BJP Vs TRS: બીજેપી અને ટીઆરએસની સફર મિત્રથી કટ્ટર હરીફ સુધીની

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

રાજકારણમાં કોઇ કાયમી મિત્ર નથી હોતું કે કોઇ કાયમી શત્રુ નથી હોતું. આ વાત ટીઆરએસ પક્ષને બરાબર લાગુ પડે છે. ટીઆરએસ જે એક સમયે એનડીએનો ભાગ હતી તે હવે ભાજપથી અલગ થઈ ગઈ છે. એક સમયે સંસદમાં ભાજપ સાથે દોસ્તી ભજવનાર ટીઆરએસે આજે ભગવા પક્ષને પોતાનો સૌથી મોટો રાજકીય દુશ્મન બનાવી દીધો છે. આ જ કારણ છે કે ટીઆરએસ ચીફ અને સીએમ કેસીઆરે તેલંગાણા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રિસીવ કરવાના કાર્યક્રમથી પોતાને દૂર રાખ્યા હતા.
તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે લગભગ 5 વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રામ નાથ કોવિંદને જોરદાર સમર્થન આપ્યું હતું અને તેમની પાર્ટી તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) એ પણ સંસદમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટેકો આપ્યો હતો. સંસદમાં તેઓ ઘણીવાર મોદી સરકારની વકીલાત કરતા જોવા મળ્યા હતા, પરંતુ હવે તેમના અને ભાજપ વચ્ચેના સંબંધો એ હદે બદલાઈ ગયા છે કે રાવે શનિવારે શહેરમાં વડાપ્રધાનના આગમનના ઔપચારિક સમારોહથી પોતાને દૂર રાખ્યા હતા. મોદી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં હાજરી આપવા અહીં આવ્યા છે, જેમાં તેલંગણાના મુખ્ય પ્રધાનને સત્તા પરથી હટાવવા સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવાની યોજના છે. ટીઆરએસ ચીફ અને સીએમ કેસીઆરે તેલંગાણા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રિસીવ કરવાના કાર્યક્રમથી પોતાને દૂર રાખ્યા હતા.
રાવ વિવિધ રાજ્યો અને રાષ્ટ્રીય રાજધાનીની મુલાકાત લઈને ભાજપ વિરુદ્ધ રાષ્ટ્રીય સ્તરે વિપક્ષી પક્ષોનું એક વ્યાપક ગઠબંધન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે ભાજપે તેમને રાજ્યની સત્તામાંથી હટાવવાના પ્રયાસો બમણા કર્યા છે. રાવ 2014થી તેલંગાણામાં સત્તા પર છે. મોદીને આવકારવાને બદલે રાવે અહીં સામાન્ય વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહાનું ભવ્ય સ્વાગત કર્યું. મોદીના આગમનના દિવસે સિંહાના અહીં આગમનને માત્ર સંયોગ માનવામાં આવી રહ્યો નથી. મોદી બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક માટે હૈદરાબાદ ગયા છે. ભાજપે રાવ પર વડાપ્રધાનના ઔપચારિક સત્કાર સમારંભમાં ફરી એકવાર હાજરી ન આપીને એક વ્યક્તિ નહીં પરંતુ સંસ્થાનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે.
એક સમયે ટીઆરએસના ભાજપ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો હતા, પરંતુ 2019માં મોદીની આગેવાની હેઠળની સરકાર ફરી સત્તામાં આવ્યા બાદ બંને પક્ષો વચ્ચેના સંબંધોમાં ધીમે ધીમે ખટાશ આવવા લાગી. તેલંગાણામાં ચાર લોકસભા બેઠકો જીતીને બધાને આશ્ચર્યચકિત કર્યા પછી, ભાજપે રાજ્યમાં વિપક્ષની જગ્યા ભરવાનો પ્રયાસ કર્યો. તે જ સમયે, તેણે વિધાનસભા પેટાચૂંટણીમાં બે મહત્વપૂર્ણ બેઠકો જીતી અને હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ સારું પ્રદર્શન કર્યું. ભાજપના નેતાઓએ કહ્યું કે પાર્ટીના સારા પ્રદર્શનથી ટીઆરએસ ચિંતિત છે. તેમને પોતાનું સિંહાસન ડોલતું લાગે છે. રાજ્યમાં ભાજપના સંભવિત પગપેસારા બાદ કેસીઆર હતાશા અનુભવી રહ્યા છે.
બેઠક માટે હૈદરાબાદને પસંદ કરવાના ભાજપના નિર્ણયને સ્પષ્ટ સંકેત તરીકે જોવામાં આવે છે કે પક્ષ એવા રાજ્યોમાં વિસ્તરણ કરવા માંગે છે જ્યાં તેઓ પ્રમાણમાં નબળા છે અને તેલંગાણા તેની ટોચની પ્રાથમિકતા છે. 2014માં કેન્દ્રમાં સત્તામાં આવ્યા બાદ આ ચોથી વખત છે જ્યારે પાર્ટી દિલ્હીની બહાર રાષ્ટ્રીય કાર્યકારિણીની મહત્વપૂર્ણ બેઠક યોજી રહી છે. તે અગાઉ 2017માં ઓડિશા, 2016માં કેરળ અને 2015માં બેંગલુરુમાં મળી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.