ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. અત્યાર સુધી માધવસિંહ સોલંકીનો 149 બેઠકોનો રેકોર્ડ હતો હવે હાલના ટ્રેન્ડ જો પરિણામમાં પરિવર્તિત થાય તો ભાજપ નવો રેકોર્ડ બનાવશે. રાજ્યભરમાં ભાજપ કાર્યાલયોમાં ઉજવણી થઈ રહી છે. ગાંધીનગર કમલમમાં ઢોલનગારા સાથે ઉજવણી થઈ રહી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કમલમ ઓફિસ પહોંચીને જીતની ઉજવણીમાં ભાગ લઈ રહ્યા છે. કાર્યકરોએ કમલમ ઓફિસમાં મીઠાઈ વહેંચી છે.
મળતી માહિતી મુજબ આવતીકાલે અથવા 10મી ડિસેમ્બરે કમલમ ખાતે ભાજપના નવા ચૂંટાયેલા વિધાનસભ્ય દળની બેઠક યોજાશે. 12 ડિસેમ્બરના રોજ ગાંધીનગર વિધાનસભાની પાછળ હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે નવી સરકારની શપથવિધિની યોજાશે. આ શપથવિધિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પણ હાજર રહેશે.આ માટે ભવ્ય સમારોહની તૈયારી પણ શરુ કરી દેવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાંજે દિલ્હીના ભાજપ કાર્યાલય પહોંચવાના છે. દિલ્હી કાર્યાલય પર સાંજે 6 વાગ્યાથી ગુજરાત વિધાનસભા જીતની ઉજવણી કરવામાં આવશે. અહીં વડાપ્રધાન કાર્યકરોને સંબોધન કરે તેવી પણ શક્યતા છે.