ભાજપનું કોંગ્રેસ તોડો અભિયાન: ગોવા કોંગ્રેસના 11માંથી 8 વિધાનસભ્યો ભાજપમાં જોડાયા, કોંગ્રેસ પાસે માત્ર 3 વિધાનસભ્યો

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

કોંગ્રેસ પાર્ટી એક તરફ ભારત જોડો યાત્રા કરી રહી છે ત્યારે કોંગ્રેસમાં જ દિવસેને દિવસે ભંગાણ પડી રહ્યું છે. ગોવાના કોંગ્રેસના 11માંથી 8 વિધાનસભ્યો આજે બુધવારે પાર્ટી છોડી ભાજપ જોડાઈ જતા ગોવામાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. આજે કોંગ્રેસ છોડનાર તમામ વિધાનસભ્યો મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત સાથે વિધાનસભા પહોંચ્યા અને સ્પીકર રમેશ તાવડકરને પત્ર સોંપ્યો. ગોવા બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સદાનંદ તનવડેએ આ વિધાનસભ્યોને ભાજપની સદસ્યતા આપવી હતી.
ભૂતપૂર્વ સીએમ દિગંબર કામત સહીત માઈકલ લોબો, ડેલિયા લોબો, કેદાર નાઈક, રાજેશ ફાલદેસાઈ, એલેક્સો સ્ક્રિયા, સંકલ્પ અમોલકર અને રોડલ્ફો ફર્નાન્ડીઝે કોંગ્રેસ પાર્ટી છોડી છે. બળવાખોર વિધાનસભ્યોની સંખ્યા બે તૃતીયાંશ કરતાં વધુ હોવાથી આ વિધાનસભ્યોને પક્ષપલટા વિરોધી કાયદો લાગુ પડશે નહીં.
આ વર્ષે જુલાઈમાં કોંગ્રેસે દિગંબર કામત અને માઈકલ લોબો વિરુદ્ધ પક્ષ વિરોધી ષડયંત્રમાં સામેલ હોવાનો આરોપ લગાવીને કાર્યવાહી કરી હતી. તે સમયે કોંગ્રેસે તુટવાથી બચવા માટે પોતાના 5 વિધાનસભ્યોને ચેન્નઈ શિફ્ટ કર્યા હતા.
નોંધનીય છે કે વિધાનસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ કોંગ્રેસના તમામ ઉમેદવારોને 5 વર્ષ સુધી પાર્ટી નહીં છોડવાના શપથ લેવડાવ્યા હતા. કોંગ્રેસે આ સમયગાળા દરમિયાન તમામ ઉમેદવારોએ સોગંદનામા પર સહી પણ કરી હતી. સોગંદનામુ આપતાં વિધાનસભ્યોએ કહ્યું હતું કે તેઓ 5 વર્ષ સુધી પાર્ટી નહીં છોડે અને કોંગ્રેસમાં રહીને ગોવાના લોકોની સેવા કરતા રહેશે.
અગાઉ 2019માં કોંગ્રેસના 15માંથી 10 વિધાનસભ્યો ભાજપમાં જોડાયા હતા. જેમાં વિપક્ષના નેતા ચંદ્રકાંત કાવલેકર પણ સામેલ હતા. ગોવાના સીએમ પ્રમોદ સાવંતે કોંગ્રેસના તમામ બળવાખોર વિધાનસભ્યોને ભાજપમાં સામેલ કર્યા હતા.
ગોવા વિધાનસભાની કુલ 40 બેઠકો છે. કોંગ્રેસના 8 વિધાનસભ્યો ભાજપમાં જોડાતા હવે NDAની કુલ ૩૩ બેઠકો થશે જયારે કોંગ્રેસ પાસે માત્ર ત્રણ વિધાનસભ્યો જ રહ્યા છે. જયારે AAPના ખાતામાં 2 બેઠક છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.