દેવેન્દ્ર ફડણવીસ ફરી એકવાર Corona +ve, તાત્કાલિક હોમ ક્વોરન્ટાઇન

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

મહારાષ્ટ્રમાં કોરોના ફરી એકવાર માથું ઉંચકી રહ્યો છે ત્યારે બોલીવૂડ સેલેબ્રિટીઝ અને રાજકારણીઓ ફરીથી કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર રાજ્યના વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસને કોરોનાનો ચેપ લાગ્યો છે. દેવેન્દ્ર ફડણવીસે પોતે ટ્વીટ કરીને આ માહિતી આપી છે.  મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હું હાલમાં હોમ આઇસોલેશનમાં છું. ડોક્ટરની સલાહ મુજબ મારી સારવાર અને દવા ચાલુ છે. ફડણવીસે ટ્વીટમાં કહ્યું, “છેલ્લા કેટલાક દિવસોમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ.”

કોરોના થયા બાદ લગભગ સાત દિવસ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડે છે. તેથી 10 જૂને યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં દેવેન્દ્ર ફડણવીસ કેવી રીતે હાજર રહેશે તે જોવું રહ્યું. દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે મહાવિકાસ અઘાડીના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. તેથી આ નેતાઓને પણ કોરોનાનો ચેપ લાગ્યો હશે કે નહીં એ ટેસ્ટ કરાવ્યા બાદ ખબર પડશે.

દેવેન્દ્ર ફડણવીસ ગઈ કાલે લાતુરના પ્રવાસે હતા. લાતુરની મુલાકાત લીધા બાદ તેઓ સોલાપુર જવાના હતા. જોકે, તાવને કારણે તેઓ ટૂર અધવચ્ચે જ છોડીને મુંબઈ જવા રવાના થઈ ગયા હતા. નોંધનીય છે કે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને હાલમાં વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસ પહેલા પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. તે સમયે ફડણવીસની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી હતી.

રાજ્ય સહિત મુંબઈમાં પણ કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો નોંધાયો હોવાથી પ્રશાસનની ઉંધ ઉડી ગઈ છે. મુંબઈમાં કોરોનાના દરદીઓની સરેરાશ સંખ્યા 700ની આસપાસ પહોંચી ગઈ હોવાથી નિષ્ણાતોએ ટૂંક સમયમાં કોરોનાની ચોથી લહેરની આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં સ્થિતિની સમીક્ષા કર્યા બાદ પ્રશાસને નાગરિકોને કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરવાનો આદેશ આપ્યો છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.