વિપક્ષે ભાજપના લોકસભા સાંસદ સી.પી. જોશી પર ગૃહમાં ‘સતી પ્રથા’ને સમર્થન આપતી ટીપ્પણી કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપના સીપી જોશીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન સતી શબ્દનો ઉપયોગ કર્યો હતો. જેના કારણે સુપ્રિયા સુલે સહિત અનેક મહિલા સાંસદોએ હોબાળો મચાવ્યો હતો કે સતી પ્રથાને ગ્લોરીફાઈ કરવામાં આવી રહી છે.
લોકસભામાં વિપક્ષના નેતાઓએ આજે ગૃહના વેલમાં ઉતરીને વિરોધ કર્યો. વિપક્ષનું કહેવું છે કે ભાજપના સંસદ સભ્ય સીપી જોશી ‘સતી’ પ્રથાનો મહિમા કરી રહ્યા છે. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવની ચર્ચા દરમિયાન ભાજપના સાંસદ સી.પી. જોશીએ મેવાડની રાણી પદ્માવતીનો ઉલ્લેખ કર્યો હતો. રાણી પદ્માવતીએ આક્રમણખોર અલાઉદ્દીન ખિલજીથી તેમના સન્માનની સુરક્ષા માટે જૌહર કર્યું હોવાનું માનવામાં આવે છે.
NCP ના સુપ્રિયા સુલે, DMKના દયાનિધિ મારન, કનિમોઝી અને કોંગ્રેસના એ રાજા કે મુરલીધરન, અને ઈમ્તિયાઝ જલીલે (AIMIM) દાવો કર્યો હતો કે C. P. જોશીએ ‘સતી’ પ્રથાનો મહિમા કર્યો હતો.
જોકે સીપી જોશીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમણે સતી પ્રથાનો કોઈ ઉલ્લેખ કર્યો નથી, એટલું જ કહ્યું હતું કે પદ્માવતીએ તેમના સન્માનની રક્ષા માટે ‘જૌહર’ (આત્મદાહ) કર્યું હતું.