પશ્ચિમ બંગાળના બજેટ સત્રના પહેલા દિવસે તૃણમૂલ કોંગ્રેસે(TMC) ભારતીય જનતા પાર્ટી (BJP)ને અલગ રાજ્ય ઉત્તર બંગાળ માટે માંગ પર પોતાનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું છે. ટીએમસીએ બંગાળના વિભાજન વિરુદ્ધ વિધાનસભામાં પ્રસ્તાવ લાવવાની જાહેરાત કરી છે.
બંગાળના વિકાસ પ્રધાન ઉદયન ગુહાએ ભાજપને રાજ્યના વિભાજન અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવા 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે ભાજપ પર બંગાળના લોકો સાથે બેવડી રમત રમવાનો આરોપ લગાવ્યો છે. ટીએમસીનો આરોપ છે કે આ માંગ પાછળ ભાજપના નેતાઓનો હાથ છે.
સિલીગુડીમાં મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું, “ભાજપ બંગાળના લોકો સાથે ‘ડબલ ગેમ’ રમી રહી છે. દક્ષિણ બંગાળમાં તેઓ કહે છે કે તેઓ ઉત્તર બંગાળને અલગ રાજ્ય બનાવવા નથી ઈચ્છતા, જ્યારે ઉત્તર બંગાળમાં તેમના સાંસદો અને વિધાનસભ્યો અલગ રાજ્યની માંગ કરી રહ્યા છે. ભાજપે 48 કલાકમાં પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવું પડશે.”
ટીએમસી નેતાએ ભાજપ પર બંગાળમાં અશાંતિ ફેલાવવાનો આરોપ પણ લગાવ્યો. તેમણે કહ્યું “બંગાળને તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અમે આ બજેટ સત્રમાં તેની સામે ઠરાવ લાવીશું.”
તેમણે વધુમાં સવાલ કર્યો કે રાજ્યોના વિભાજનને લઈને ભાજપની ત્રિપુરા માટે એક અને બંગાળ માટે બીજી નીતિ છે. આવું કેમ છે? નીચી કક્ષાની રાજનીતિ ગણાવતા ટીએમસી નેતાએ કહ્યું કે ટૂંક સમયમાં જ ભાજપનો દંભ સામે આવી જશે.