‘શિવસેનાને ઠાકરેથી અલગ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે’: ઉદ્ધવ ઠાકરેએ હૈયાવરાળ ઠાલવી

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

સીએમ એકનાથ શિંદે જૂથના ધારાસભ્યોના બળવા પછી પ્રથમ વાર શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેનો ઇન્ટરવ્યુ સામનામાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. સામનાના એક્ઝિક્યુટિવ એડિટર સંજય રાઉતે આ ઈન્ટરવ્યુ લીધો હતો. આ ઈન્ટરવ્યુમાં ઉદ્ધવે સીએમ એકનાથ શિંદે અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે સરકાર ગઈ, સત્તા ગઈ, મારી સીએમની ખુરશી ગઈ એનું દુઃખ નથી. દુઃખની વાત એ છે કે મારા પોતાના લોકોએ મને દગો આપ્યો છે. પાર્ટીના બીજા નંબરના મહત્વના નેતાએ આવું બેનંબરી કામ કર્યું છે.

ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર જોરદાર પ્રહાર કરતા કહ્યું કે, જ્યારે મારી તબિયત ખરાબ થઈ રહી હતી, ત્યારે મારી સરકારને તોડવાના ષડયંત્રો ચાલી રહ્યા હતા. કેટલાક લોકોએ મેલી વિદ્યા કરી, જેથી હું સ્વસ્થ ન થઈ શકું. ભાજપે સરકારને તોડવા માટે હજારો કરોડ રૂપિયા ખર્ચ્યા. હવે એવી ગેરસમજ ઉભી કરવામાં આવી રહી છે કે તેઓ જ અસલી શિવસેના છે. શિવસેનાને ઠાકરેથી અલગ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.

ઉદ્ધવ ઠાકરેએ સીએમ શિંદે પર આરોપ લગાવ્યો કે ‘તેઓને શિવસેનાના ચીફ બનવું છે. તેમની મહત્વાકાંક્ષા રાક્ષસી છે. તેઓ બાળાસાહેબના વિચારોને બચાવવા બહાર આવ્યા હોવાની ગેરસમજ ફેલાવી રહ્યા છે. તેઓ ચાલ્યા ગયા, મને કોઈ વાંધો નથી, પણ પછી તેઓ સ્વતંત્ર પક્ષ કેમ નથી બનાવતા? તેઓ મારા પિતાનું નામ કેમ વાપરે છે?

શિંદે-ફડણવીસ સરકાર પર પ્રહાર કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ‘અમે બે એક રૂમમાં બંધ છીએ’, આજે આવી કેબિનેટ શરૂ થઈ રહી છે. કારણ કે તેઓ એ પણ જાણે છે કે તેમની સરકારને નૈતિક માન્યતા તો નથી જ અને બંધારણીય માન્યતા પણ નથી. જો કેબિનેટનું વિસ્તરણ થશે તો કાયદાકીય મડાગાંઠ સર્જાશે. બંને સાથે મળીને સરકાર ચલાવી રહ્યા છે. લોકશાહીની મજાક ઉડાવી રહ્યા છે. પરંતુ તેઓ ગમે તે કરે, તેઓએ તેમના જૂથનો એક અથવા બીજા પક્ષ સાથે વિલય કરવો પડશે. મને દેશની ન્યાય વ્યવસ્થામાં પૂરો વિશ્વાસ છે.

ઉદ્ધવ ઠાકરેનો ઈન્ટરવ્યુનો ભૂતપૂર્વ નાણા પ્રધાન સુધીર મુનગંટીવારે જવાબ આપતા જણાવ્યું હતું કે, ‘તમે જ્યારે ભાજપ સાથે ગઠબંધન તોડીને તમારી મહાવિકાસ આઘાડીની સરકાર બનાવી, ત્યારે પણ હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા જ હશે.’ બીજેપી નેતા ચંદ્રશેખર બાવનકુલેએ પણ ઉદ્ધવ ઠાકરે પર સહાનુભૂતિ મેળવવાનો આરોપ લગાવ્યો અને સવાલ કર્યો હતો કે, ‘શું 2019માં દેવેન્દ્ર ફડણવીસને છેતરનાર ઉદ્ધવ ઠાકરે યોગ્ય હતા? તેમણે કહ્યું કે શિવસેનાના બળવા સાથે ભાજપને કોઈ લેવાદેવા નથી. તેમના પક્ષના લોકો તેમનાથી કંટાળી ગયા હતા અને એટલે તેમણે બળવો કર્યો હતો, આમાં ભાજપ શું કરે? ઉદ્ધવ ઠાકરેએ હવે સંજય રાઉતની ચુંગાલમાંથી બહાર નીકળવું જોઈએ. સંજય રાઉત તેમની પાર્ટીને ડુબાડી રહ્યા છે.

સંજય રાઉતે ઉદ્ધવના લીધેલા ઇન્ટરવ્યુનો બીજો ભાગ આવતી કાલે પ્રકાશિત થશે. ભાજપના નેતાઓની પ્રતિક્રિયા વિશે પૂછવામાં આવતા રાઉતે માત્ર એટલું જણાવ્યું હતું કે શિવસેના સામે બળવો કરનારાઓને મહારાષ્ટ્રની જનતા ક્યારેય માફ નહીં કરે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.