓ કચ્છના એકલધામ આશ્રમના મહંત પણ છે.
જો કે તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે તેમનું ટ્વીટર હેક થયું હતું.