મુખ્ય પ્રધાનની સારપનો ફાયદો સમાજને થતો નથી એવી ટીકા કરી
વિપુલ વૈદ્ય
મુંબઈ: રાજ્યમાં એકનાથ શિંદેની સાથે ભાજપે સરકાર બનાવી તેને સોમવારે સાત મહિના પૂરા થયા છે ત્યારે મહારાષ્ટ્ર ભાજપના ઉપાધ્યક્ષે જ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સામે મોરચો ખોલ્યો છે અને કહ્યું છે કે મુખ્ય પ્રધાન ઘણા સારા છે, પરંતુ તેમની સારપ ફક્ત પોતાના પુરતી જ છે. તેમની સારપનો ફાયદો સમાજને થતો નથી.
એક તારીખ પછી પ્રધાનોની કારને રોકવામાં આવશે એવી ચેતવણી પણ મહારાષ્ટ્ર ભાજપના ઉપાધ્યક્ષ અને અણ્ણાસાહેબ પાટીલ આર્થિક વિકાસ મહામંડળના અધ્યક્ષ નરેન્દ્ર પાટીલે આપી હતી.
માથાડી કામગારના પ્રશ્ર્નો પ્રત્યે રાજ્યની સરકાર આંખ આડા કાન કરી રહી છે એવી ફરિયાદ સાથે પહેલી ફેબ્રુઆરીના રોજ નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં માથાડી કામગારોનું આંદોલન થવાનું છે તેની માહિતી આપતાં તેમણે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની સારપ તેમના પુરતી જ છે. તેનો સમાજને ફાયદો થતો નથી. સરકાર ગરીબોની છે એવું કહેવાય છે, પરંતુ અત્યાર સુધી જે જોવા મળ્યું છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે ગરીબો પ્રત્યે સરકારનું દુર્લક્ષ થઈ રહ્યું છે.
નરેન્દ્ર પાટીલે કહ્યું હતું કે નવી સરકાર પાસેથી બધાની જેવી અપેક્ષા છે તેવી અમારા માથાડી કામગારોની પણ અપેક્ષા છે, પરંતુ કમનસીબે અમારી અપેક્ષાનો ભંગ થઈ ગયો છે. માથાડી કામગારોના પ્રશ્ર્નો માટે એકનાથ શિંદેને અનેક વખત મળ્યો. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને કામગાર પ્રધાનને પણ મળ્યો. તેમને આપવામાં આવેલા નિવેદનો કોઈ ફાઈલમાં બંધ થઈને રહી જાય છે.
તમે નિવેદનો સ્વીકારો છો, તેના પર નોટિંગ કરો છો અને સહી પણ કરો છો. આમ છતાં તે બાબતે બેઠકો આયોજિત થતી નથી. તેને કારણે માથાડી કામગારોને ન્યાય મળતો નથી. હવે અમારી પાસે કોઈ વિકલ્પ નથી. અણ્ણાસાહેબ પાટીલના સંગઠને બંધનું એલાન કર્યું છે અને અમે બંધ સફળ કરી દેખાડશું.
અમે એક ફેબ્રુઆરીએ બંધનું એલાન કર્યું છે. હજી સુધી મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તરફથી બેઠક માટેનો સંદેશો આવ્યો નથી. મંગળવારે સમાધાન નહીં થાય તો પહેલીએ બંધ કરવામાં આવશે. એક તારીખ પછી કોઈપણ પ્રધાનનો પ્રવાસ નવી મુંબઈની ખાડી પરના પૂલ પરથી થવાનો હશે તો અમે પાંચ-પચાસ માથાડી કામગારો લઈને ત્યાં ઊભા રહેશું અને પ્રધાનોની કારને રોકવામાં આવશે, એવી ચેતવણી પણ તેમણે ઉચ્ચારી હતી.