સુરતમાં ભાજપનું મહામંથન! કારોબારી બેઠક શરૂ, સીએમ, સી. આર. પાટીલ, પ્રધાનો સહિત 1000 નેતાઓ હાજર

આપણું ગુજરાત

ગુજરાત વિધાનસભા ચુંટણીને લઈને અભેદ્ય યોજના બનાવા સુરતમાં ભાજપની વિશાળ કારોબારી બેઠક શરુ થઇ ગઈ છે. આ બેઠકમાં મુખ્યપ્રધાન, પ્રદેશ ભાજપ અધ્યક્ષ, પ્રધાનો સહિત 1000 જેટલા મહત્વના નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં 150 બેઠકોના જીતવાના સંકલ્પ સાથે વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે. ગુજરાતમાં AAPના વધતા જતા પ્રભાવને લઈને રણનીતિ બનાવવા પર ધ્યાન આપવામાં આવશે.

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલે બેઠકને સંબોધન કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજાયેલી પાંચ સભામાં લગભગ પંદર લાખ લોકો વડાપ્રધાન સાથે જોડાયા હતા. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ગુજરાત સદાય વિકાસના કાર્યોમાં અગ્રેસસર રહ્યું છે. ડબલ એન્જિનની સરકારને કારણે ગુજરાતને વધુ ફાયદો થયો છે. ખેડૂતોને પાકના સારા ભાવ મળી રહ્યા છે. હિંદુ આસ્થાનું કેન્દ્ર પાવાગઢ મંદિર ઉપર પાંચસો વર્ષ પછી વડપ્રધાન મોદી દ્વારા ધ્વજા રોહણ કરવામાં આવ્યું છે.


આ કારોબારી બેઠકનું સુરતના સરસાણા કન્વેન્શન હોલ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વિશાળ એસી હોલમાં દરેક હોદ્દેદાર માટે અલગ ટેબલ રખાયા છે. જેના પર કાજુ-બદામની સાથે સોફ્ટ ડ્રિંકની બોટલ પણ રાખવામાં આવી છે. આયોજનમાં નેતાઓ અને કાર્યકર્તાઓની સુવિધા માટે દરેક વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે. કોઈ મલ્ટી નેશનલ કંપની જનરલ મીટીંગના આયોજનને પણ ઝાંખું પડે એ રીતે આયોજન કરાયું છે.
સી. આર. પાટીલે વધુમાં કહ્યું હતું કે ભાજપની પેજ સમિતિ અને પેજ પ્રમુખો માત્ર રાજકીય વ્યવસ્થા કે ચૂંટલીલક્ષી કાર્યો માટે જ નહીં, પરંતુ સામાજિક વ્યવસ્થામાં ઉપયોગી કાર્યો કરી સમાજ જીવન સાથે ઊભા છે. ગુજરાતભરમાં પેજ સમિતિ કાર્યક્રમ અંતર્ગત 67 લાખપેજ સમિતિનાં ફોર્મ ભરાઈને આવ્યાં છે. બુથ કક્ષા એ કાર્યકરો દ્વારા ગુજરાતના બાવન હજાર જેટલા બુથ ઉપર પચાસ લાખથી વધુ પરિવારોનો સીધો સંપર્ક કરી ડેટાબેઝ એપ્લિકેશન ઉપર જ એકત્ર કરવાનું શરૂ થયું છે. મતદારને ઓળખીને તેણે લીધેલા સરકારી લાભ સહિતની માહિતી ફીડ કરવામાં આવી રહી છે.


રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ કહ્યું કે ચૂંટણી આવતાંની સાથે કેટલીક રાજકીય પાર્ટી અને સરકાર વિરોધી માનસિકતા ધરાવતા લોકો દુષ્પ્રચાર કરીને સરકારની કામગીરી વિષે ખોટી ભ્રમણા ફેલાવે છે, પરંતુ ગુજરાતની પ્રજા અમારી સાથે જ રહી છે. વંદે ગુજરાત કાર્યક્રમ થકી લોકો મોટી સંખ્યામાં જોડાયા છે. ગુજરાતી જનતા ફરીથી અમને આશીર્વાદ આપશે.


ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પુરુસોત્તમ રૂપાલાએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ ખુબ સારો છે. રાજકીય ઇતિહાસમાં અનેક પાર્ટીએ ઉભી થવાનો પ્રયાસ કાર્યો પણ સફળ થઈ નથી. આપ કે અન્ય પાર્ટીની ગતિવિધિ ઉપર નજર રાખીએ છીએ.
આ પ્રદેશ કારોબારીમાં સી. આર. પાટીલ હાજર તમામ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારોને આગામી વિધાનસભામાં કયા મુદ્દાને લઈને આગળ વધવાનું છે તેનું માર્ગદર્શન આપશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.