ભાજપના વરિષ્ઠ નેતા શાહનવાઝ હુસૈને તેમની સામે બળાત્કારનો કેસ નોંધવાના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટ આ મામલે આગામી સપ્તાહમાં સુનાવણી કરશે. બુધવારે, દિલ્હી હાઈકોર્ટે દિલ્હી પોલીસને 2018ના કેસમાં એફઆઈઆર નોંધવા અને ત્રણ મહિનામાં તપાસ પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો.
દિલ્હી હાઈકોર્ટની જસ્ટિસ આશા મેનનની બેન્ચે આ કેસમાં એફઆઈઆર ન નોંધવા બદલ પોલીસની ભારે આકરી ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે પૂર્વ કેન્દ્રીય મંત્રી શાહનવાઝ હુસૈનની અરજીને ફગાવી દેતા 2018માં આવેલા નીચલી કોર્ટના આદેશને યથાવત રાખ્યો હતો.
હુસૈને હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે પોલીસને પ્રાથમિક તપાસમાં મહિલા દ્વારા કરાયેલા આરોપ ખોટા અને પાયાવિહોણા જણાયા હતા. પરંતુ નીચલી અદાલતના ન્યાયાધીશે કોઈપણ કારણ આપ્યા વગર એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે તેમની આ દલીલને ફગાવી દીધી હતી. જસ્ટિસ મેનને પોતાના આદેશમાં લખ્યું છે કે, ગંભીર અને ગંભીર પ્રકારના ગુના અંગે માહિતી મેળવવા પર FIR નોંધવાની જવાબદારી પોલીસની છે. પરંતુ તેનું પાલન થયું ન હતું.
હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચેલા શાહનવાઝે કહ્યું છે કે તેઓ ઘણા દાયકાઓથી જાહેર જીવનમાં છે. અલગ-અલગ હોદ્દા પર રહીને તેમણે ઘણું સન્માન મેળવ્યું છે. જો પ્રાથમિક તપાસમાં જ ખોટા મામલામાં એફઆઈઆર નોંધવામાં આવે છે, તો તેનાથી તેમની છબીને નુકસાન થશે.
નોંધનીય છે કે જાન્યુઆરી 2018માં દિલ્હીની એક મહિલાએ હુસૈન વિરુદ્ધ FIR દાખલ કરવા માટે નીચલી કોર્ટમાં અરજી કરી હતી. તેણે આરોપ લગાવ્યો હતો કે ભાજપના નેતાએ તેના પર બળાત્કાર કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

Google search engine